ભગવાન કૃષ્ણની પ્રિય યમુના કેમિકલ ફીણના ગોટામાં ડૂબી
- યમુના નદીની દુર્દશા જોઇને શ્રદ્ધાળુઓ નારાજ
- પ્રસંગપટ
- કેન્દ્ર સરકારે રાજકીય વિવાદોથી પર જઈને યમુના નદીના શુદ્ધિકરણનું કામ પોતાના હાથમાં લઇ લેવાની જરૂર છે
નદીને આપણે લોકમાતા કહીને વધાવતાં આવ્યા છીએ. નર્મદા અને તાપી નદીને તો રંગેચંગે સાડી અર્પણ કરાય છે. નદીઓની પૂજા થતી આવી છે, કેમકે નદી જીવનદાયિની છે. કમનસીબે આજે ભારતની મોટા ભાગની નદીઓ પ્રદૂષણયુક્ત બની ગઈ છે. તાજેતરમાં યમુના નદીની દુર્દશા જોઇને શ્રદ્ધાળુઓનું માથું શરમથી ઝૂકી ગયું હતું. ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી યમુનાની કરૂણ દશા કરનારા સખત સજાને પાત્ર છે. છઠ પૂજા જેવા પવિત્ર દિવસો અગાઉ યમુના નદી પ્રદૂષણના કારણે કેમિકલ ફીણના ગોટામાં ફેરવાઇ ગઇ છે. શ્રદ્ધાળુઓએ આવા ફીણના ગોટા વચ્ચે ઉભા રહીને છઠની પૂજા કરવી પડશે. ઝેરી અને ચામડીના રોગનો નોંતરી શકે એવા પાણીમાં ઊભા રહીને પૂજા કરવી એ વિચિત્રતા છે કે કરૂણતા?
દિલ્હીની સરકાર વારંવાર કહી ચૂકી છે કે યમુના નદી એટલી ચોખ્ખી કરી દઈશું કે તેમાં ડૂબકી મારી શકાય. પ્રદૂષિત નદીઓ એ સમાજની શરમકથા છે. નદીઓનું પ્રદૂષણ ચિંતાનો વિષય છે. યમુનાના મુદ્દે પર્યાવરણની રક્ષા ને ચિંતા કરનારા વારંવાર સત્તાધીશોનું ધ્યાન દોરી ચૂક્યા છે. યમુનાના પાણીને ચોખ્ખું અને પ્રદૂષણમુક્ત રાખવાની જવાબદારી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની છે, પરંતુ માત્ર તેણે જ નહીં, બલ્કે તમામ રાજકીય પક્ષોએ પોતાની જવાબદારીમાંથી છટકી જવાની આવડત હસ્તગત કરી છે. એક તરફ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે અને બીજી તરફ યમુનામાં કેમિકલ ફીણના ગોટા લોકોને ડરાવી રહ્યા છે. ફીણથી ઢંકાઇ ગયેલી નદીની તસવરો લેવા માટે વિદેશની ન્યુઝ એજન્સીઓના ફોટોગ્રાફરો કતારબદ્ધ ગોઠવાઇ જાય છે.
એક અહેવાલ અનુસાર, દિલ્હીનો ૫૮ ટકા જેટલો કચરો યમુનામાં ઠલવાય છે. યમુનાની સફાઇના બહાને કરોડો રૂપિયા ક્યાં વહી જાય છે તેની તપાસ થતી નથી. દિલ્હી સરકારે લીધેલી જવાબદારી નિષ્ફળતામાં પરિણમી છે. આજે યમુના વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત નદી તરીકે ઓળખાય છે.
એક સમયે યમુનાનાં પાણી લીલા કાચ જેવાં લાગતાં. ખળખળ વહેતી યમુના જોઈને મનમાં આહ્લાદ જાગતો, જ્યારે આજે યમુનાના કિનારા નજીક જતી વખતે દુર્ગંધથી બચવા મોં પર રૂમાલ રાખવો પડે છે. નદીઓમાં જોવા મળતા ફીણ પાછળ કેમિકલ પ્લાન્ટ્સમાંથી છોડવામાં આવતા ગંદા પ્રદૂષિત પાણી ઉપરાંત એંઠવાડ અને બીજી ઘણી બાબતો કારણભૂત છે. સામાન્યપણે ચોમાસાનાં પાણીના વહેણની સાથે બધું તણાઇ જતું હોય છે. આ વખતે વરસાદ હોવા છતાં નદી કેમિકલયુક્ત ફીણથી ઉભરાઇ ગઇ છે. તેનું કારણ જાણવાના પ્રયાસો પર્યાવરણવિદ્દો કરી રહ્યા છે.
યમુના નદીનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે છે. યમુનામાં વસતા કાળી નાગને નાથીને તેમણે પ્રજાને ભયમુક્ત કરી હતી. પૌરાણિક કથા અનુસાર યમુના એ યમની બહેન છે, જે હિમાલય સ્થિત યમુનોત્રીથી નીકળે છે. તે દિલ્હી થઇને ૧૩૭૬ કિલોમીટર પ્રવાસ કરીને છેલ્લે ગંગા નદીને મળે છે. આ એક એવી લાંબી નદી છે, જે સીધી દરિયાને મળતી નથી.
ગયા રવિવારે સંધ્યા આરતી તેમજ સંકષ્ટ ચોથ માટે ગયેલા શ્રદ્ધાળુઓએ ઘૂંટણ સુધીના ફીણવાળા પાણીમાં ઊભા રહીને ચન્દ્રના દર્શન કર્યા હતા. યમુના નદીની દુર્દશા કરનારા રાજકારણીઓ છે. દૂષિત પાણી જમીનમાં થઇને નજીકના કૂવાના પાણીને દૂષિત કરે છે અને નજીકના ખેતરોની ખેતીને ઉજ્જડ બનાવે છે. દિલ્હીના પીવાના પાણીમાં યમુના નદીનું પ્રદૂષણ પ્રવેશી શકે છે.
રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર અમે યમુનાને ડૂબકી લગાવી શકાય એટલી સ્વચ્છ કરી નાખીશું એવા દાવા કરેલા ત્યારે અન્ય રાજ્યોનો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ હવે તે યમુનાના પ્રદૂષણ માટે નજીકનાં રાજ્યોને જવાબદાર ગણે છે. રાજકીય પક્ષો પાસેથી આક્ષેપબાજી સિવાય બીજી અપેક્ષા પણ શું રાખી શકાય? યમુના નદીના શુદ્ધિકરણનું કામ કેન્દ્ર સરકારે પોતે હાથમાં લઇ લેવા જેવું છે. આ રીતે યુમના રાજકીય પક્ષોના વિવાદોમાંથી પણ મુક્ત થઈ શકશે. દરેક નદીની નિયમિત સફાઇ કરવાની ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે.