ફોન પર મળતી ડિજિટલ એરેસ્ટની ધમકીથી જરાય ડરવાની જરૂર નથી
- વડાપ્રધાને જાગૃતિનો મેસેજ બહુ મોડો આપ્યો
- પ્રસંગપટ
- 2024માં ભારતના લોકોએ સાયબર ફ્રોડમાં 11,333 કરોડ રૂપિયા ગુમાવ્યા
૨૦૨૪ના વર્ષ દરમ્યાન સાયબર ફ્રોડ કરનારાઓએ આતંક મચાવ્યો હતો. ૨૦૨૪માં ઓનલાઇન છેતરપીંડી, હેકીંગ અને ડિજિટલ એરેસ્ટ જેવી ઘટનાઓથી લોકો ખરેખર ડરી ગયા હતા. સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવીને તેમના જીવનની મૂડી ખંખેરી લેનારા ડિજિટલ ગુનેગારો વિવિધ ટ્રિક્સ અજમાવે છે. સાયબર પોલીસ પણ ગોથાં ખાય એવી તેમની છેતરપીંડી કરવાની પદ્ધતિ ેહોય છે.
આ વર્ષે હજારો લોકો ઓનલાઇન ફ્રોેડનો ભોગ બન્યા હતા. એક રિપોર્ટ અનુસાર, ૨૦૨૪માં ભારતીયોએ સાયબર ફ્રોડમાં ૧૧,૩૩૩ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. શેરબજારમાં વધુ કમાણી કરાવી આપવાની લોલીપોપ બતાવીને છેતરામણી કરી હોય તેવી ૨,૨૮,૦૯૪ ફરિયાદો નોંધાઇ છે. શેરબજારમાં રોકાણ કરવાનું પ્રલોભન આપીને લોકોના ૪,૬૩૬ કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. અન્ય ક્ષેત્રે રોકાણ કરવાના લાલચ આપવાના ૧,૦૦,૩૬૦ કેસ નોંધાયા છે અને કુલ ૩૨૧૬ કરોડ રૂપિયા ખેંચી લેવાયા છે.
સ્ટોક ટ્રેડિંગ સ્કેમ તો ખુલ્લેઆમ ચાલતું હોય છે. સોશિયલ નેટવર્ક પર આજે પણ રોતોરાત પૈસાદાર બની જવાની સ્કીમ બતાવવામાં આવે છે. આ કૌભાંડકારો પોતાની જાળમાં ફસાઈ જનારાઓના મનમાં રહેલી લાલચને ઓળખી જઇને તેમને વધુ રોકાણ કરવા લલચાવતા રહે છે.
માત્ર નાનાં શહેરો જ નહીં, પણ મેટ્રો સિટીના નાગરિકો પણ આંખ મીંચીને ભરોસો કરવા લાગે છે. જેમણે આખ મીંચીંને ભરોસો કરે છે તેમના ખિસ્સાં કાપી લેવાય છે અને એમનું બેંક બેલેન્સ ઝીરો કરી દેવાય છે. ૨૦૨૪માં સાયબર ફ્રોડની કુલ ૧૨ લાખ જેટલી ફરિયાદો આવી હતી. તે પૈકીની ૪૫ ટકા ફરિયાદોમાં તેા ગુનેગારો કોલમ્બિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દક્ષિણ એશિયાઇ દેશોમાં બેઠા હતા.
સિટીઝન ફાયનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટીંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS)ના ડેટા અનુસાર, ૨૦૨૧માં આ એજન્સીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૩૦ લાખ જેટલી ફરિયાદો થઈ છે, અને આ કિસ્સાઓમાં લોકોને કુલ ૨૭,૯૧૪ કરોડનો ફટકો પડયો છે. ૨૦૨૩માં ૧૧,૩૧,૨૨૧ ફરિયાદો, ૨૦૨૨માં ૫,૧૪,૭૪૧ અને ૨૦૨૧માં ૧,૩૫,૨૪૨ ફરિયાદો નોંધાઇ હતી.
કલ્પના કરો કે સંસ્થાની સ્થાપનાની શરૂઆતમાં ૧,૩૫,૨૪૨ ફરિયાદો હતી, જ્યારે ૨૦૨૪ના અંત સુધીમાં આ આંકડો વધીને ૧૧,૩૧,૨૨૧ પર પહોંચી ગયો છે. વડાપ્રધાને 'મન કી બાત'ના ૧૧૫મા એપિસોડમાં સ્પષ્ટપણે કહેવું પડયું હતું કે કોઇ પણ તપાસ સંસ્થાના અધિકારી ડાઇરેક્ટ કોઇની સાથે કેસ સંબંધિત વાત કરતા નથી. જો કોઈનો આ પ્રકારનો ફોન આવે તો ડરવું નહીં અને કોઈની ધમકીઓને વશ થવું નહીં. વડાપ્રધાને જોકે લોકોને ચેતતા રહેવાની સલાહ આપવામાં બહુ મોડું કરી દીધું છે. અનેક લોકોના બેન્ક બેલન્સ ખાલી થયા પછી તેમણે સલાહ આપી છે.
હકીકત એ છે કે દેશમાં સૌ કોઈ કંઈ 'મન કી વાત' સાંભળતા નથી. તેથી વડાપ્રધાન દ્વારા અપાયેલો લોકજાગૃતિનો આ મેસેજથી બહુ લોકો સુધી પહોંચ્યો નથી. એટલે જ વડાપ્રધાનની સૂચના પછી પણ ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ ચાલુ રહી છે. ભારતના લોકોએ ડિજીટલ એરેસ્ટમાં ૧૨૦ કરોડ ગુમાવ્યા પછી વડાપ્રધાને કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી.
હકીકતે ડિજિટલ એરેસ્ટની ધમકી આપતા લોકો અને તેમના મળતિયાઓને શોધવાની જરૂર છે. ડિજિટલ ક્ષેત્રે ફાઇવ-જી સુધી આપણે પહોંચ્યા છીએ ને સિક્સ-જીનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ખાટલે મોટી ખોડ એ છે કે ઇન્ટરનેટ સ્પીડની સાથે સાયબર ક્રાઇમ કરનારાઓની સ્પીડ પણ વધી છે.
હવે જ્યારે નવું વર્ષ ચાર દિવસ દૂર છે ત્યારે હેપ્પી ન્યુ યરના મસેજનો મારો થશે. લગ્નોની મોસમમાં જે ઇ-કંકોત્રી મારફતે લોકોને સોશિયલ નેટવર્ક પર ફસાવવામાં આવતા હતા એમ કંઈ કેટલાય હેપ્પી ન્યુ યર મેસેજ માલવેર સાથેની લિન્ક્ડ હશે. આ લિન્ક સાથે નવા વર્ષના મફત કેલેન્ડર જેવી ઓફરો હોઈ શકે છે. આ લિન્ક પર ક્લિક કરતાં જ વાઇરસ તમારા કમ્પ્યુટર કે મોબાઇલમાં પ્રસરી શકે છે. તેથી ભુલે ચુકેય હેપી ન્યુ યરની સાથે અપાયેલી લિન્ક પર ક્લિક કરતા નહીં. ચેતતા રહેજો!