ટ્રમ્પ ઇફેક્ટ: બિટકોઇનમાં ઉછાળો ભારતે દૂર બેઠાં ઉછળકૂદ જોવાની છે
- ક્રિપ્ટો કરન્સી પર ભારતે પ્રતિબંધ મુકેલો છે
- પ્રસંગપટ
- ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમ્યાન કહ્યું હતું કે ડિજિટલ એસેટ્સ ક્ષેત્રે અમેરિકા વિશ્વનું હબ બની શકે છે
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદનો હવાલો સંભાળશે ત્યારે અમેરિકા અને ચીન વચ્ચેની ટેરીફ માટેની વોર ભભૂકશે કે ઇરાનનો ઘડો લાડવો કરી નાખવાનો પ્લાન તૈયાર કરવામાં આવશે વગેરે વાતો સાંભળવા મળે છે, પરંતુ ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલાં સૌથી મોટી કોઇ પોઝિટીવ અસર ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં જોવા મળી છે. જે ક્રિપ્ટોબજાર ૬૦,૦૦૦ ડોલરની આસપાસ ફર્યા કરતું હતું તેમાં જંગી ઉછાળો નોંધાયો છે. આ લખાય છે ત્યારે એક બિટકોઇનનો ભાવ ૯૪,૦૦૦ ડોલર (આશરે ૭૯ લાખ રૂપિયા)ને વટાવી ગયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સત્તાનાં સૂત્રો નથી સંભાળ્યાં, તેથી એમણે ક્રિપ્ટો બજાર ઉછળે એવી કોઇ જાહેરાત નથી કરી, તેમ છતાં ક્રિપ્ટોમાં થયેલો ઉછાળો આખા વિશ્વના આર્થિક બજારો માટે, ખાસ કરીને બેનંબરી વહીવટ કરતા લોકો માટે ચોંકાવનારો છે. લોકો ચોંકી તો ત્યારે જવાના છે કે જ્યારે ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળશે ત્યારે બિટકોઇનનો ભાવ એક લાખ ડોલર વટાવી ગયો હશે.
ભારતમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ છે. ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ છે ખરું, પણ આખું નેટવર્ક સરકારની માન્યતા વિનાનું છે. આપણે ત્યાં ક્રિપ્ટો કરન્સીની શરૂઆત થઇ ત્યારે તેમાં પૈસા રોકનાર એક વર્ગ હતો અને ક્રિપ્ટોના નામે વચેટીયાઓ કરોડો રૂપિયા ઉસરડી જતા હતા.
ભારતમાં ક્રિપ્ટો નેટવર્ક ઊભું કરવા માટે પ્રયાસ કરાયા હતા, તેનાં એક્સચેન્જ શરૂ પણ કરાયાં છે, પરંતુ અત્યારે આખી સિસ્ટમ પર ગેરકાયદેસરનું લેબલ વાગેલું છે. ભારતમાં બેનંબરી વ્યવહાર કરનારા કેટલાક લોકો બિટકોઇન સાથે સંકળાયેલા છે. બાકીનાઓ એટલે કે ૯૯.૯૯ ટકા લોકોને નથી તો બિટકોઇનમાં વિશ્વાસ કે નથી તેમાં કોઇ રસ.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના મિત્રો ક્રિપ્ટો-ફ્રેન્ડલી છે માટે એમ કહી શકાય કે ટ્રેમ્પના પગલે ક્રિપ્ટો કરન્સી ક્ષેત્રે મંદીનાં વાદળો વિખરાઇ રહ્યાં છે. વિશ્વમાં સૌથી વધુ ચાલતી ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવમાં પાંચ નવેમ્બર પછીનો સૌથી મોટો ૯૦,૦૦૦નો ઉછાળો દેખાતા કહી શકાય કે ક્રિપ્ટો કરન્સીમાં તેજીના સંકેત છે. ક્રિપ્ટોની માર્કેટ વેલ્યૂ ૩.૧ ટ્રિલિયનને વટાવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમ્યાન કહ્યું હતું કે ડિજિટલ એસેટ્સ ક્ષેત્રે અમેરિકા વિશ્વનું હબ બની શકે છે.
એક અંદાજ અનુસાર જ્યારે જ્યારે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઇ છે ત્યારે ક્રિપ્ટોના માર્કેટમાં સળવળાટ જોવા મળ્યો છે. બરાક ઓબામા પ્રમુખપદે ચૂંટાયા ત્યારે ૯૦ દિવસમાંજ બિટકોઇનમાં ૮૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬માં ચૂંટાયા ત્યારે બિટકોઇનમાં ૪૪ ટકા અને બાઇડન ચૂંટયા ત્યારે ૧૪૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે આ વખતે ક્રિપ્ટો માર્કેટમાં થઈ રહેલો સળવળાટ વધુ તીવ્ર છે.
ક્રિપ્ટોની ઉછળકૂદ સાથે સંકળાયેલા કેટલાક મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે. સૌથી પહેલો મુદ્દો એ છે કે બિટકોઇન ઘણું કરીને ડિસેમ્બરના અંત સુધીમાં એક લાખ ડોલરને વટાવશે. ટ્રમ્પ સત્તા ગ્રહણ કશે પછી રિપ્ટો કરન્સીની બોલબાલા ઊભી થશે. કોઇ દેશમાં ક્રિપ્ટો-ફ્રેન્ડલી પ્રમુખ આવે ત્યારે ક્રિપ્ટોના ભાવ ઊંચકાય તે સ્વાભાવિક છે. પ્રુમખપદ માટેના પ્રચાર દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુંકે અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન વડા ગેરી જેન્સલરને બદલી નાખવામાં આવશે.ગેરી જેન્સલર ક્રિપ્ટો પર કડક નિયોમાં લાદવા માટે જાણીતા છે. તેમણે કોઇનબેઝ, રીપલ, જેમિની અને ક્રેકન જેવી ડિજિટલ એસેટ્સ પર કડક નિયમો લાદ્યા હતા. અહેવાલો અનુસાર, માત્ર ૨૦૨૪માં તેમણે ક્રિપ્ટો કંપનીઓ પાસેથી કાયદાના ભંગ બદલ ૧૯ અબજ એમરિકી ડોલર વસુલ્યા હતા.
અમેરિકાએ કર્યું એવું ભારત કરતું હોત તો આજે બિટકોઇન છૂટથી મળતા હોત, પરંતુ સરકાર જાણે છેકે ભારતમાં મની લોન્ડરીંગ કરનારાઓ પાસે બિટકોઇન નામનું નવું શસ્ત્ર આવી જશે તો તેમની તપાસ બહુ મુશ્કેલ બની જશે. અમેરિકામાં ટેસ્લાના ઉત્પાદક ઇલોન મસ્ક પણ ક્રિપ્ટો-ફ્રેન્ડલી હોય ત્યારે ક્રિપ્ટોનો વહીવટ કરનારાને સંભવત: અતિ કડક નિયમોનો સામનો નહીં કરવો પડે.