મોડી રાત્રે અપાતા ઓનલાઇન ઓર્ડરમાં મોખરે બિરયાની, બીજે ઢોંસા,ત્રીજે ઇડલી
- યુવા વર્ગને રાત્રે ચટાકેદાક ખાવાની તલપ જાગે છે
- પ્રસંગપટ
- ક્વિક કોમર્સ પર મંગાવાતું ફાસ્ટ ફૂડ પોતાની સાથે ક્વિક બિમારીઓ પણ લાવે છે. વેળાસર વાળુ કરી લેવું ઉત્તમ છે
ફૂડ આઇટમોમાં ક્વિક કોમર્સ લોકપ્રિય બની ગયું છે. ખાસ કરીને યુવા વર્ગને ઓનલાઇન ફૂડ મગાવવાની મોજ પડે છે. આજકાલ ગાજરની સિઝન ચાલતી હોવાથી ગાજરનો હલવો મંગાવનારની સંખ્યા વધી છે. જોકે લોકો ઓનલાઇન સૌથી વધુ ક્યું ફૂડ મંગાવે છે તે જાણવું હોય તો ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વિગીનો લેટેસ્ટ રિપોર્ટ જોવો જોઇએ. આ અહેવાલ પ્રમાણે, ઓનલાઇન સૌથી વધુ કોઇ ચીજનો ઓર્ડર અપાતો હોય તો તે બિરીયાની છે. બિરીયાનીએ પોતાનું સ્થાન સતત નવમા વર્ષે પણ જાળવી રાખ્યું છે. લોકોને બિરીયાનીનો ચટકો એવો લાગ્યો છે કે તેના ઓનલાઇન ઓર્ડરની સંખ્યા સતત વધી રહી છે.
સામાન્યપણે લોકો રાત્રે ચાય પે ચર્ચા માટે ચાના ગલ્લા પર ભેગા થતા હોય છે, પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. હવે લોકો રાત્રે ભેગા થઇને ઓનલાઇન ફૂડ આઇટમોનો ઓર્ડર કરે છે. એકલા સ્વિગીની વાત કરીએ તા ૨૦૨૪માંે દર ૧૮૩ મિનિટે બિરીયાનીનો એક ઓર્ડર મળ્યો છે. આમ કુલ ૮૩ મિલિયન ઓર્ડર મળ્યા હતા. બહુમતી ઓર્ડર મોટા ભાગે રાત્રે ૧૨થી બે વાગ્યા સુધીમાં આપવામાં આવ્યા છે. વેજ બિરીયાની અને નોનેવેજ બિરીયાની એમ બંનેની ડિમાન્ડ રહે છે. ગુજરાતમાં દેખીતી રીતે જ વેજ બિરીયાનીની મોટી ડિમાન્ડ રહે છે.
ક્વિક ડિલીવરી પરથી ઢોંસા મગાવનારો પણ એક વર્ગ છે. સ્વિગીને ૨૦૨૪માં ઢોંસાના ૨૩ મિલિયન ઓર્ડર મળ્યા હતા. બેંગલુરૂની ઢોંસા પેક કરતી એક રેસ્ટોરાંને પચ્ચીસ લાખ ઓર્ડર મળ્યા હતા. ઓનલાઇન ફૂડ ડિલિવરીમાં પહેલા નંબરે બિરીયાની, બીજે ઢોસા પછીે ત્રીજે ઇડલી આવે છે.
