For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંસ્કૃતિ પર પ્રહાર સમાન ઝીનતની સલાહ લગ્ન કરતાં પહેલાં લિવ-ઇનમાં રહો

Updated: Apr 23rd, 2024

સંસ્કૃતિ પર પ્રહાર સમાન ઝીનતની સલાહ લગ્ન કરતાં પહેલાં લિવ-ઇનમાં રહો

- મુમતાઝે ઝીનત અમાનના લગ્નજીવનને ફ્લોપ ગણાવ્યું 

- પ્રસંગપટ

- બહુ જુની કહેવત છે કે ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે. ઝીનત અમાનના કેસમાં આ કહેવત સાચી પડી છે

- ઝીનત અમાન

- મુકેશ ખન્ના

ભારતના યુવા ધનને પશ્ચિમની સંસ્કૃતિનું ઘેલું લગાડનાર બોલિવુડની અતિ પીઢ અભિનેત્રી આ ઉંમરે પણ ભારતની સંસ્કૃતિ પર હથોડા મારવાની ભૂલતી નથી. વાત થઈ રહી છે ૭૦ વર્ષીય ઝીનત અમાનની. જે લિવ-ઇન રીલેશનશિપને આપણે ત્યાં પરંપરાગત સંસ્કૃતિ અને પરંપરાગત લગ્ન પદ્ધતિની વિરૂદ્ધ ગણવામાં આવે છે તેને અપનાવવી જોઈએ એવી યુવાનોને સલાહ આપીને ૧૯૭૦-'૮૦ના દાયકાની અભિનેત્રી ઝીનત અમાને વિવાદનો મધપૂડો છંછેડયો છે. 

તાજેતરમાં બનેલી લવ જેહાદની કંઈકેટલીય ઘટનાઓ બાબતે મૌન રહેનાર ઝીનત લિવ-ઇન રીલેશનશિપના ફાયદા વિશે લેક્ચર આપે ત્યારે વિચિત્ર લાગે છે. ઝીનત અમાન વીતેલા જમાનાની અતિ બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી છે. ઝીનત અમાન લોકોને લોકસભાના જંગમાં ભૂલ્યા વગર મત આપવા જવાનું કહે ત્યાં સુધી ઠીક છે, પરંતુ તે લગ્નજીવન કેવી રીતે વીતાવવું તેની શિખામણ આપે ત્યારે કૌતુક થાય છે. એણે યંગસ્ટર્સને સલાહ આપી છે કે લગ્ન કરતાં પહેલાં લિવ-ઇન રીલેશનશિપમાં અનિવાર્યપણે રહેવું જ જોઇએ. 

જેવી ઝીનતે લિવ-ઇન રીલેશનશિપવાળી વાત સોશિયલ મીડિયા પર કહી કે તરત જ મુકેશ 'ભીષ્મ' ખન્નાએ તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ઝીનત તો લગ્નપ્રથાને તોડવાની વાત કરી રહ્યાં છે. મુકેશ ખન્નાની કમેન્ટ પર તરત જ આલિયા ભટ્ટની મમ્મી કરણ રાઝદાને ટિપ્પણી કરી કે ઝીનતની વાત કંઈ ખોટી નથી. લિવ-ઇન રીલેશનશિપનો અનુભવ લીધા પછી બંધાતો લગ્નસંબંધ મજબૂત સાબિત થાય છે.  

ઝીનતની સમકાલીન અભિનેત્રી મુમતાઝે કહ્યુંઃ લગ્ન અને સંબંધોના મામલામાં ઝીનતે તો ચુપ જ રહેવું જોઈએ. એણે અને મઝહાર ખાન લિવ-ઇન રિલેશનશિપમાં ઘણો સમય વીતાવ્યો હતો, પણ પછી શું થયું? એમનું લગ્નજીવન કેવું હતું તે આખી દુનિયાને ખબર છે. જુવાનિયાઓએ ઝીનતની સલાહથી દૂર જ રહેવા જેવું છે.

