For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં સારા વરસાદની આગાહી છતાં હેકટરદીઠ કૃષિ પેદાશ વધારવી જરૂરી

Updated: Apr 22nd, 2024

દેશમાં સારા વરસાદની આગાહી છતાં હેકટરદીઠ કૃષિ પેદાશ વધારવી જરૂરી

- પ્રસંગપટ

- ચોમાસામાં 106 ટકા વરસાદ થવાની શક્યતા

- ભારતમાં ૬૧ ટકા ખેડૂતો વરસાદ પર આધાર રાખે છે જ્યારે માત્ર ૩૯ ટકા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે ઃ એગ્રી સેકટરમાં છ ટકા વૃદ્ધિનો અંદાજ

દેશમાં હાલ ઉનાળાનો તાપ વધ્યો છે ત્યારે હવે વિવિધ કૃષી બજારો તથા કૃષી તજજ્ઞાો અને ખેડૂતોની નજર આગામી ચોમાસા પર રહી છે. ભારતમાં જૂન મહિનાથી વરસાદની મોસમ શરૂ થાય છે. હવે આગળ ઉપર દોઢ બે મહિના પછી વરસાદ શરૂ થવાની શક્યતા છે જેની શરૂઆત કેરળથી થાય છે અને ત્યારબાદ સમગ્ર ભારતમાં ચોમાસું પહોંચતું હોય છે. ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે થાય છે તથા દેશમાં મોટાભાગના કૃષી વિસ્તારો વરસાદ પર આધારીત રહેતા હોય છે. 

ભારતમાં સીંચાઈ વ્યવસ્થાનો વિકાસ ધીમો રહેતાં કૃષી ક્ષેત્રનો વરસાદ પર આધાર જળવાઈ રહ્યો છે એવું કૃષી બજારોના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ભારતમાં આગામી ચોમાસું નોર્મલ કરતાં સારું થશે એવી આગાહી તાજેતરમાં ધી ઈન્ડિયા મટીરીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડી-વેધશાળા દ્વારા કરવામાં આવી છે. 

દેશમાં લોંગ પીરીયડ એવરેજ એલટીએની સરખામણીએ આગામી ચોમાસામાં વરસાદ ૧૦૬ ટકા થવાની શક્યતા આઈએંમડી દ્વારા બતાવવામાં આવી છે. આ અંદાજ બહાર પડયા પછી દેશનાં કૃષી ક્ષેત્રમાં આનંદની લાગણી જોવા મળી છે તથા કૃષી બજારોના વેપારીઓએ પણ આ આગાહીનું સ્વાગત કર્યું છે. જો કે ખાનગી ક્ષેત્રની સ્કાયમેટ વેધશાળાના જણાવ્યા મુજબ ભારતમાં આગામી ચોમાસું લોંગ પીરીયડ એવરેજ એલપીએની સરખામણીએ ૧૦૨ ટકા થવાની શક્યતા છે. ભારતમાં સિંચાઈ યોજનાઓનો વિકાસ અપેક્ષાથી ધીમો રહ્યો છે અને જો આ વિકાસ વેગ પકડે તો દેશના કૃષી ક્ષેત્રનો વરસાદ પરનો વધુ પડતો આધાર ઘટાડી શકાય તેમ છે. એવું કૃષી તજજ્ઞાો જણાવી રહ્યા હતા. આ ઉપરાંત દેશમાં વિવિધ કૃષી ચીજોમાં હેકટરદીઠ પેદાશ વૈશ્વિક સરેરાશની સરખામણીએ હજી ખાસ્સી નીચી રહેતી જોવા મળી છે. આવી હેકટરદીઠ પેદાશ વધારવામાં આવે તથા સિંચાઈ યોજનાઓનો વિકાસ વેગવંતો બનાવવામાં આવે તો ભારતમાં કૃષી ક્ષેત્રે ઉત્પાદનમાં ખાસ્સી વૃદ્ધી થઈ શકે તેમ છે. દેશમાં કૃષી ક્ષેત્રે આધુનીકરણ પણ વધારવું જરૂરી છે.  

આમ થશે તો વધેલા કૃષી ઉત્પાદન વચ્ચે ઘરઆંગણે કૃષી ચીજોની આયાત ઘટાડી શકાશે તથા સામે નિકાસ વધારી શકાશે અને વેપાર ખાધને કાબુમાં રાખી શકાશે એવું કૃષી જગતના ખેલાડીઓએ જણાવ્યું હતુ. દરમિયાન, દેશમાં આગામી ચોમાસું નોર્મલથી વધુ થવાની આશા  છતાં લડાખ, હિમાચલ પ્રદેશ, આસામ, ત્રીપુરા, મિઝોરોમ, મણીપુર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા વિ.રાજ્યોમાં  આગામી ચોમાસું નોર્મલ કરતાં ઓછું થવાની શક્યતા પણ વેધશાળાના સૂત્રો બતાવી રહ્યા હતા. ભારતમાં જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાના  ગાળામાં વાર્ષિક વરસાદના ૭૦થી ૯૦ ટકા વરસાદ પડતો હોય છે.  ભારતમાં આશરે ૬૧ ટકા ખેડૂતો વરસાદ પર આધાર રાખતા રહ્યા છે જ્યારેે માત્ર ૩૯ ટકા ખેડૂતોએ સિંચાઈનો લાભ મળે છે! મોન્સૂન સારું થાય તો દેશના અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળે છે. 

એપ્રિલ, મે તથા જૂનમાં દેશમાં હવામાનમાં ગરમી વધુ જોવા મળશે એવી આગાહી પણ થઈ હતી. આગામી ચોમાસાની સરકારી વેધશાળાનો પ્રથમ અંદાજ તાજેતરમાં બહાર પડયા પછી હવે બીજો અંદાજ મે મહિનાના અંત સુધીમાં બહાર પડશે એવી શક્યતા કૃષી જાણકારો બતાવી રહ્યા હતા. 

દેશમાં વરસાદ સારો થશે તો એગ્રીકલ્ચર ક્ષેત્રમાં  આશરે ૬ ટકાનો વિકાસ થશે એવી ગણતરી તાજેતરમાં નીતિ આયોગ દ્વારા બતાવાઈ છે. ભારતમાં ચૂંટણીઓ માથે છે. ઘઉં, નોન બાસમતી ચોખા, ખાંડ, કાંદા વિ. કૃષી ચીજોની નિકાસ પર સરકારે અંકુશો મૂક્યા છે. નોન બાસમતી ચોખાની નિકાસ પરના અંકુશો કદાચ સપ્ટેમ્બર-ઓકટોબરમાં હળવા કરાશે એવી શક્યતા અનાજ બજારમાં બતાવાઈ રહી છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયાની વેધશાળા બ્યુરો ઓફ મટીરીયોજીના જણાવ્યા મુજબ ભારતમાં જૂન ૨૦૨૩માં અલનીનો શરૂ થયું હતું અને તેના પગલે દેશમાં ગયા વર્ષે  મોન્સૂનની પ્રગતી ધીમી રહી હતી. જો કે હવે આ અલનીનો સધર્ન ઓસ્કીલેશન ન્યુટ્રલ બન્યું છે તથા આ સ્થિતિ જુલાઈ સુધી જળવાઈ રહેવાની શક્યતા છે.


Gujarat