સાયબર હુમલાઓ કરવા માટે AIનો ઉપયોગ વધતો જવાનો છે
- પાસવર્ડ હેક કરવા માટે મહત્તમ પ્રયાસો થાય છે
- પ્રસંગપટ
- ઇન્ટરનેટના વપરાશકર્તાઓ હજુ જાગૃતિના અભાવથી પીડાય છેઃ હેકર્સ તેનો બરાબર ગેરલાભ ઉઠાવે છે
ભારતમાં જાન્યુઆરી અને ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ઇન્ટરનેટ વપરાશકર્તાઓને ૪ કરોડથી વધુ ધમકીઓ મળી હતી, અને તેમાંની મોટા ભાગની ધમકી આપનારાઓને પકડી પાડવામાં આવ્યા હતા. ફાઇલ-લેસ માલવેર અને સોશિયલ એન્જિનીયરિંગ ભારતના વપરાશકર્તાઓ માટે સાયબર ખતરા પેદા કરે છે.
૨૦૨૪માં ભારતમાં લગભગ દર ત્રણમાંથી એક ઇન્ટરનેટ યુઝરને નિશાન બનાવવામાં આવ્યો હતો. તેમાંની ૮૦ ટકા ધમકીઓ પરોક્ષ હતી, એટલે કે વપરાશકારને તેનો ખ્યાલ પણ નહોતો આવ્યો. ગયા વર્ષે જાન્યુઆરી અને ડિસેમ્બર વચ્ચે, ભારતના વપરાશકર્તાઓના કમ્પ્યુટર પર ૪૪,૩૭૨,૮૨૩ ઇન્ટરનેટ-આધારિત સાયબર ખતરા શોધી કાઢવામાં આવ્યા હતા. આ માહિતી સાયબર સુરક્ષા નેટવર્ક દ્વારા પ્રાપ્ત થયેલા અને પ્રક્રિયા કરાયેલા ડેટા પર આધારિત છે.
આ નેટવર્ક એક જટિલ વિતરિત માળખાગત સુવિધા છે. વિશ્વભરના લાખો સ્વૈચ્છિક સહભાગીઓને સાયબર સુરક્ષા-સંબંધિત ડેટા સ્ટ્રીમ્સનાં ટૂલ્સ પૂરાં પાડવામાં આવે છે. એવા વપરાશકર્તાઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવે છે જેમણે તેમના કમ્પ્યુટર પર સાયબર સુરક્ષા સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે અને સ્વેચ્છાએ માહિતી શેર કરી છે. સાયબરથ્રેટ લેન્ડસ્કેપ પર વ્યાપક માહિતી પહોંચાડવા માટે નિષ્ણાતો વિશ્લેષણ, બિગ ડેટા અને મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે.
૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪માં ભારતમાં સાયબર ધમકીના વ્યાપમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો છે. ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪માં ધમકીની ઘટનાઓમાં ૫% ઘટાડો થયો હતો. ૨૦૨૩માં, જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ૩૩.૬% વપરાશકર્તાઓ પર વેબ સંબંધિત ધમકીઓના હુમલા થયા હતો. આ સમયગાળામાં ૬૨,૫૭૪,૫૪૬ વપરાશકર્તાઓને વિવિધ સાયબર ધમકીઓ મળી હતી.
અહેવાલો એ પણ દર્શાવે છે કે બ્રાઉઝર્સ દ્વારા થતા હુમલા એ વાઇરલ પ્રોગ્રામ્સ ફેલાવવાનો મુખ્ય માર્ગ છે. ફાઇલ-લેસ માલવેર એ સાયબર ધમકીનો સૌથી ખતરનાક પ્રકાર છે, કારણ કે તેનો વાઇરલ કોડ શોધવો અને તેનો પ્રતિકાર કરવો મુશ્કેલ છે. ૨૦૨૪માં ફિશિંગ, રેન્સમવેર અને છૈં-સંચાલિત ધમકીઓ જેવી સાયબર થ્રેટ્સ જોવા મળી હતી.
સદભાગ્યે ભારતમાં સાયબર ધમકીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે સાયબર ધમકીઓ પ્રત્યે જાગૃતિમાં વધારો થયો છે અને સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ દ્વારા મજબૂત સાયબર સુરક્ષા પગલાંનું અમલીકરણ થયું છે. એ વાત અલગ છે કે સત્તાવાર સુરક્ષા અમલીકરણના વૈશ્વિક રેન્કિંગમાં, ભારત ૨૦૨૩માં ૭૨માં ક્રમે હતું, પણ ૨૦૨૪માં ઘટીને તે ૭૬માં ક્રમ પર આવી ગયું હતું.
સાયબર થ્રેટ્સની ઘટનાઓમાં ઘટાડો થવાનો અર્થ એ નથી કે આપણે સાયબર સુરક્ષા પ્રત્યે નિશ્ચિંત થઈ જવાનું છે. માલવેર જનરેટ કરવા અથવા ફિશિંગ હુમલાઓ શરૂ કરવા માટે છૈં ટૂલ્સનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી કંપનીઓ અને વ્યક્તિગત વપરાશકર્તાઓએ સતર્ક રહેવાની જરૂર છે જ. સાયબર ગુનેગારો હવે ઇન્ટરનેટ આધારિત નવી ટેકનોલોજી સાથે કામ કરી રહ્યા છે
૨૦૨૫માં AI-આધારિત હુમલાઓ તેમજ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓમાં વિક્ષેપો વધશે તેવો ડર છે. આ જોખમોનો સામનો કરવા માટે, સાયબર ક્રાઇમ સામે યોગ્ય વ્યૂહરચનાઓ અપનાવીને જોખમોને આગોતરા દૂર કરે અને હુમલાઓનો પ્રતિકાર કરે તે જરૂરી મનાય છે.
સાયબર હુમલા બાબતે જાગૃતિ જેટલી વધે એટલી ઓછી જ છે. અજાણી લિન્કથી દૂર રહો, વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપતી લિન્ક્સને તો સાત ગજ છેટેથી નમસ્કાર કરી દો. પાસવર્ડ અતિ મહત્ત્વના છે. તમે બેંકમાં કે ક્રેડિટ કાર્ડમાં જે નામો કે તારીખોને ઉલ્લેખ કર્યો છે તેનો પાસવર્ડમાં ઉપયોગ ના કરો. સાયબર હુમલાઓમાં સામાન્યપણે પાસવર્ડને સૌથી પહેલાં હેક કરવામાં આવે છે.