ઇન્ટરનેટ જાયન્ટ સામે પહેલી વાર ભારતની કંપનીનો નક્કર પડકાર

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ઇન્ટરનેટ જાયન્ટ સામે પહેલી વાર ભારતની કંપનીનો નક્કર પડકાર 1 - image


- ગૂગલ મેપની જ્યાએ ઓલા મેપ્સ આવી રહ્યું છે

- પ્રસંગપટ

- પ્યોર ઇન્ડિયન પ્રોડક્ટ : તમામ સરકારી વાહનોમાં ભારતની આ એપનો ઉપયોગ ફરજીયાત બનાવવો જોઇએ 

મોડે મોડ ગૂગલને ખ્યાલ આવ્યો છે કે ગૂગલ મેપની મોનોપોલીને ભારતની એક કંપની હચમચાવી રહી છે. મેપિંગના માર્કેટમાં ગૂગલ પહેલું આવ્યું તે બરાબર છે, પરંતુ આ ટેકનોલોજી પર તેનો એકાઘિકાર નથી તે ભારતીય કંપનીઓએ બતાવી દીધું છે. એટલે જ ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અપડટે આપવાનું અને પોતાની તોલે કોઇ ન આવે એવી જાહેરાતો આપવાનું શરૂ કર્યું છે. ગૂગલ મેપ પર હવે મોટાં શહેરમાં મેટ્રોની ટિકિટ ખરીદી શકાશે તેમજ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશ ન ક્યાં છે તેની માહિતી મેળવી શકાશે.

ગૂગલનું આ નવાં ફીચર્સ મૂકવા પાછળનું કારણ સ્પર્ધા છે. ગૂગલ મેપનું નામ દરેકનો મોઢે ચઢી ગયું છે. ગૂગલ મેપનો ઉપયોગ મોટા ભાગના  વાહનચાલકો અને જાતજાતની હોમ ડિલીવરી કરતા લોકો કરી રહ્યા છે. ગૂગલ મેપ આવ્યો છે ત્યારથી લોકો રસ્તા પર વાહન થંભાવીને એડ્રેસ પૂછતા બંધ થઇ ગયા છે. ગાડીઓના ડેશબોર્ડ પર મોબાઇલ ફીટ કરવાનાં સ્ટેન્ડ ધૂમ વેચાય છે. ગૂગલ મેપ એપ્લિકેશન જબરી સફળ થઈ છે, પણ હવે ભારતની ઓલા મેપ્સ એપ હરીફાઈ કરવા આવી પહોંચી છે. 

લોકોએ ઓલા મેપ્સનો વપરાશ પણ શરૂ કરી દીધો છે. ઓલા અને ઉબર નામ પ્રાઇવેટ ટેક્સીના સમાનાર્થી બની ગયા છે. લોકો 'કાર બોલાવો' એમ નથી કહેતા, પણ 'ઓલા (કે ઉબર) બોલાવો' એમ કહે છે. ૨૦૧૭માં ઓલાએ માઇક્રોસોફ્ટની ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ એઝ્યોર સાથે ભાગીદારી કરી હતી. આ બંનેએ બનાવેલી મેપ એપ્લિકેશનનો ઉપયોગ વિશ્વભરમાં શરૂ થયો હતો.

ગયા મહિને ઓલાએ માઇક્રોસોફ્ટ સાથેનો કરાર તોડીનો સ્વતંત્ર રીતે ઓલા મેપ્સ તરીકે કામ શરૂ કર્યુંં. ઓલાના ફાઉન્ડર અને સીઇઓ ભાવિશ અગ્રવાલે કહે છે, 'અમારી કંપની વર્ષે દહાડે ગૂગલ મેપ પાછળ ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચતી હતી. હવે અમારી પોતાની મેપિંગ સિસ્ટમ આવતાં તે ખર્ચ શૂન્ય પર આવી જવાનો છે. વળી, ઇન્ડિયન મેપનો વપરાશ લોકો કરતાં થશે એટલે ગૂગલની મોનોપોલી પણ તૂટશે.'

