ભારતમાં ટિક ટોક પરથી પ્રતિબંધ દૂર થવાના કોઇ ચાન્સ નથી
- ભારતમાં ટિક ટોકના 200 મિલિયન વપરાશકારો હતા
- પ્રસંગપટ
- ભારતે ચીનની 58 એપ્લિકેશનો પર એકસાથે પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ટિક ટોક એપ પણ છે
અમેરિકામાં ટિક ટોક એપ પર પ્રતિબંધ મૂકાયો ત્યારે તેના યુઝર્સનું બેચેન થઈ જવું સ્વાભાવિક હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦મીએ શપથ લેશેે પછી ટિક ટોક શરૂ કરવાના ઓર્ડર પર સહી કરશે એવા અહેવાલો બાદ વપરાશકારોને આશા બંધાઇ હતી. જોકે ટ્રમ્પ શપથ લે તે પહેલાં જ ટિક ટોકને ફરી સક્રિય કરવાનો નિર્ણય લેવાતા 'થેંક્યુ ટ્રમ્પ'ના લાખો મેસેજ ફરતા થઇ ગયા હતા.
અમેરિકામાં ટિક ટોકના ૧૭૦ મિલિયન વપરાશકારો છે, જેમાંથી ૯૦ ટકા એક્ટિવ યુઝર્સ છે. અમેરિકામાં સુપ્રીમ કોર્ટે મૂકેલા પ્રતિબંધ બાદ ટિક ટોક માટે બ્લેકઆઉટ જેવી સ્થિતિ હતી. ટ્રમ્પ માટે એક તરફ નેશનલ સિક્યોરીટીનો મુદ્દો હતો, તો બીજી તરફ કરોડો લોકોની ટિક ટોક પુનઃ શરુ કરવાની માંગણી હતી. ટિક ટોક પર પ્રતિબંધની માંગ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષે જ કરી હોવાથી એમના માટે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ હતી.
પ્રતિબંધ રોકવો હોય તો તેની ચીનની મુખ્ય કંપની બાઇટડાન્સે કોઇ અમેરિકન કંપનીને ટિક ટોક વેચી દેવું પડે એમ હતું. ટૂંકમાં, ટિક ટોક ચીનની માલિકીનું ન હોવું જોઇએ એમ જણાવવામાં આવ્યું હતું. આખરે ટ્રમ્પના એક્ઝિક્યુટીવ ઓર્ડરના કારણે ટિક ટોક પર લાગેલો પ્રતિબંધ દૂર થયો.
ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ મૂકાયો ત્યારે ઊહાપોહ થયો હતો. ૨૯ જુન ૨૦૨૦ના રોજ ભારતે એક સાથે ચીનની ૫૮ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેમાં ટિક ટોકનો પણ સમાવેશ થતો હતો. ભારતમાં અનેક લોકો ટિક ટોક પર વીડિયો મૂકીને કમાતા હતા. જોકે તેમના વિરોધની કોઇ અસર થઈ નહોતી. ભારતમાં ટિક ટોક આજે પણ પ્રતિબંધિત છે. કેટલાક લોકો વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) દ્વારા કાયદાનો ભંગ કરીને ટિક ટોક વાપરે છે, પરંતુ પૈસા કમાઇ શકતા નથી.
ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ મૂકવા પાછળનાં અનેક કારણોમાંનું મુખ્ય કારણ સુરક્ષાનું હતું. ભારત સાથે સરહદ પર બાખડયા કરતું ચીન પોતાની એપ્લિકેશનો દ્વારા જાસૂસી કરતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ટિક ટોક પર પ્રતિબંધ મુકાયો ત્યારે ભારતમાં ૨૦૦ મિલિયન વપરાશકારો હતા. ચીનની લોન એપ્લિકેશનો પર પણ ભારતે પ્રતિબંધ મૂક્યો હતો, કેમ કે આસાન લોનની લાલચ આપીને લોકોને છેતરવામાં આવતા હતા. ભારતે ટિક ટોક પર પ્રતિબંધ મૂક્યો તે પછી અન્ય ઘણા દેશોએ ભારતનું અનુકરણ કર્યું હતું. ટિક ટોક પર પ્રતિબંધ મૂકાયા પછી ભારતમાં તેના જેવી જ તાસીર ધરાવતી ચિનગારી અને મોજ જેવી એપ્લિકેશનોની બોલબાલા વધી હતી.
ભારતમાં ટિક ટોક ફરી સક્રિય થાય તેવા કોઇ ચાન્સ દેખાતા નથી, કેમ કે ભારત પાસે તેને ચાલુ ન કરવાનાં અનેક કારણો છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં શરૂ થયેલું ટિક ટોક લાખો-કરોડો લોકોને માફક આવી ગયું હતું, પરંતુ તે ચાઇનીઝ કંપનીનું હોવાથી તેને શંકાથી જોવામાં આવતું હતું. ટિક ટોકનો પ્રભાવ ખાસ્સો વધી ગયો હતો. તેના પર વીડિયા મૂકનારને ૧૦૦૦ વ્યૂ દીઠ ૦.૦૨થી ૦.૦૪ ડોલર ચૂકવવામાં આવતા હતા.
ચીનની અનેક એપ્લિકેશન અન્ય દેશોમાં નિષ્ફળ નિવડી છે, પણ વીચેટ અને ટિક ટોક એપ્સ સફળ રહી હતી. ૨૦૧૮માં ટિક ટોકે એક અબજ ડોલરમાં મ્યુઝિકલ ડોટ એલવાય નામની કંપની ખરીદી લીધી હતી. પરિણામે આ કંપનીના ૨૦૦ મિલિયન યુઝર્સ ટિક ટોકમાં ભળી ગયા હતા. આ પગલાં પછી ટિક ટોકની પ્રગતિ ખૂબ ઝડપી બની ગઈ હતી.
૨૦૧૬માં શરૂ થયેલી ટિક ટોક એપને ૨૦૨૦ સુધીમાં ૮૫૦ મિલિયન લોકો ડાઉનલોડ કરી ચૂક્યા હતા. ૨૦૨૪ના અંતે ટિક ટોકના ૧.૮ અબજ વપરાશકારો હતા. ટિક ટોકની વાર્ષિક આવક ૨૦૧૮માં ૦.૧૫ અબજ ડોલરની હતી, જ્યારે ૨૦૨૩ના અંતે તે ૧૬.૧અબજ ડોલર પર પહોંચી હતી. ટિક ટોક પર સૌથી વધુ કમાતી ૨૦ વર્ષની યુવતીનું નામ ચાર્લી ડી'એમિલીઓ છે. 'ફોર્બ્સ'ના લિસ્ટ અનુસાર સૌથી વધુ કમાતા સોશિયલ મીડિયા ક્રિયેટર્સની વૈશ્વિક યાદીમાં તે ચોથા નંબર પર છે. ફિમેલ ક્રિયેટરમાં તે વિશ્વમાં ટોપ પર છે.