Get The App

ડિજિટલ એરેસ્ટમાં AIનો ઉપયોગ ફ્રોડ કરનારાઓ વધુ ચતુર થયા છે

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ડિજિટલ એરેસ્ટમાં AIનો ઉપયોગ ફ્રોડ કરનારાઓ વધુ ચતુર થયા છે 1 - image


- પ્રસંગપટ

- ટ્રેપમાં ફસાઈ જનારને રીતસરના ધમકાવવામાં આવે છે

- જાગૃતિનો અભાવ અને ક્યારેક લાલચ વૃત્તિ બેન્ક એકાઉન્ટ સફાચટ કરી નાખે છે

સ્માર્ટ ફોનના વધતા વપરાશની સાથે સાથે સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે તે આજના ડિજિટલ યુગની અપ્રિય હકીકત છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના આદેશ હેઠળ જિયો, એરટેલ, વોડાફોન અને આઇડિયા જેવી કંપનીઓએ કોલર ટયુન મુકીને લોકોને ચેતવ્યા છે,પરંતુ પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઇ વગેરેનો ડર લોકોના મનમાં એટલી હદે ઘૂસેલો છે કે ન પૂછો વાત. પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી પ્રશ્નોતરી થાય છે, ત્યાં મારપીટ થઇ શકે છે અને ખૂબ ધક્કા ખાવા પડે છે તેવી એક ધારણા સામાન્ય જનતા ધરાવતી હોય છે. 

સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  જેવી તપાસ એજન્સીઓનાં પગથિયાં એકવાર ચઢ્યા એટલે આવી બને છે, એ લોકો તમને થકવી નાખે છે, બદનામ કરી નાખે છે તેવી એક છાપ છે. વગદાર લોકો, રાજકારણીઓ અને રીઢા ગુનેગારો તપાસ એજન્સીઓથી ડરતા નથી, પરંતુ મધ્યમવર્ગીય લોકો, ખાસ કરીને સિનિયર સિટીઝનો તપાસ એજન્સીઓના નામ માત્રથી ફફડી ઉઠે છે. મધ્યમ વર્ગના માણસને પોતાના ઘરની બહાર પોલીસ જીપ માત્ર ઊભી રહે તો પણ બદનામી જેવું લાગે છે. આ ડર જ તેમનું બેન્ક અકાઉન્ટ સફાચટ થઈ જવાનું કારણ બને છે. કોઇ પોલીસ સ્ટેશનથી ફોન આવે તો પણ મિડલ ક્લાસના માણસનું બ્લડ પ્રેશર વધી જાય છે. આવી સ્થિતિમાં ફ્રોડ કરવા બદલ પોલીસ ધરપકડની ધમકી મળે તો તેમની કેવી હાલત થાય! 

ફોન કરનારાઓને સામાન્યપણે લોકો પૂછતા નથી કે ભાઈ, તું સાચો પોલીસવાળો છે કે ફ્રોડ છે તેની મને કેવી રીતે ખબર પડે? મધ્યમવર્ગની માનસિકતા ફ્રોડ કરનારાઓ બહુ સારી રીતે જાણતા હોય છે. એટલે જ ટ્રેપમાં ફસાઈ જનારને રીતસર ધમકાવવામાં આવે છે. કોઈ ભૂલેચુકેય પ્રશ્ન પૂછે તો વધારે સવાલ કરીશ તો જેલના સળીયા ગણવા પડશે એમ કહીને ડરાવવામાં આવે છે. લોકોના મનમાં ઘર કરી ગયેલા આ ડરને દૂર કરવાનો ખરેખર કોઈ ઉપાય નથી. એટલેસ્તો ડુપ્લિકેટ પોલીસ પણ રોડ પર ઊભા રહીને લોકોને તતડાવી જાય છે. 

ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ અટકવાનું નામ લેતા નથી. દેશમાં સાયબર ફ્રોડના રોજના ૭૦૦૦ કેસો નોંધાય છે, જેમાંથી અડધોઅડધ કિસ્સા તો ડિજિટલ એરેસ્ટના હોય છે. ફ્રોડ કરનારા લોકોને એેવા ડરાવી દે છે કે તેઓ જે કહે તે કરવા તૈયાર થઇ જાય છે. એકલા ૨૦૨૪માં ભારતીયોના ૧૭૫૦ કરોડ રૂપિયા સાયબર ફ્રોડ કરનારાઓએ આંચકી લીધા હતા.

એડવાન્સ્ડ ટેકનોલોજી આવ્યા પછી સાયબર ફ્રોડ કરનારાઓ ઊલટાના વધારે ચતુર બની ગયા છે. અરે, ફ્રોડ કરનારા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુધ્ધાંનો ઉપયોગ કરવા લાગ્યા છે. હાઇટેક લેભાગુઓ પોતાની જાતને સતત અપડેટ રાખે છે, પરંતુ ફ્રોડની તપાસ કરવાની જેની જવાબદારી છે તે સાયબર પોલીસ અપડેટ થતી નથી. 

ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે ફ્રોડ કરનારા બહુ સિફતથી પોતાના શિકારનો વિશ્વાસ જીતે છે. જો તમારે બચવું હોય તો હું કહું તેમ કરો એમ કહીને તેના પૈસા ખંખેરી લે છે. તેઓ વોઇસ ક્લોનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ડરાવે છે. સાયબર ફ્રોડ કરનારાઓ સામાન્યપણે પચ્ચીસેક વર્ષના જુવાનિયાઓ હોય છે. તેઓ ઇન્ફર્મેશન ટેકનોલોજીના જાણકાર હોય છે અને તેમને ફ્રોડ કરવામાં ફાવટ આવી ગઇ હોય છે. આવા યુવાનો લાખો રૂપિયા કમાતા હોય છે.  

 જેમ લોકો ડિજિટલ એરેસ્ટમાં ફસાય છે એમ AI ડીપફેકની જાળમાં પણ આવી જાય છે.  AIથી જનરેટ કરેલા વોઇસ, વીડિયો વગેરેથી શિકારને ડરાવવામાં આવે છે.  ફ્રોડ કરનારા AIનો ઉપયોગ કરીને પોતે જેન્યુઇન પોલીસ છે તે બતાવવામાં સફળ થાય છે. એમનો અવાજ પોલીસ અધિકારી જેવો સત્તાવાહી હોય છે. જેને શિકાર બનાવવાની કોશિશ થઈ રહી છે તે વ્યક્તિ પોલીસના નામથી કેટલી ડરે છે તેનો પાક્કો અંદાજ આ ફ્રોડ કરનારાને આવી જાય છે. ક્યૂઆર કોડ પણ હવે ફ્રોડ કરનારાઓનું આસાન હથિયાર બની ગયું છે. ફ્રોડ કરનારા પોતાના શિકારને ધમકાવીને એનો યુપીઆઈ ક્યુઆર કોડ બતાવવાનું કહે છે અને પછી ધડ્ દઈને એનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.  

સરકાર ખુદ ગાઈવગાડીને ઘોષણા કર્યા કરે છે કે તપાસ એજન્સીઓ ક્યારેય કોઇને ફોન કરતી નથી, એટલે આ ફ્રોડ કરનારાના કોલથી ડરવું નહીં. પરંતુ જાગૃતિના અભાવને કારણે અને ક્યારેક લાલચવૃત્તિથી માણસનું બેન્ક ખાતું તળિયાઝાટક થઈ જાય છે. સાયબર ફ્રોડ એ વૈશ્વિક સમસ્યા છે. દરેક દેશે તેનો સાથે રહીને સામનો કરવો પડશે.

Prasangpat

Google NewsGoogle News