પ્રવાસીઓ માટે આ પ્રકારની એપ્સ ગાઇડ સમાન હોય છે. મેપના સહારે વ્યક્તિ ધાર્યા સ્થળે આસાનીથી પહેંચી શકે છે. શહેરોના સ્તરે મેપ વાપરનારાઓને અટપટા માર્ગોની ચિંતા રહેતી નથી. મોટા શહેરોમાં ફૂડ ઓર્ડર કરનારાઓ મેપના સહારે રાત્રે બે વાગે પણ ડિલીવરી કરવા જે-તે સ્થળે પહોંચી જાય છે.

ઓલાની ગાડીઓ, જે અત્યાર સુધી ગૂગલ મેપ સાથે ફરી રહી છે, તે હવે ઓલા મેપ્સનો ઉપયોગ કરતી થઇ જશે. આ એપના પગલે ઓલા કેબમાં નવાં ફીચર્સ જોવા મળી શકે છે. ઓલા આગામી જાન્યુઆરીમાં સોફ્ટવેર અપડેટ કરીને કંપનીના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં ઓલા મેપને સમાવી લેશે. 

૨૦૨૧ના  ઓક્ટોબરમાં ઓલાએ જીઓ સ્પોક નામની પૂણે સ્થિત કંપની હસ્તગત કરી હતી, જે ભૌગોલિક સર્વિસની જાણકાર હતી. ઓલા મેપના મેપિંગની જરૂરીયાત તે પૂરી પાડી શકે છે. 

ઓલાએ પોતાની મેપિંગ સિસ્ટમ માટે ઘણું અગોતરૃં પ્લાનિંગ કરી રાખ્યું છે. જેમ કે, માઇક્રોસોફ્ટના એઝ્યોર પરથી તે પોતાનો ઘણો ર્વર્કલોડ કૃત્રિમ નામના ભારતીય એઆઈ ક્લાઉડ પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દેશે. 

ગૂગલ મેપને પડકાર મળ્યો હોય તેવો આ પહેલો કિસ્સો છે. આપણાં કમ્પ્યુટર, તેનાં સોફ્ટવેર, ક્રોમ જેવા વેબ બ્રાઉઝર, એપલ સ્માર્ટફોન, સોશિયલ મીડિયા - આમાંનું મોટા ભાગનું જાયન્ટ અમેરિકન કંપનીઓની માલિકીનું છે. ચીન આ અમેરિકન કંપનીઓનું વર્ચસ્વ ઘટાડવા વર્ષોથી પોતાની સમાંતર ટેકનોલોજીને વિકસાવતું આવ્યું છે. જેમ કે, ચીનમાં ગૂગલ ક્રોમની જગ્યાએ સ્થાનિક બાઇડુ નામનું બ્રાઉઝર વપરાય છે. યુટયુબ પર ભારતીયો ઓળધોળ છે, જ્યારે ચીનમાં આ પ્રકારની બિલીબિલી નામની વીડિયો શેરિંગ એપ વપરાય છે, નેટફ્લિકસ્ અને ડિઝની પ્લસ જેવા ઓટીટીની જગ્યાએ iQiyi અને Tencent Live જેવાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ધમધમે છે. ભારતે હજુ સુધી આ અમેરિકન જાયન્ટ કંપનીઓને પડકારતી ખાસ કોઈ પ્રોડક્ટ્સ બનાવી નહોતી, પરંતુ ભારે માત્રામાં ઉપયોગમાં લેવાતા ગૂગલ મેપને હવે ઓલા મેપે ચેલેન્જ આપી છે. 

ભારતની કોઇ વિરાટ અમેરિકન કંપનીને પડકારે ત્યારે સરકારનું પીઠબળ જરૂરી બની જાય છે. સરકારી વાહનોમાં ઓલા મેપનો ઉપયોગ સરકાર ફરજીયાત બનાવી શકે છે.

Prasangpat

Google NewsGoogle News