મોડી રાત્રે ખાધોડકાઓમાં કશુંક ટેસ્ટી કે ચટપટું ખાવાની તલપ જાગે છે. સ્વિગી-ઝોમેટો પર ઓર્ડર આપવું શબ્દશ: હાથવગું બની ગયું છે. સ્નેક્સ અને 'ક્વિક બાઇટિંગ'ના ઓનલાઇન ઓડર્ર પણ બહુ મોટા પાયે અપાય છે. તેમાં ચિકન રોલ્સ ટોપ પર છે. આ વર્ષે ચિકન મોમોના ૧.૬૩ મિલિયન તો પોટેટો ફ્રાયના ૧.૩ મિલિયન ઓર્ડર મળ્યા હતા. દિલ્હીના એક ગ્રાહકે તો એક સાથે ૨૫૦ ઓનિયન પિત્ઝાના ઓર્ડર આપીને લગભગ રેકાર્ડ નોંધાવ્યો હતો. સ્વિગી બેંગલુરૂની એક વ્યકિતએ પાસ્તાનો આપ્યો હતો, જે ૪૯,૯૦૦ રૂપિયાનો હતો. મુબઇની એક વ્યક્તિએ એક જ રેસ્ટોરાંમાંથી ત્રણ લાખ રૂપિયાનું ફૂડ મંગાવ્યું હતું.
યુવાનો પાર્ટી આપે ત્યારે એડવાન્સ પ્લાનિંગ કરતા નથી. પાર્ટીશરૂ થયા પછી ઓનલાઇન શું મંગાવવું તેની ચર્ચા થાય છે ને પછી ઓનલાઈન ઓર્ડર અપાય છે. તેમાં એકાદ સ્વીટ ડિશ હોય છે અને ત્યાર બાદ ઢોંેંસા, ઇડલી, બિરીયાની, પિત્ઝા ઇત્યાદિનો વારો આવે છે.
ઓનલાઇન ડિલિવરી કરતી ટોચની કંપનીઓની સૌથી મોટી તાકાત તેની ડિલીવરી કરતો સ્ટાફ છે. મુંબઇના એક ડિલિવરી મેને ૨૦૨૪માં ૧૦,૭૦૩ વાર ડિલિવરી કરી છે. કોઇમ્બતુરમાં એક મહિલાએ ૬૬૫૮ વાર ડિલિવરી કરી હતી.
ખાણીપીણીના ક્વિક કોમર્સની ડિમાન્ડના સિક્કાની બીજી બાજુ જોકે ચિંતાજનક છે. લોકોએ તે સમજવા જેવું છે. લોકો ઘરનું શુદ્ધ જમવાનું છોડીને બહારથી ખાવાનું મગાવતો થયો છે. બહારથી આવતા ખોરાકમાં સ્વચ્છતાથી માંડીને ક્વોલિટી સુધીના કેટલાય પ્રશ્નો હોય છે. ઓનલાઇન ફૂડ ગરમ હોય છે અને તે તાજું લાગતું હોય છે. આ પ્રકારનું ફૂડ ડિલિવર કરવામાં ઝોમેટો-સ્વિગી વગેરેને ફાવટ આવી ગઇ છે. ફૂડની ક્વોલિટી પર કેટલું ધ્યાન અપાય છે તે પ્રશ્ન છે. ફૂડ ડિલીવર થતાં જ લોકો તેના પર તૂટી પડે છે. રાત્રે એક વાગે ઓર્ડર કરેલો ખોરાક ક્યારે પચશે તેનો વિચાર કોઈ કરતું નથી.
આપણે ત્યાં મોડી સાંજે વાળુ કરવાની પ્રથા હતી. વહેલાસર ભોજન કરી લેવાથી ખોરાકને પચવા માટે પૂરતો સમય મળતો હતો. લોકો મોટી ઉંમર સુધી તંદુરસ્ત રહી શકતા હતા. હવે યુવાનોને નાની ઉંમરે જ સ્વાસ્થ્યના જાતજાતની સમસ્યાઓ સતાવવા લાગે છે એનું એક મોટું કારણ ફાસ્ટ ફૂડ અને મોડી રાત્રે લેવાતો ઓનલાઇન ખોરાક છે. ક્વિક કોમર્સ પર મંગાવાતું ફાસ્ટ ફૂડ ક્વિક બિમારીઓ પણ લાવી શકે છે.