બોલિવુડમાં મંદી: પ્રોડક્શન હાઉસ પૈસાની ખેંચથી પીડાઈ રહ્યાં છે
- અદાર પૂનાવાલાના પગલાથી કોર્પોરેટ જગતમાં તરંગો સર્જાયા
- પ્રસંગપટ
- ધર્મા પ્રોડક્શન બોલિવુડનું એક પ્રતિષ્ઠિત અને પાવરફુલ નામ છે. 1976માં યશ જોહરે તેની સ્થાપના કરી હતી
- કરણ જોહર
કોર્પોરેટ જગતને અવારનવાર બોલિવુડ સાથે ભાગીદારી કરવાનો ચસકો લાગતો હોય છે. તાજેતરમાં સીરમ ઇન્સ્ટિટયુટ ઓેફ ઇન્ડિયાના અદાર પૂનાવાલાએ કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનનો ૫૦ ટકા હિસ્સો ૧૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદીને કોર્પોરેટ જગતને ચોંકાવી દીધું છે. કહે છે કે, છેલ્લા કેટલાક સમયથી કરણ જોહર પોતાની કંપનીનો હિસ્સો વેચવા માંગતા હતા અને તે માટે એમણે સારેગમાથી લઈને મુકેશ અંબાણી સુધીના લોકો-કંપનીઓનો સંપર્ક કર્યો હતો.
ધર્મા પ્રોડક્શનના એકાઉન્ટ પર નજર નાખીએ તો છેલ્લાં દશ વર્ષમાં સૌથી ઓછો નફો ૨૦૨૩-૨૪માં થયો છે. ૨૦૨૨માં કંપનીની રેવન્યુ ૨૭૬ કરોડ હતી, જે ૨૦૨૩માં લગભગ ચાર ગણી થઈ ગઈ હતી - ૧૦૪૦ કરોડ. જોકે નફામાં ૫૯ ટકા ઘટાડો થયો, એટલે કે ૧૦૪૦ કરોડની રેવન્યુ સામે નફો ફ્કત ૧૧ કરોડ નોંધાયો.
સીરમ ઇન્સ્ટિટયુટના અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે દેશના સૌથી જાણીતા પ્રોડક્શન હાઉસ સાથે ભાગીદીરી કરવાની તક મળી છે તેમજ મારા મિત્ર કરણ સાથે કામ કરવાની પણ તક મળી છે તેથી હું રોમાંચ અનુભવું છું. કંપનીમાં કરણ જોહર એેક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે સક્રિય રહેશે. એ કંપનીના ક્રિયેટીવ વિઝન પર આગળ વધશે, જ્યારે કંપનીનાં વહિવટી કામો સીઇઓ અપૂર્વ મહેતા સંભાળશે. પૂનાવાલાનો એક પ્રતિનિધિ કરણ જોહરની સાથે રહેશે.
કરણ જોહર સાથે સંકળાયેલા લોકો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી ધર્મા પ્રોડક્શનની ફિલ્મોને ઓડિયન્સે પસંદ કરી નથી. હજુ તાજું જ ઉદાહરણ લઈએ તો, આલિયા ભટ્ટ જેવી ટોપ સ્ટારને લઈને બનાવેલી ફિલ્મ 'જીગરા' ક્યારે આવીને ક્યારે ઉતરી તેની કોઇને ખબર પણ ના પડી. આ ફિલ્મમાં આલિયા સ્વયં કૉ-પ્રોડયુસર હતી. એેવી જ દશા 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ની થઈ. 'યોદ્ધા' પણ બોક્સ ઓફિસ પર ફસકી પડી. આવા ત્રણ-ચાર ફટકા ધર્મા પ્રોડક્શનને ખોટ તરફ ખેંચી ગયા હતા.
બોલિવુડની મંદી પાછળ અનેક કારણો છે. બોલિવુડની ફિલ્મોની જગ્યા હવે સાઉથની ફિલ્મો લઇ રહી છે. હિન્દીમાં ડબ થેલી દક્ષિણની ફિલ્મો વધુ જોવાતી થઇ છે. બોલિવુડમાં શરુઆતથી ગાડરિયો પ્રવાહ વહ્યો છે. એક ફિલ્મ સફળ થાય એટલે એ જ પ્રકારની ફિલ્મોનું પૂર આવી જાય છે.
પ્રોડક્શન હાઉસ પૈસાની ખેંચથી પીડાય ત્યારે કોર્પોરેટ જગતે હાથ લંબાવે તે આમ તો સારી બાબત છે. ભૂતકાળમાં પણ ધર્મા પ્રોડક્શને ડિઝની અને ઝી એન્ટરટેઇનમેન્ટ સ્ટુડિયો સાથે ભાગીદારી કરી હતી. આમે આ પહેલીવાર નથી થયું કે કોઈ કોર્પોરેટ કંપનીએ ફિલ્મ પ્રોડક્શન હાઉસમાં પૈસા રોક્યા હોય. અગાઉ એડલેબ ફિલ્મ, રિલાયન્સ એડીએ ગુ્રપનો સૌથી મોટો હિસ્સેદાર બની હતી. ૨૦૦૯માં કંપનીનું નામ બદલીને રિલાયન્સ મીડિયા વર્કસ લિમિટેડ કરાયું હતું. ડિઝનીએ યુટીવી સોફ્ટવેર કોમ્યુનિકેશન ખરીદીને તેનું નામ યુટીવી મોશન પિક્ચર્સ કરી નાખ્યું હતું.
ધર્મા પ્રોડક્શન બોલિવુડનું બહુ જાણીતું અને પાવરફુલ નામ છે. ૧૯૭૬માં યશ જોહરે તેની સ્થાપના કરી હતી. છેલ્લાં કેટલાય વર્ષોથી તેમનો પુત્ર કરણ જોહર કંપનીનો કર્તાધર્તા છે. ધર્મા પ્રોડક્શન કેટલીય હિટ ફિલ્મો આપી ચૂક્યું છે. કરણ જોહરે ડિરેક્ટ કરેલી સૌથી પહેલી જ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' સુપરડુપર હિટ થઈ હતી. તે પછી કરણના ડિરેક્શનમાં જ બનેલી 'કભી ખુશી કભી ગમ', 'સ્ટુડન્ટ ઓફ ધ યર' અને 'અય દિલ હૈ મુશ્કિલ' અને 'રોકી ઔર રાની કી પ્રેમકહાની' બોક્સ ઓફિસ પર સરસ કમાણી કરી ચૂકી છે. કરણ માત્ર પ્રોડયુસર હોય એવી સફળ ફિલ્મોનું તો લાંબું લિસ્ટ છે. ધર્મા પ્રોડક્શને ઓટીટી માટે અલાયદી બ્રાન્ચ શરુ કરી છે.
કેવળ ત્રણ-ચાર ફિલ્મો ફ્લોપ જવાથી આવડું મોટું પ્રોડક્શન હાઉસ તળિયે બેસી જાય એવું તે વાત તરત ગળે ઉતરે એવી નથી. ખેર, કરણ જોહરે કોર્પોરેટ સાથે હાથ મિલાવીને સ્માર્ટ પગલું ભર્યું છે.