ક્રૂડમાં મંદીનો માહોલઃ ઈઝરાયલ-હમાસના યુદ્ધ પૂર્વેના સ્તરે બજારભાવ ઉતરી ગયા.
પ્રસંગપટ
ચીનના અર્થતંત્ર વિષયક છાશવારે બહાર આવતા આકંડાઓ નબળા આવતા રહ્યા છે
ક્રૂડતેલના ઉત્પાદન તેમ જ સ્ટોકમાં વૃદ્ધિ અંગે મહિનાના અંતભાગમાં મળનારી ઓપેકની મિટિંગ પર હવે બજારની નજર
ક્રૂડતેલની વૈશ્વિક બજારમાં તાજેતરમાં અનિશ્ચિત ચાલ જોવા મળી છે. ઈઝરાયલ તથા હમાસના યુદ્ધના ભણકારા તાજેતરમાં વાગી રહ્યા હતા ત્યારે એવું જણાતું હતું કે ક્રૂડતેલના ભાવ ઝડપી ઉછળી બેરલના ૧૦૦ ડોલર થઈ જશે પરંતુ હકીકતમાં ભાવ વધવાના બદલે ઝડપી ગબડી ૩ મહિનાના તળિયે ઉતરી જતાં ક્રૂડના વાયદા બજારમાં તેજીવાળાઓ ઉંધતા ઝડપાયા હતા તથા બજારના ખેલાડીઓમાં પણ વ્યાપક ચકચાર સંભળાઈ હતી. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ઉંચામાં ૯૭ ડોલર સુધી પહોંચ્યા હતા. ત્યારે એવો માહોલ સર્જાયો હતો કે જાણેજોતજોતામાં ભાવ ત્રણ આંકડામાં પહોંચી જશે, પરંતુ બજાર ભાવ ૯૭ ડોલરથી આગળ વધતા અટકી ઝડપી ગબડતા જોવા મળતા મંદીવાળાઓ માટે મોકળું મેદાન મળી ગયું હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવબેરલના ૯૭ ડોલરથી તૂટી નીચામાં તાજેતરમાંએક તબક્કે ૭૮ડોલરની અંદર જતા રહ્યા હતા. ક્રૂડતેલના ભાવમાં ટૂંકા ગાળામાં આવી ઝડપી પીછેહટ આ પૂર્વે જોવા મળી નથી એવું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું. ક્રૂડ તેલ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ હકીકતમાં માગની મંદીના પગલે ક્રૂડના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા છે. ચીનના અર્થતંત્ર વિષયક છાશવારે બહાર આવતા આકંડાઓ નબળા આવતા રહ્યા છે. ચીનની સરકાર અર્થંતંત્રને પીઠબળ આપવા વિવિધ પગલાંઓ જો કે ભરતી રહી છે પરંતુ આમ છતાં ચીનમાં આર્થિક સ્થિતિ ચિંતાજનક રહેતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ખાસ કરીને ચીનની નવી ખરીદી ધીમી પડી ગયાના વાવડ મળ્યા હતા.
ઈઝરાયલ તથા હમાસ વચ્ચેના સંઘર્ષની અસર ક્રૂડતેલ બજાર પર જોવા મળી નથી અને વોર પ્રીમિયમના બદલે ડિસ્કાઉન્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયલ તથા હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું એ પૂર્વે વિશ્વ બજારમાં ક્રૂડતેલના જે ભાવ બોલાતા હતા તેના કરતાં પણ તાજેતરમાં ભાવ નીચા ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.
ઈઝરાયલ-હમાસના સંઘર્ષ છતાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના પુરવઠાપર તથા હેરફેર પર કોઈ પ્રતિકૂળ અસર જણાઈ નથી અને સામે નવી માગ ધીમી પડતાં બજારભાવ સતત દબાણ હેેઠળ જોવા મળ્યા હતા. જોકે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની માગ આગળ ઉપર ઉંચી રહેવાની શક્યતા છે. અમેરિકામાં તાજેતરમાં ફુગાવો કન્ટ્રોલમાં આવી રહ્યાના સંકેતો મળ્યા હતા અને તેના પગલે ત્યાં હવે પછી વ્યાજના દરો વધવાના બદલે ઘટાડા પર રહેવાની આશા બંધાઈ છે. આના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા અમેરિકાના બોન્ડની યીલ્ડમાં પીછેહટ થતાં વિશ્વ બજારમાં ક્રૂડ સહિત વિવિધ કોમોડિટીઝની બજારોને નીચા મથાળે તાજેતરમાં નવો સપોર્ટ મળતો થયો છે. જો કે આવા સપોર્ટમાં સોના, ચાંદી, કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમ વિ. ના ભાવ નીચા મથાળેથી ખાસ્સા ઉંચકાયા હતા જ્યારે તેની સરખામણીએ વૈશ્વિક ક્રૂડતેલના ભાવ નીચા મથાળેથી વિશેષ વધવાના બદલે સ્થિર થવા મથતા જોવા મળ્યા હતા. આ પૂર્વે અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૧૧૫થી ૧૨૦ લાખ બેરલ્સ વધી ગયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટ દ્વારા જણાવાયું હતું અને તેની અસર વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પર વિપરીત પડી હતી. આ દરમિયાન, ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી તથા ક્રૂડના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે આગળ ઉપર ક્રૂડતેલની વૈશ્વિક માગ આ વર્ષે તથા આવતા વર્ષે ઉંચી જવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. દરમિયાન, યુએસ એનર્જી વિભાગે ક્રૂડતેલનો વ્યુહાત્મક સ્ટોક વધારવા આશરે ૧૧ થી ૧૨ લાખ બેરલ્સ ક્રૂડની ખરીદી બે કંપનીઓ પાસેથી ખરીદયાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં ૧૧૫થી ૧૨૦ લાખ બેરલ્સની સ્ટોક વૃદ્ધી પછી તાજેતરપમાં આવા સ્ટોકમાં વધુ આશરે ૧૩ લાખ બેરલ્સની વૃદ્ધી થઈ થઈ હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વના વિવિધ ક્રૂડતેલના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની નવેમ્બરના અંત ભાગમાં મલનારી મિટિંગ પર વિશ્વ બજારની નજર રહી હતી. ધી ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ ક્રૂડતેલની દૈનિક વૈશ્વિક માગ વધી આગળ ઉપર ઉંચી રહેવાની શક્યતા છે. આની સામે ઈરાકના ઓઈલનો પુરવઠો દૈનિક પાંચ લાખ બેરલ્સ વધશે એવાં સંક્તો પણ મળ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક તથા ઉત્પાદન પણ વધ્યાના સમાચાર મળ્યા હતા.