બોલિવુડ સેલિબ્રિટીને લોકોને સલાહો આપવાની ટેવ પડી ગઇ છે.  અનેક સિનિયર અભિનેતા અને અભિનેત્રીઓનાં લગ્નજીવન વિવાદમાં ઘેરાઈ ચૂક્યાં છે અથવા તો નિષ્ફળ નીવડયાં છે. બોલિવુડની અભિનેત્રીઓ સામાન્ય રીતે લગ્નજીવન  વિશે બહુ બોલ્ડ અભિપ્રાયો આપતી હોતી નથી. ખાસ કરીને લગ્ન કરીને ઠરીઠામ થઇ ગયા બાદ.

મુમતાઝ ૭૬ વર્ષનાં છે. મુમતાઝ અને ઝીનતે દેવઆનંદની ૧૯૭૧ની ફિલ્મ 'હરે ેરામ હરે કૃષ્ણ'માં સાથે કામ કર્યું હતું. મુમતાઝે કહ્યું છે કે યુવાનોને આડીઅવળી સલાહ આપતા પહેલાં ઝીનતે બે વાર વિચારવું જોઇએ. 

ઝીનતનું પોતાનું લગ્નજીવન દુખી હતું. એ મઝહર ખાનને વર્ર્ષોેથી જાણતી હતી અને પછી ૧૯૮૫માં તેની સાથે લગ્ન કર્યાં હતાં. ૧૯૯૯માં સિમી ગરેવાલને આપેલા ઇન્ટરવ્યુમાં ઝીનતે કહ્યું હતું કે લગ્નના પહેલા  વર્ષથી જ મને ખબર પડી ગઇ હતી કે મેં લગ્ન કરીને મોટી ભૂલ કરી નાખી છે. જેમ-તેમ કરીને મેં ૧૨ વર્ષ ખેંચી કાઢ્યાં હતાં. આ લગ્નસંબંધથી મને લગીરેય સુખ નહોતું મળ્યું. આ લગ્નથી ઝીનતને બે પુત્રો છે.

ઝીનતના પાંચેક લફરાં બહુ ચર્ચાયાં હતાં. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન સાથેનું એનું અફેર તો બહુ ગાજ્યું હતું.  ઝીનત જેેવી બોલ્ડ અભિનેત્રીઓ બોલિવુડે ઓછી જોઈ છે. એના મંતવ્યો અને વિચારો પણ બોલ્ડ હોય છે. એ બધું બરાબર છે, પણ  એ ભારતની લગ્નપ્રથાને છંછેડવાની વાત કરે ત્યારે સંસ્કૃતિના રક્ષકો છંછેડાઈ જાય તે સ્વભાવિક છે.

આપણે ત્યાં બહુ જુની કહેવત છે કે ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે. ઝીનતના કેસમાં આવું જ બન્યું છે. ઝીનતનું ખુદનું લગ્નજીવન દુખી હતું, પોતે લગ્નજીવનમાં ભૂલો કરી હતી અને હવે ઢળતી ઉંમરે એ યુવાનોને લિવ-ઇન રીલેશનશિપમાં રહેવાની સલાહ આપે છે.

બોલિવુડ દંભી લોકોની જમાત છે. તેના એક વર્ગનું કામ જ જાણે ભારતની પરંપરાગત સંસ્કૃતિ પર પ્રહારો કરવાનું છે. આપણે ત્યાં લિવ-ઇન રીલેશનશિપને ખાસ માન્યતા મળી નથી એટલે ઝીનતની સલાહ તરત લોકોની નજરમાં આવી ગઈ. શક્ય છે કે આ વિવાદને કારણે જે જુવાનિયાઓને લિવ-ઇન રીલેશનશિપ વિશે ખાસ ખબર નહોતી એમને પણ જાણકારી મળે ને તેઓ આ વિકલ્પ વિશે વિચારવા માંડે. ઝીનતે શાંત પાણીમાં પથ્થર નાખ્યો છે. નવી પેઢી જોકે ઝીનતને ખાસ ઓળખતી નથી. તેથી એની સલાહનું ઝાઝું વજન પડયું નથી ને પડવાનું પણ નથી. 

Gujarat