Get The App

હેલ્થ અવેરનેસના કારણે દાળ-કઠોળનો વપરાશ વધ્યો

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
હેલ્થ અવેરનેસના કારણે દાળ-કઠોળનો વપરાશ વધ્યો 1 - image


- દિવાળીમાં માગમાં સંભવિત વધારો

- પ્રસંગપટ

- કઠોળમાં સરકારે ટેકાના ભાવ વધાર્યા પછી આયાતો પર નિયંત્રણ જરૂરી

દેશમાં  દાળ-કઠોળ બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. નવરાત્રી-દશેરાના તહેવારો પૂરા થયા પછી હવે બજારની નજર દિવાળીની માગ પણરહી છે. દિવાશી પૂર્વે વિશેષરૂપે ચણાદાળ તથા બેસનની માગમાં સામાન્યપણે વૃદ્ધી થતી હોય છે. દેશમાં કોરોના કાળ પછીના ગાળામાં દાળ-કઠોળની માગમાં ખાસ્સી વૃદ્ધી થઈ છે. કોરોના કાળ પછી જનતામાં આરોગ્ય વિશે ગંભીરતા વધી છે અને તેના પગલે કઠોળ-દાળનો વપરાશ પણ વધ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દેશમાં દાળ-કઠોળના કુલ ઉત્પાદનની સરખામણીએ ઘરઆંગણે માગ ઊંચી હોતાં દરિયાપારથી થતી આયાત પર આધાર વધ્યો છે. ભારતમાં કેનેડાથી આવી આયાત થતી હોય છે અને તાજેતરમાં ભારત તથા કેનેડા  વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે ત્યારે શુ ભારતમાં કેનેડાથી આવતી આવી આયાતો પર અસર પડશે કે નહિં? એવો પ્રશ્ન બજારમાં ચર્ચાતો થયો છે.

જો કે બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઘરઆંગણે હાલ આયાતી વિવિધ કઠોળોનો સ્ટોક પુરતો પડયો છે અને આવા સ્ટોકમાં પીળા વટાણાનો જથ્થો વિશેષ રહ્યો છે. ઘરઆંગણે પણ ઉત્પાદન વધ્યું છે. રશિયા તથા ઓસ્ટ્રેલિયાથી પીળા વટાણા તથા મસુરની આયાત પણ જળવાઈ રહી છે. ચણા, તુવેર, મગ, મોંઘી દાળો વિ.ના વિકલ્પ તરીકે પીળા વટાણાનો ઉપયોગ ખાસ કરીને આઉટ-ઓફ-હોમ  ફૂડ આઈટમોના વપરાશમાં વધતો રહ્યો છે. સરકારે આવા વટાણાની આયાત  નીતિ પણ હળવી રાખી છે તથા ડયુટી-ફ્રી-આયાત તથા આયાતના જથ્થા પર મર્યાદાની ગેરહાજરી વચ્ચે આવા માલોની દેશમાં સપ્લાય લાઈન જળવાઈ રહી છે. ભારત-કેનેડાના વણસેલા સંબંધોની અસર દેશમાં કેનેડાથી થતી આયાતો પર પડશે નહિં એવી ગણતરી પણ દાળ-કઠોળ બજારમાં બતાવાઈ રહી છે. દરમિયાન, ભારત સરકારે તાજેતરમાં રવિ પાકની ૨૦૨૫-૨૬ની માર્કેટિંગ મોસમ માટે વિવિધ કૃષી ચીજોના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કઠોળમાં ચણા તથા મસુરના આવા ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે. મસુરના ટેકાના ભાવમાં કિવ.દીઠ રૂ.૨૭૫નો વધારો કરાયો છે જ્યારે ચણાના ટેકાના ભાવમાં કિવ.દીઠ રૂ.૨૧૦ની વૃદ્ધી કરવામાં આવી છે. તેલિબિંયામાં મસ્ટર્ડ-સરસવના તથા કરડીના ટેકાના ભાવ પણ વધારવામાં આવ્યા છે. 

આવી સ્થિતિમાં આગળ ઉપર ટેકાના ભાવમાં વૃદ્ધીના પગલે ખેડૂતો આ પાકો તરફ સ્વીચ ઓવર કરશે અને આગળ ઉપર આના પગલે દેશમાં કઠોળ તથા તેલિબિંયાનુ ઉત્પાદન વધશે તથા આયાત પર આધાર ઘટશે એવી આશા સરકારી સૂત્રો બતાવી રહ્યા હતા. તુવેર, અડદ તથા મસુરની વધુમાં વધુ ખરીદી સરકાર ટેકાના ભાવોએ કરશે એવી ખાતરી સરકારે ખેડૂતોને આપી છે.

 આ પૂર્વે દેશમાં વિવિધ કઠોળની આયાત છેલ્લા ૪થી ૫ મહિનાના ગાળામાં આશરે બે ગણી વધી ગઈ છે અને તેના પગલે બજાર ભાવ પણ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. છેલ્લા એક વર્ષમાં દાળ-કઠોળના ભાવમાં નોંધપાત્ર પીછેહટ જોવા મળી છે.  ભારતમાં વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં વિવિધ કઠોળની આયાત મૂલ્યના સંદર્ભમાં ૭૦થી ૭૫ ટકા વધી છે. હવે જ્યારે સરકારે ટેકાના ભાવ વધાર્યા છે ત્યારે આયાત નિયંત્રણો ફરી લાદવા પણ આવશ્યક બન્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સસ્તી આયાતોને હવેે રોકવી જરૂરી છેે અને જો આવી આયાતને રોકવામાં નહિં આવે તો ખેડૂતો કઠોળના વાવેતરથી વિમુખ થઈ જવાની  ભીતિ પણ જણાઈ રહી છે.

 દાળ-કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોતાં આરોગ્યની સુખાકારી માટે દાળ-કઠોળનો વપરાશ વધ્યો છે ત્યારે હવે ઘરઆંગણે ઉત્પાદન વધારવું આવશ્યક છે અને આવું સ્થાનિક ઉત્પાદન વધારાશે નહિં તો પછી આયાત પરનો આધાર વધુ વધવાની ભીતિ પણ જાણકારો બતાવી રહ્યા હતા. લોકસભાની ચૂંટણી અગાઉ સરકારે ચણાની ઈમ્પોર્ટ ડયુટી નોંધપાત્ર હળવી કરી હતી તથા વટાણાની આયાત નિતી પણ સરકારે એ વખતે હળવી કરી દીધી હતી. ભારતમાં  ૨૦૨૨-૨૩માં કઠોળની કુલ આયાત ૨૫થી ૨૬ લાખ ટન થઈ હતી કે ૨૦૨૩-૨૪માં નોંધપાત્ર વધી ૪૪થી ૪૫ લાખ ટન થઈ છે. ભારતમાં વાર્ષિક કુલ માગ ૨૭૫થી ૨૮૦ લાખ ટનની રહી છે અને આયાત વધી છે.

Prasangpat

Google NewsGoogle News