વોડાફોન આઇડયાને સરકાર હસ્તક લેવાની સલાહ : બળતું ઘર કૃષ્ણાર્પણ
- ટેલિકોમ કંપનીઓને છેલ્લા ત્રણ દિવસમાં બે ઝાટકા
- પ્રસંગપટ
- ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રે રિવોલ્યુએશનનો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે બે કંપનીઓ સામે ડુંગર જેવું દેવું
ટેલિકોમ કંપનીઓને છેલ્લા ત્રણ દિવસમાં બે ઝાટકા વાગ્યા છે. એક ઝાટકો સુપ્રિમ કોર્ટે વોડાફોન આઇડયાને આપ્યો છે તો બીજો અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રીલાયન્સ કોમ્યુનિકેશનનું લાઇસન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને રિન્યુ નહીં કરવાનો નિર્ણયની દિશામાં આગળ વધીને આપ્યો છે.
ભારતનું ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર તીવ્ર સ્પર્ધા વાળું હોવા છતાં આ બંને કંપનીઓ ડચકાં ખાઇ રહી છે.એક તરફ ભારતના ફંડ મેનેજરો વોડોફાન આઇડયાને ટકાવી રાખવા ફંડ માટે ફાંફા મારી રહ્યા છે ત્યાં બીજી તરફ વોડાફોન આઇડયા જેવા દેવામાં ડૂબેલા અને બળતા ઘરનું સરકારને કૃષ્ણાર્પણ કરવા માટે પણ વિચારાઇ રહ્યું છે.
આર્થિક ક્ષેત્ર અને શેર બજારના નિષ્ણાતો પણ એ મતના છે કે હવે આ કંપનીને નવા ફંડની ફૂંકો પણ જીવાડી શકે એમ નથી.
જ્યાં સુધી સુપ્રીમ કોટે એેજીઆર વિશે ચુકાદો નહોતો આપ્યો ત્યાં સુધી વોડાફોન આઇડયામાં ફંડ આપવા માટેની પ્રોસેસ ચાલતી હતી પરંતુ જેવો ચુકાદો આવ્યો કે તરતજ ફંડ આપવાનો વિચાર કરનારા ઠંડા પડી ગયા હતા.
કહે છે કે એચડીએફસીના એએમસીના પ્રશાંત જૈન અને આદિત્ય બિરલા એમ એફના મહેશ પાટીલ સહીતના પાંચ ફંડ મેનેજરો મેદાનમાં આવ્યા છે પરંતુ કંપનીનું ડુંગર જેવું દેવું તેના પ્રોગ્રેસને અટકાવી રહ્યો છે. એક તરફ કોમ્યુનિકેશન ક્ષેત્રની ગળા કાપ સ્પર્ધા અને બીજી તરફ નવી ટેકનોલોજીને અપનાવવા માટેનું ફંડ જેવા મુદ્દાઓને કંપની પહોંચી વળે એમ નથી.
એક વર્ગ એમ કહે છે કે જો ટેલિકોમ ક્ષેત્રે સ્પર્ધા રાખવી હોય તો વોડાફોન આઇડયા જેવી કંપનીઓને જીવતી રાખવી પડશે. દેવા નીચે ડૂબેલી તો ભારત હસ્તકની ભારત સંચાર નિગમ પણ છે છતાં તેને ચાલુ રખાઇ છે. જો વોડાફોન આઇડિયાાને તાળું વાગશેતો અન્ય ટેલિકોમ કંપનીઓ જેવીકે એરટેલ અને રીલાયન્સ જીયો જેવા નેટવર્ક પોતાની મોનોપોલી ઉભી કરીને લાભ ઉઠાવશે. આમ મોનોપોલી ઉભી થવાથી ગ્રાહકોને કંપનીઓ જે આપશે તે લઇ લેવું પડશે. તેથી ગ્રાહકોને અન્યાય થશે.
સરકારનેતો બીએસએનએલ પણ બોજ સમાન લાગે છે. હવે એવી માંગ ઉઠી છે કે સરકારે વોડાફોન આઇડયાને આર્થિક સહાય કરવી જોઇએ. આવી કંપનીઓની કમનસીબી એ હોય છે કે તે તેના ખર્ચા ઘટાડી શકતી નથી અને અમને બચાવો એવા રોદણાં રોવામાંથી ઉંચી નથી આવતી. આવી કંપનીઓની નબળી સર્વિસના કારણેતો તે સ્પર્ધામાં ઉભી નથી રહી શકતી.
ગયા શુક્રવારે એડજેસ્ટ ગ્રેાસ રેવન્યૂ (AGR) એટલેકે કંબાઇન રેવન્યૂની ગણત્રીના મામલે સુપ્રિમ કોર્ટે આપેલો ચુકાદાએ વોડાફોન આઇડયા અને ટાટા ટેલિ સર્વિસ જેવાની ઉંઘ હરામ કરી નાખી છે. વોડાફોન આઇડયામાં જે ફંન્ડીગ ચુકાદા પહેલાં આવવાનું હતું તેના પર પણ બ્રેક વાગી ગઇ હતી. આ કંપનીઓ રિવ્યૂ પીટીશન કરવા જઇ રહી છે.
આ કંપનીઓ એજીઆર જેવી મહત્વની વાત ફંડ આપનારા સમક્ષ ભાગ્યેજ કરતી હતી. પોતાની કંપનીમાં કોઇ સમસ્યા નથી એવી વાતો કરતી આ કંપનીઓને સુપ્રિમ કોર્ટના ચુકાદાએ ખુલ્લી પાડી દીધી હતી. સરકારની ગણત્રી પ્રમાણે વોડાફોન આઇડયાનું દેવું ૫૮,૪૦૦ કરોડ, એરટેલનું દેવું ૪૩,૯૮૦ કરોડ અને ટાટા ટેલીનું દેવું ૧૬,૭૦૦ કરોડ પર પહોંચ્યું છે.
પરંતુ આ કંપનીઓએ પોતે પોતાનું દેવું ઉપરોક્ત રકમ કરતાં ઓછું આંકેલું છે. એટલેકે વોડાફોન આઇડયા દેવાની રકમ ૨૧,૫૩૩ કરોડની બતાવી રહી છે. બજારના નિષ્ણાંતો કહે છે કે કંપનીઓએ પોતે બહાર પાડેલા દેવાના આંકડા સાચા હોય તો તેને બહુ મોટું દેવું ના કહી શકાય પરંતુ કંપનીના આંકડા સાથે કોઇ ખાસ કરીને સરકાર સંમત થવા તૈયારનથી .
સ્પેકટ્રમ ખરીદીના વોડાફોન આઇડયાએ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં રૂ.૮૨૯૨ કરોડ ચૂકવવાના છે. જો આજે સરકાર આ કંપનીને કોઇ સહાય નહીં કરેતો તે દેવાના ડુંગર નીચે દબાયેલી રહેશે. આપણે ત્યાં ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રે રિવોલ્યુએશનનો પવન ફૂંકાઇ રહ્યો છે. ભારતમાં 5G આવશે ત્યારે ટેલિકોમ ટેકનોલોજી મહત્વની બની રહેશે. અનેક મોટા શહેરોમાં 5Gના ટેસ્ટીંગ પણ થઇ ગયા છે ત્યારે આપણે ત્યાં કેટલીક ટેેલિકોમ કંપનીઓ સરકારની સહાય માટે રીંગ મારી રહી છે પરંતુ સરકાર ફોન ઉપાડતી નથી.