Get The App

40 થી 100 કિલોની કાવડ ઉંચકીને યાત્રા કરી કહેલા એક કરોડ કાવડિયા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
40 થી 100 કિલોની કાવડ ઉંચકીને યાત્રા કરી કહેલા એક કરોડ કાવડિયા 1 - image


- યોગીએ કાવડ યાત્રાને ટોક-ઓફ-ધ-કન્ટ્રી બનાવી દીધી

- પ્રસંગપટ

- પરત ફરતી વખતે કાવડના જે ઘડામાં જળ ભર્યું હોય તેનો સ્પર્શ જમીનને ન થઈ જાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે

ધાર્મિક પદયાત્રાનું માર્કેટીંગ યોેગી આદિત્યનાથને બહુ સારૃં આવડે છે. પહેલાં કાવડ યાત્રાના માર્ગ પરના એક લાખ વૃક્ષો કાપવા ોઅને પછી દુકાનો પર માલિકોનાં નામ લખવાનો આદેશ આપીને કાવડ યાત્રાને તેમણે ટોક-ઓફ-ધ-કન્ટ્રી બનાવી દીધી છે. કાવડ યાત્રામાં સહભાગીઓની સંખ્યા ઘટતી જતી હતી, નવી પેઢીના યુવાનો વજનદાર કાવડ ઊંચકીને ચાલવાની પરંપરાથી દૂર થતા જતા હતા, પણ યોગી આદિત્યનાથના આ બે  દાવથી આ વખતે કાવડ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. ખાસ કરીને કાવડ યાત્રાના માર્ગમાં આવતી દુકાનોના બોર્ડ પર માલિકોનાં નામ લખવાનું શસ્ત્ર સૌથી વધુ અસરકારક પૂરવાર થયું છે.

કાવડિયા માટે વિશેષ માર્ગ બનાવવા એક લાખ વૃક્ષો કાપવાની જાહેરાત યોગી આદિત્યનાથે કરી ત્યારે ખૂબ વિવાદ થયો હતો. ઉત્તરપ્રદેશની સરકારે એવો ખુલાસો કર્યો હતો કે ફક્ત મોટાં વૃક્ષો કપાશે, જ્યારે બાકીનાને ટ્રીમ કરવામાં આવશે. નવો માર્ગ બનાવવા પાછળનો મુખ્ય આશય કાવડિયાઓ ટ્રાફિકના ટેન્શન વગર પદયાત્રા કરી શકે તે હતો. ભૂતકાળમાં અનેક પદયાત્રીઓનાં વાહન અકસ્માતમાં મોત થઇ ચૂક્યાં છે.

મુખ્યપ્રધાન યોગીએ દુકાનોનાં મલિકનાં નામ લખવાનું કહ્યું તેની પાછળ કાવડની પવિત્રતા જાળવવાનો ઉદ્દેશ રહેલો હતો, પરંતુ આપણા રાજકારણીઓએ હિન્દુ-મુસ્લિમ વિવાદ ઊભો કરી દીધો.

૨૨ જુલાઈથી ૬ ઓગસ્ટ દરમિયાન આકાર લઈ રહેલી આ કાવડ યાત્રામાં આ વખતે એક કરોડ કાવડિયા રોજ કાવડ સાથે દોડતા જોવા મળશે. કાવડનું વજન ઓછામાં ઓછું ૪૦ કિલો હોય છે. ગુ્રપમાં જતા કેટલાક કાવડિયાઓ તો સો-સો કિલો કરતાંય વધારે વજનના કાવડ લઇને આગળ વધતા હોય છે. આખી યાત્રા દરમિયાન ભારેખમ કાવડ ખભા પર ઉંચકીને ચાલવાનું હોય છે. જૂથમાં ચાલતા શ્રદ્ધાળુઓ દર ત્રણ કિલોમીટરે કાવડ શિફ્ટ કરતા હોય છે. ગરમી, વરસાદ, બફારો વગેરેનો સામનો કરીને અને ખભે પુષ્કળ વજન ઊંચકીને ચાલવું કેટલું કઠિન છે તે સમજી શકાય છે. આ પદયાત્રીઓની આસ્થા જ એમને આંતરિક બળ પૂરું પાડે છે.  

કાવડિયા ભોલે તરીકે પણ ઓળખાય છે. કેટલાક લોકો બાધા પુરી કરવા કાવડ યાત્રા કરતા હોય છે.

કાવડ શણગારેલું હોય છે અને રોજ તેની પૂજા કરવામાં આવે છેે, કેમ કે પાછાં ફરતી વખતે તેમાં ગંગા નદીનું પવિત્ર પાણી ભરીને લાવવાનું હોય છે. આ જળથી ત્યાર બાદ પોતાના વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં અભિષેક કરવામાં આવે છે. 

 આ એક જ એવી ધાર્મિક પદયાત્રા એવી છે કે જેમાં જતાં અને પરત આવતાં એમ બંને વખતે પદયાત્રા કરવી પડે છે. વળતી વખતે તો ઊલટાનું વધારે વજન ઊંચકવું પડે છે, કેમ કે કાવડમાં જળ ભરેલું હોય છે. આ જળ છલકાઈને ખાલી ન થઈ  જાય તે માટે વિશેષ તકેદારી લેવામાં આવે છે. નિયમ એવો છે કે પરત ફરતી વખતે કાવડના જે ઘડામાં પાણી ભર્યું હોય તેનો સ્પર્શ જમીનને ન થવો જોઇએ. જ્યાં સુધી શિવલિંગ પર અભિષેક ન થાય ત્યાં સુધી કાવડને જમીનથી અધ્ધર રાખવું પડે છે. 

 ધાર્મિક પદયાત્રા કરનારાઓ માટે જેમ ધજાજીનું મહત્ત્વ છે એમ કાવડિયાઓ માટે કાવડનું મહત્ત્વ છે. પદયાત્રા કરનારાઓ જેમ ધજાજીને ગમે ત્યાં મૂકતા નથી અને રોજ તેની પૂજા કરે છે. એવો જ શુભ વ્યવહાર કાવડ સાથે કરવામાં આવે છે. અમદાવાદથી ડાકોર કે દ્વારકા જતા શ્રદ્ધાળુઓ ના હાથમાં ધોળી ધજા જોવા મળે છે. 

ભાદરવાની પૂનમે અંબાજી પદયાત્રા કરીને જઈ રહેલા  શ્રદ્ધાળુઓના હાથમાં લાલ રંગના ધજાજી જોવા મળે છે.  અમદાવાદથી ડાકોરના રોડ પર પદયાત્રીઓ માટે વિશેષ માર્ગ બનાવવામાં આવ્યો છે. અલબત્ત, તે માંડ પાંચ કિલોમીટરનો છે અને તે ગંદકીથી ભરેલો હોય છે. ડાકોર જતા પદયાત્રીઓમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. જો ગુજરાત સરકાર પણ પદયાત્રીઓને વિશેષ સવલતો પૂરી પાડે તો પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.

Prasangpat

Google NewsGoogle News