બ્રાન્ડ બેંગલુરૂનો ફિયાસ્કો: વરસાદી પાણીથી વિદેશની કંપનીઓ પરેશાન
- આઇટી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સૂચના
- પ્રસંગપટ
- વરસાદી સિઝન જેમ ત્રાસદાયક બની છે એમ રોજીંદા ટ્રાફિક જામથી પણ લોકો ખૂબ કંટાળેલા છે
જેને આઇટી સીટીની ઉપમા આપવામાં આવી છે તે બેંેંગલુરૂના અનેક વિસ્તારો આજકાલ બેટ સમાન બની ગયા છે. બેંગલુરૂમાં આ વખતે છેલ્લાં ૨૭ વર્ષમાં સૌથી વધુ વરસાદ પડયો છે. શહેરની શોભા સમાન સોએક જેટલાં તળાવો ઓેવરફ્લો થયાં છે. સોશિયલ નેટવર્ક પર પડયાપાથર્યા રહેતા લોકો બેંગલુરૂને લોકો હવે મશ્કરીમાં વેનિસ કહે છે. (વેનિસ ઈટલીનું શહેર છે, જે ૧૨૬ ટાપુઓ વચ્ચે બાંધવામાં આવ્યું છેે. અહીં હોડીઓથી આવનજાવન થાય છે.) વરસાદના કારણે એક નવું બંધાતું મકાન પડી જતાં પાંચનાં મોત પણ થયા છે.
બેંગલુરૂને ભારતની સિલિકોન વેલીની ઉપમા આપનારાઓ અત્યારે મૌન થઈને બેઠા છે. ભારતનાં તમામ મોટાં શહેરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે જ. ગ્રેટર નોઇડામાં ફૂટપાથની નીચે પાણીના નિકાલ માટેની લાંબી લાઇનો નાખવામાં આવી છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓની ઓફિસો બેંગલુરૂની શાન સમાન છે, પરંતુ વરસાદના પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે અનેક કંપનીઓ હવે ઓફિસ શિફ્ટ કરવાનું વિચારવા માંડી છે. બેંગલુરૂમાં વરસાદી સિઝન જેટલો જ ત્રાસદાયક અહીંનો ટ્રાફિક છે. ગયા અઠવાડીયે વરસાદના કરાણે ટ્રાફિક એટલો જામ થઇ ગયો હતો કે લોકો પાંચ-પાંચ કલાક સુધી એક જ જગ્યા પર ફસાઇ ગયા હતા.
કેટલાય લોકો કંટાળીને પોતાનાં વાહનો સ્થળ પર જ છોડીને ઘર તરફ પગપાળા જવા માંડયા હતા. આ ટ્રાફિક ૨૪ કલાક પછી ક્લીયર થઈ શક્યો. જે લોકો ગાડી છોડીને ઘર જતા રહ્યા હતા તે વાહનોને ક્રેનથી ઊંચકી જવામાં આવ્યાં હતાં અને માલિકોને તગડો દંડ ફટકારવામાં આવ્યો હતો.
નામાંકિત આઇટી કંપનીઓ બેંગલુરૂની વ્યવસ્થાથી ત્રસ્ત છે. બેંગલુરૂની સ્વચ્છતા અને સરકારની સવલતોના પગલે અનેક કંપનીઓ ત્યાં આવી ગઈ છે. એક કંપનીએ બેંગલુરૂના વહિવટીતંત્રને લખ્યું હતું કે વરસાદ પહેલાં ગટરોની સફાઇ કરાવો અને તેમાં ભરાયેલો પ્લાસ્ટિકનો કચરો બહાર કઢાવો, પરંતુ તંત્રે કોઇ પગલાં લીધા નહોતાં. હવે આ પ્લાસ્ટિકનો કચરો ખલનાયક બની ગયો છે. પાણી ભરાવાના કારણે અનેક સ્કૂલો બંધ છે. આઇટી કંપનીઓે તેના સ્ટાફને વર્ક ફ્રોમ હોમની સૂચના આપી છે.
ગાર્ડન સિટી તરીકે ઓળખાતા બેંગલુરૂના તમામ બગીચાઓ વરસાદને કારણે ઉજ્જડ થઈ ગયા છે. સખત વરસાદના કારણે કર્ણાટકમાં ઊભા પાકને નુકશાન થયું છે. બેંગલુરૂની કમનસીબી એ છે કે સત્તા પર આવતા રાજકારણીઓએ બેંગલુરૂની તુલના વિદેશના વિકસિત શહેર સાથે કર્યા કરે છે, પરંતુ વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાના પ્રયાસો થતા નથી. પાણીના નિકાલની જગ્યા અને વહેણના રસ્તા પર જ મકાનો ઊભાં કરી દેવાયાં છે. જૂના નાળા પૂરીને તેના પર મકાનો બાંધી દેવામાં આવે છે.
ભરાયેલાં વરસાદી પાણીનો આતંક અનેક શહેરો અનુભવી રહ્યાં છે. મેટ્રો સિટીના રહેવાસીઓ ભરાયેલા પાણીની ઝપટમાં આવી જાય છે ત્યારે ઘાંઘા થઈને કાગારોળ મચાવી દેતા હોય છે. નાનાં શહેરો કે ગામડાંમાં વસતા લોકોની તુલનામાં મેટ્રેા સિટીમાં રહેતા લોકોની સહનશક્તિ પ્રમાણમાં ઓછી હોય છે. ગામડાંમાં ક્યારેક ચાર-ચાર દિવસ સુધી ભરાયેલાં પાણી ઉતરતાં નથી, જ્યારે મેટ્રેા સિટીમાં રહેતા લોકો પાણી ત્રણ-ચાર કલાક ભરાયેલાં રહે તો પણ સહન કરી શકતા નથી.
નવા વિસ્તારોમાં રહેણાંકની સ્કીમો મુકાય છે ત્યારે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું ભૂલાઈ જવાય છે. ૨૪ કલાક પાણી આવશે એવી ખાત્રી અપાય છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ બાબતે કોઇ ખાતરી નથી અપાતી.
સામાન્ય વરસાદથી પાણી નથી ભરાતા, પણ જોરદાર વરસાદ સિટી ડેવલપમેન્ટ માટે મંજૂરી આપનારાઓની પોલ ખોલી નાખે છે. લોકોએ જુદી જુદી સ્કીમમાં ફ્લેટ બુક કરાવતી વખતે પૂછવાની જરૂર છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા શું છે?હવે બંગલાની સ્કીમોમાં એવી જાહેરાતો જાવો મળશે કે અમારે ત્યાં વરસાદી પાણીના નિકાલની ૂપૂરતી વ્યવસ્થા છે!