મેક્સિકો સરહદ સીલ કરતાં ઘૂસણખોરો પાછા ઘરભેગા
- આશ્રિત માટે બનાવવામાં આવેલા ટેન્ટો બંધ કરાયા
- પ્રસંગપટ
- અમેરિકામાં ઘૂસવા માંગતા મેક્સિકન લોકોના ટોળેટોળાં સરહદ પર આમતેમ ભટકી રહ્યા છે
સત્તાનાં સૂત્રો સંભાળતાંની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા ઇમિગ્રન્ટ્સ પર ત્રાટક્યા છે. ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં અમેરિકનોને ખાત્રી આપતા હતા કે હું ગેરકાયદે ઘૂસતા લોકોને અટકાવવાનું અને અમેરિકામાં ખૂણેખાંચરે ગોઠવાઇ ગયેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો દેશ નિકાલ કરવાનું કામ કરીશ. ડેનાલ્ડ ટ્રમ્પની આ ખાત્રી અમેરિકાન પ્રજાના ગળે ઉતરી ગઇ હતી અને તેમણે ભરપૂર મત આપીને ટ્રમ્પને જીતાડયા હતા. હવે સત્તાસ્થાને બેસતાંની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે ઘૂસતા લોકો પર ત્રાટક્યા છે. અમેરિકાની વિવિધ સરહદો, ખાસ કરીને મેક્સિકો સરહદ પરથી ઘૂસતા લોકો પર બ્રેક મારી દેવામાં આવી છે. તેમણે સરહદે પર દીવાલ બનાવવાનો ઓર્ડર પાસ કર્યો છે.
ટ્રમ્પ સત્તા પર આવ્યા તે વાતને હજુ આંગળીના વેઢે ગણાય એટલા દિવસો થયા છે, પણ આટલા ઓછા સમયમાં સરહદ કડક રીતે સીલ કરી દેવામાં આવી છે. અમેરિકામાં ઘૂસવા માગતા મેક્સિકન લોકોના ટોળેટોળાં સરહદ પર આમતેમ ભટકી રહ્યાં છે. તેમને અમેરિકામાં ઘૂસાડવાના પૈસા લેનાર એજન્ટો ભાગતા ફરે છે, કેમ કે જે લેાકો પકડાયા છે તે બધા પાસેથી તેમના એજન્ટોનાં નામ મેળવાઇ રહ્યા છે. એજન્ટો અને સરહદ પર કામ કરતા લોકોની મિલી-ભગતના કારણે ઘૂસણખોરીનો ધંધો મોટા પાયે ખીલ્યો હતો.
મેક્સિકન સરહદ પર કામ કરતા અમેરિકન સ્ટાફમાં ખાસ્સી ફેરબદલ કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (આઇઆરએસ)ના ૯૦,૦૦૦ લોકોને મેક્સિકો સરહદ પર ગોઠવવાનો પ્લાન કર્યો છે. આ સર્વિસ બંધ થવાના આરે હતી, પણ ટ્રમ્પના નિર્ણયથી તેને અચાનક જીવતદાન મળ્યું છે. કેટલાક આઇઆરએસ એજન્ટોને સાથે બંદૂક જેવાં શસ્ત્ર વાપરવાની પરવાનગી હોય છે.
મેક્સિકોની સરહદ પરથી ઘૂસ્યા પછી ઘૂસણખોરો જેેમાં આશ્રિત બનીને રહે છે તે બધા ટેન્ટો બંધ કરી દેવાયા છે. ઘૂસણખોરો જીવનું જોખમ ઉઠાવીને પણ સરહદની કાંટાળી વાડ કૂદવા મથે છે, પરંતુ હવે સરહદ પર આ પ્રકારનાં બાકોરાં પૂરી દેવાયાં છે.
મેક્સિકો સરહદે અટવાયેલા લોકો જાણી ગયા છે કે તેમનું ભાવિ હવે અનિશ્ચિત છે. પોતના ઘર વેચીને અમેરિકામાં ઘૂસવા મથતાં કુટુંબો હવે નથી તો પાછા ફરી શકતાં કે નથી તો અમેરિકામાં ઘૂસી શકતાં.
જ્યારથી મેક્સિકો સરહદ પર કડક પગલાં લેવાના શરૂ થયાં છે ત્યારથી વેનેઝુએલા, ક્યુબા જેવા દેશોના લોકો વીલા મોઢે વતન પરત ફરી રહ્યા છે.
ટ્રમ્પને રાહત એ વાતની છે કે હવે ડેમોક્રેટ્સ એટલે કે વિરોધ પક્ષના નેતાઓ પણ ઘૂસણખોરો વિરુદ્ધ લેવાઈ રહેલાં પગલાંને મામલે હવે ઠીક ઠીક કૂણા પડયા છે. જો ભારતમાં બાગ્લાદેશી ઘૂસણખોરોને અટકાવવા કડક પગલાં લેવાય કે મોટી દીવાલ સરહદે બનાવાય તો કેટલાક રાજકીય પક્ષો તેનો વિરોધ કરે. ભારતમાં ઘૂસતા લોકોની તરફેણ કરતો એક વર્ગ કહેશે કે ઘૂસણખોરોને રોકવા એ તો એમના માનવઅધિકાર પર મારેલી તરાપ છે.
કોઇ પણ દેશમાં ઘૂસણખોરો ઉધઇ જેવા હોય છે. જેમ ઉધઇ લાકડાને કોરી નાખે છે એમ ઘૂસણખોરો જે-તે દેશના લોકોની રોજગારી પર તરાપ મારે છે અને પ્રશાસન અને વ્યવસ્થા પર માઠી અસર કરે છે. બાંગ્લાદેશી રોહિંગ્યાઓ પછી આસામજિક તત્ત્વોના હાથા બની જાય અને ભારતીયોને પરેશાન કરે તેવું વર્તન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આવા નાનામોટા બનાવો બન્યા પણ છે.
યુકેની સરકાર ઘૂસણખોરો માટે ઉદારમતવાદી વલણ રાખીને વિશ્વમાં લોકોની વાહ વાહ મેળવતી હતી, પરંતુ જેમના માટે સરકાર ઉદાર બની હતી તે લોકોજ હવે સરકારની સામે બાંયો ચઢાવી રહ્યા છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા લોકોને આરોગ્યની સવલતો કે અન્ય કોઇ સલામતીનું કવચ મળતું નથી. શરૂઆતમાં તેઓ પોતાના સંબંધી કે ઓળખીતા-પાળખીતાને ત્યાં ગોઠવાઇ જાય છે, પરંતુ નથી તો તેમને કોઇ સારી નોકરી મળતી કે નથી તો કાયદાકીય રક્ષણ મળતું. અમેરિકામાં સક્રિય ગુજરાતી સંગઠનો આવા લોકો માટે હેલ્થ ચેકઅપ અને કાનૂની સલાહ માટેના કેમ્પ્સ ગોઠવતા હોય છે.
અમેરિકા જવાના ક્રેઝનો વાઇરસ ગુજરાતીઓમાં બહુ મોટા પાયે પ્રસરેલો છે. ૨૦૨૩ના એપ્રિલમાં કેનેડા-અમેરિકાની સરહદે ઠંડીના કારણે મોતને ભેટનાર મહેસાણા જિલ્લાના ચાર સભ્યોના પરિવારની કરૂણાંતિકાને ભૂલવી ન જોઇએ.