તકેદારીનાં પગલાં છતાં દિલ્હીની પ્રદૂષિત હવા લોકોને ગૂંગળાવે છે
- કૃત્રિમ વરસાદ પ્રદૂષણ ઓછું કરી શકે
- બધા પક્ષો સાથેે બેસે તો સમસ્યા હલ થઇ શકે છે, પરંતુ દરેકના મનમાં સત્તાલક્ષી કીડો સળવળે છે
- પ્રસંગપટ
દિલ્હી રાજકીય વિખવાદો અને હૂંસાતૂંસીમાં એટલી હદે દૂષિત છે કે એક તરફ યમુના નદી કેમિકલના ફીણના ગોટાથી આચ્છાદિત થઈ ગઈ છે, તેા બીજી તરફ, દિલ્હીની હવા પ્રજાને ગૂંગળાવી રહી છે. દૂષિત હવાને કારણે દિલ્હીની સરકાર ભીંસમાં મુકાઈ છે અને તેની અણઆવડત આખા દેશની નજરે ચડી ગઈ છે. પોતાની અણઆવડત ઢાંકવા દિલ્હીની સરકાર નજીકનાં રાજ્યોમાં સળગાવાતી પરાળી (ડાંગરના પાકનો વધેલો કચરો)નો વાંક કાઢી રહી છે.
ધૂમાડો નજીકનાં રાજ્યમાંથી આવતો હોય તો તેનું મેનેજમેન્ટ છ મહિના અગાઉ કરી શકાય એમ હોય છે. જે દિશામાંથી સૌથી વધુ પરાળીનો ધૂમાડો આવે છે તે પંજાબમાં આમ આદમી પાર્ટીની જ સરકાર છે. દિલ્હી સરકાર ધારે તો પરાળી બાળવા પર પ્રતિબંધ મૂકી શકે છે, પરંતુ એમ કરવાના બદલે દિલ્હીનાં નવાં મુખ્યપ્રધાન આક્ષેપબાજી પર ઉતરી પડયાં છે.
પર્યાવરણનો મુદ્દો બહુ ગંભીર છે. ફેફસાંના દર્દીઓ માટે દિલ્હી રહેવાલાયક નથી રહ્યું. હરિયાણાની સરકારે પરાળી બાળનારાઓ સામે કડક પગલાં લેવાનાં શરૂ કર્યાં છે. પંજાબની સરકાર પણ કડક પગલાં ભરે છે, પરંતુ પરાળીના નિકાલનો કોઇ અસરકારક વિકલ્પ નથી. રાજ્ય સરકારો પરાળી બાળનારા પર એફઆઇઆર કરે છે, પરંતુ સાંજે જ તેમને જામીન મળી જાય છે. અત્યાર સુધીમાં હરિયાણાના ૧૬ કિસાનો સહીત ૨૨ લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે.
દિલ્હી-એનસીઆરમાં હવાનું પ્રદૂષણ તીવ્ર બની રહ્યું છે. છઊૈં તરીકે ઓળખાતો એર ક્વોલિટી ઇન્ડેક્સ રેડ માર્ક ત્યારે બતાવે છે કે જ્યારે પ્રદૂષણનો આંક ૩૫૦થી ૪૦૦ની વચ્ચે હોય. ગઇકાલે સવારે ૮ વાગે આ આંક ૩૫૪ દર્શાવતો હતો. અગાઉના દિવસે તે ૩૨૭ પર હતો. આ દર્શાવે છે કે દિલ્હીની હવા બહુ જોખમી બની ચૂકી છે.
દિલ્હીમાં હવામાનનું ચેકિંગ કરતી અનેક સિસ્ટમો ગોઠવાયેલી છે. જે વિસ્તારોમાં પ્રદૂષણઆંક ૩૫૦થી ૪૦૦ વચ્ચે હતો તેમાં આનંદ વિહાર, કર્ની શૂટીંગ રેન્જ, દ્વારકા સેક્ટર-૮, આઇજીઆઇ એરપોર્ટ, જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ, મંદિર માર્ગ વગેરેનો સમાવેશ થાય છે.
પર્યાવરણવિજ્ઞાાનીઓ કહે છે કે દિલ્હીની પ્રદૂષિત હવાને કારણે સ્થાનિક પ્રજાની જીવનરેખા દસ વર્ષ ટૂંકી થઇ જવાની છે. દિલ્હીની સરકાર, અલબત્ત, હાથ જોડીને બેસી નથી રહી. તેણે હવાના પ્રદૂષણને નાથવા કેટલાક અસરકાર પગલાં લીધાં છે, જેમ કે કોલસો અને લાકડાં સળગાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. ધૂળની માત્રા ઓેછી કરવા રોડ પર પાણીનો છંટકાવ થઈ રહ્યો છે. મોટી કન્સ્ટ્રક્શન સાઇટો બંધ કરાવી દીધી છે. ધૂળ ઉડાડતા તમામ પ્રોજેક્ટ બંધ કરી દેવાયા છે. કૃત્રિમ વરસાદ માટે પણ કેન્દ્રને સૂચિત કરાયું છે. દિલ્હીની સરકારે લોકોને ચેતવ્યા છે કે હવાના પ્રદૂષણના કારણે મોર્નિંગ વોક કરવા ન જવું તેમજ કારણ વગર ઘરની બહાર ન નીકળવું.
કિસાનો તેમનાં ખેતરના પરાળી સહીતનો કચરો ના બાળે અને તેનો ખાતર કે અન્ય કામમાં ઉપયોગ કરે તો તેમને એકર દીઠ ૧૦૦૦ રૂપિયા આપવાની સ્કીમ પણ ચાલે છે. એવી જ રીતે 'મેરી ફસલ મેરા બ્યોરા' જેવું ઇ-પોર્ટલ શરૂ કરાયું છે, જેમાં કિસાનોને તમામ માહિતીથી અપડેટ કરાય છે. ખેતરનો કચરો ક્યાં બાળવો તેની સૂચના પણ અપાય છે.
જોકે કિસાનો પૂછે છે કે અમે તો વર્ષોથી ખેતી કરતા આવ્યા છીએ અને આ જ રીતે પરાળી જાહેરમાં બાળતા આવ્યા છીએ. દેશભરના કિસાનો જાહેરમાં કચરો બાળે છે. તેનો ધૂમાડો આકાશમાં જતો હોય છે, કોઈને કોઈ સમસ્યા નહોતી, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં છે ત્યારથી તેમણે દિલ્હીના પ્રદૂષણને પરાળીના ધૂમાડા સાથે જોડી દીધું છે. કિસાનોનું માનવું છે કે હાલમાં દિલ્હીમાં પ્રદૂષણની માત્રા વધી છે તેેની પાછળ વઘતાં જતાં વાહનોના ધૂમાડા જવાબદાર છે.
અહીં કમનસીબી એ છે કે વાયુ પ્રદૂષણ જેવો ગંભીર પ્રશ્ન હોવા છતાં રાજકીય પક્ષો આક્ષેપબાજી કરીને વૈચારિક પ્રદૂષણ ફેલાવે છે. બધા પક્ષો ભેગા થઈને ચર્ચા કરે તો સમસ્યા હલ થઇ શકે એમ છે, પરંતુ સૌના મનમાં સત્તાલક્ષી કીડો સળવળતો હોય છે.