મનમોહન સિંહ બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે : બરાક ઓબામા
- મૌન રહીને પણ દેશમાં પરિવર્તન લાવી શકાય છે
- બંધારણના ઘડવૈયા જેમ બાબાસાહેબ આંબેડકર હતા એમ આર્થિક સુધારાના ઘડવૈયા સ્વ. મનમોહન સિંહ હતા
- પ્રસંગપટ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહના ખાસ પ્રશંસક હતા. તેઓ કહેતા કે જ્યારે મનમોહન સિંહ બોેલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે. કેટલાક રાજકીય નેતાઓ જનતાના મન પર ઊંડી છાપ છોડીને વિદાય લેતા હોય છે. આજે વિશ્વમાંપાંચમા નંબર પર પહોંચેલા ભારતીય અર્થતંત્રનો પાયો નાખનાર મનમોહન સિંહ હતા. કેટલાંક પગલાં હિંમતભેર લેવાનાં હોય છે. જ્યારે દેશની આર્થિક નીતિને છંછેડવા કોઈ તૈયાર નહોતું ત્યારે તેમાં આમૂલ પરિવર્તન લાવવા મનમોહન સિંહે ક્રાંતિકારી પગલાં ભર્યાં હતાં.
આજે વિશ્વમાં ભારતનો જે આર્થિક મોભો છે તેના પાયામાં મનમોહન સિંહે લાવેલા આર્થિક સુધારા છે તે હકીકતને તો તેમના વિરોધીઓ પણ સ્વીકારે છે. પ્રજાના દિલમાં સ્થાન મેળવવા બહુ બોલબોલ કરવાની જરૂર હોતી નથી. મૌન રહીને પણ ઉત્તમ કામ કરી શકાય છે તેનું ઉદાહરણ મનમોહન સિંહે પોતાના પર્ફોર્મન્સ થકી જનતા સામે મૂક્યંુ છે.
૧૯૯૧માં જ્યારે ભારતની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી ત્યારે પી.વી. નરસિંહરાવની સરકારમાં તેઓ નાણાપ્રધાન હતા. મનમોહન સિંહ દેશમાં સૌથી લાંબો સમય વડાપ્રધાનનો હોદ્દો સંભાળનારી ત્રીજી વ્યક્તિ છે. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફોર્મેશન) જેવા મહત્ત્વના કાનૂની અધિકારનો ખરડો તેમને સંસદમાં પાસ કરાવીને અમલી બનાવ્યો હતો. આરટીઆઈને કારણે દેશમાં અનેક કૌભાંડો સપાટી પર આવી શક્યાં છે. હજારો લોકો સાચી વસ્તુસ્થિતિ અને વિગતો જાણવા આરટીઆઇનો સહારો લેતા થયા છે.
બંધારણના ઘડવૈયા જેમ બાબાસાહેબ આંબેડકર હતા એમ આર્થિક સુધારાના ઘડવૈયા દિવંગત મનોમાહન સિંહ હતા. મધ્યમ વર્ગ પર આવી પડતા શિક્ષણના ભારને હળવો કરવા માટે મનમોહન સિંહ વારંવાર પગલાં ભરતા હતા. નાણાની આવકજાવક અને બજેટનું સંતુલન તેઓ સંભવતઃ કેમ્બ્રિજમાં ભણતા હતા તે જ વખતે શીખી ગયા હતા. એ વર્ષોમાં ખર્ચ સરભર કરવા માટે તેઓ અન્ય કામ કરીને આવક ઊભી કરી લેતા.
મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણના પગલાં ભરવા શરૂ કર્યા ત્યારે કોંગ્રેસે તેમને છૂટો દોર આપ્યો હતો. ઊહાપોહ કર્યા વગર અને 'આ મેં કર્યું' જેવી આત્મશ્લાઘામાં રાચ્યા વગર તેમણે આર્થિક ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરી બતાવ્યું. આર્થિક ઉદારીકરણનાં પગલાં ભરીને તેમણે વિશ્વ માટે ભારતની બજારો ખુલ્લી મુકી દીધી હતી. પરિણામે વિદેશી રોકાણકારો ભારતમાં આવતા થયા હતા અને ભારતમાં ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) ગાજવા લાગ્યું હતું.
ગાંધી પરિવાર મનમોહન સિંહને બહુ માન આપતો હતો. તે જોઇને અન્ય કોંગી નેતાઓ પણ મનમોહન સિંહને માન આપતા હતા. સોનિયા ગાંધી મનમોહન સિંહને ભારતની આર્થિક નાડ પારખી શકવાની ક્ષમતા ધરાવનારા આજ્ઞાાંકિત નેતા તરીકે જોતાં હતાં.
૧૯૯૧માં કોંગ્રેસે તેમનેે રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. પોતાના પક્ષને વફાદાર એવા મનમોહન સિંહ ભલે પાકા રાજકરાણી નહોતા, પણ તેઓ દેશના અર્થતંત્રને ડૂબતું બચાવીને તેને વિકાસના ટ્રેક પર મુકનાર બાહોશ અર્થશાસ્ત્રી સાબિત થયા હતા. મનમોહન સિંહ જેવી ઇમાનદાર અને પોતાના પક્ષને વફાદાર તરીકેની છબી કોંગ્રેસના બીજા કોઇ નેતા ઉપસાવી શક્યા નથી.
માત્ર ભારત નહીં પણ વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ મનમોહન સિંહની પ્રશંસા કરતા. કેમ્બ્રિજમાં તેમને ભણાવનાર પ્રોફેસરે ભારતની આંતરલક્ષી વેપાર નીતિની ટીકા કરી હતી. મનમોહન સિંહ પણ જાણતા હતા કે ભારતની બજારો વિશ્વ માટે ખોલી આપવા જોઇએ અને આર્થિક મજબૂતી ઊભી કરવી જોઈએ. તો જ વિશ્વના અન્ય દેશોની સાથે એક હરોળમાં ઊભા રહી શકાશે. ૧૯૮૭થી ૧૯૯૦ દરમ્યાન મનમોહન સિંહ જીનિવાના સાઉથ કમિશનના મહામંત્રી પદે કામ કરી ચૂક્યા હતા. તેને કારણે તેઓ અનેક દેશોની ઇકોનોમી અને તેમાં સુધાર લાવવા માટે આદરવામાં આવેલી પ્રક્રિયાથી માહિતગાર બન્યા હતા.
આર્થિક ક્ષેત્રે રૂઢિવાદને વળગી રહેલું ભારતનું માર્કેટ નહોતું કોઇને પ્રવેશવા દેતું કે નહોતું અન્ય દેશમાં જતું. મનમોહન સિંહે લાંબુ વિચાર્યા બાદ હિંમતભર્યા પગલાં લીધાં, જેનાં ફળ આજે આપણે ખાઇ રહ્યા છીએ. મનમોહન સિંહને અનેક એવોર્ડ મળ્યા છે, પરંતુ તેમને મળેલો સૈાથી મોટો એવોર્ડ તો તેઓ લોકોના દિલમાં સ્થાન જમાવી શક્યા, તે છે.