વિવિધ તેલિબિયાનું ઉત્પાદન છ વર્ષમાં વધારી 700 લાખ ટન કરવાનો લક્ષ્યાંક
- પ્રસંગપટ
- ખાદ્યતેલોની 63 ટકા માગ આયાત મારફત પૂરી થતી જોવા મળી
- કૃષિ મંત્રાલય દ્વારા જનતા કયા ખાદ્યતેલોનો વપરાશ વધુ કરે છે એ વિષય પર સર્વે શરૂ કરાયાના નિર્દેશો
દેશમાં કૃષી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતી જોવા મળી છે. જોકે આવા માહોલમાં પણ ઘણી કૃષી ચીજોમાં ઘરઆંગણે ઉત્પાદન કરતાં માગ વધુ રહેતાં વિવિધ કૃષી ચીજોની આયાત તાજેતરમાં વધતી જોવા મળી છે અને તેના પગલે સરકાર આવી કૃષી ચીજોનું ઉત્પાદન ઘરઆંગણે વધારવા વિવિધ પ્રયત્નો કરતી થયાના વાવડ તાજેતરમાં વહેતા થયા હતા. દેશમાં ખાસ કરીને ખાદ્યતેલોની તથા વિવિધ કઠોળની આયાત તાજેતરમાં વધી હોવાના સમાચાર આવ્યા હતા. આવી આયાતો ઘટાડવા ઘરઆંગણે આ ચીજોનું ઉત્પાદન વધારવું જરૂરી બન્યું છે. દેશમાં પામની ખેતી વધારવા સરકારે ગંભીર પ્રયત્નો શરૂ કર્યા હતા. દક્ષિણ ભારતમાં તથા ખાસ કરીને તેલંગણામાં પામની ખેતીનો વિસ્તાર વધારવા સરકાર પ્રયત્નો કરતી જોવા મળી છે. જોકે આ પ્રયત્નો આગળ ઉપર કેટલા સફળ થાય છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, દિલ્હીથી મળતા સમાચાર મુજબ કેન્દ્રના કૃષી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં વપરાશકારો કયા ખાદ્યતેલોનો વધુ ઉપયોગ કરે છે તથા કયા ખાદ્યતેલોનો ઓછો વપરાશ કરે છે એ વિશે વિગતો મેળવવા એક સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વે મારફત એક વાત સ્પષ્ટ થશે કે વપરાશકારો કયા ખાદ્યતેલોનો વધુ વપરાશ કરે છે. અને આના આધારે આવા ખાદ્યતેલોનું ઉત્પાદન ઘરઆંગણે વધે એ દિશામાં સરકાર પગલાં ભરશે એવું આ સૂત્રોએ જણાવ્યું હતું. વપરાશકારો કયા ખાદ્યતેલોનો વપરાશ વધુ કરે છે એ નક્કી થશે કે તુરંત આવા ખાદ્યતેલો જે તેલિબિંયામાંથી મળે છે એ તેલીબિયાંનું ઉત્પાદન ઘરઆગણે વધે એ દિશામાં સરકાર પગલાં ભરશે એવું આ સૂત્રોએ જણાવ્યું હતું.
નવમી જાન્યુઆરીથી તાજેતરમાં આ સર્વે કૃષિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તથા આ સર્વે ૨૩મી ફેબુ્રઆરી સુધી ચાલુ રાખવામાં આવનાર છે. આ પછી કૃષી મંત્રાલયનું સ્ટેટીકસ વિભાગ એક્ટીવ બનશે તથા આ વિભાગ દ્વારા આ સર્વે મારફત મેળવાયેલા આંકડાઓ તથા વિગતોનું એનાલીસીસ કરવામાં આવશે તથા તેના આધારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવનાર છે.
આ પૂર્વે ખાદ્યતેલોની આયાત ઘટાડવા તથા ઘરઆંગણે તેનું ઉત્પાદન વધારવા સરકારે ૨૦૨૪ના ઓકટોબર મહિનામાં રૂ.૧૦૧૦૩ કરોડનું નેશનલ મિશન ઓનએડીબલ ઓઈલ (ઓઈલ સીડસ)ની રચના કરી હતી. હવે ઉપરોક્ત સર્વેના આધારે જ્યારે એ વાત સ્પષ્ટ થશે કે દેશની જનતા કયા ખાદ્યતેલોનો વધુ વપરાશ કરે છે ત્યારે તેના આધારે આ નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ (ઓઈલ સીડસ)માં અણુક ફેરફારો કરી શકાશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
આ મિશનમાં હવે પછીના છ વર્ષ પર ફોક્સ કરવામાં આવનાર છે તથા આના પગલે દેશમાં તેલિબિંયાનું ઉત્પાદન વધારવા વ્યાપક લક્ષ્યાંકો બનાવવામાં આવનાર છે. દેશમાં વિવિધ તેલિબિયાનું ઉત્પાદન ૨૦૨૨-૨૩ના વર્ષમાં આશરે ૩૯૦ લાખ ટન આસપાસ નોંધાયું હતું તે ઉત્પાદન છ વર્ષમાં વધારી ૨૦૩૦-૩૧ સુધીમાં ૬૯૭ લાખ ટન સુધી પહોંચાડવાનો ટારગેટ સરકારે બનાવ્યો છે. ઘરઆંગણે પામતેલનું ઉત્પાદન વધારવા એનએમઈઓ-ઓપ (ઓઈલ પામ) મિશન બનાવવામાં આવ્યું છે. આ મિશન સહિતના વિવિધ પગલાંઓના આધારે દેશમાં વિવિધ ખાદ્યતેલોનું કુલ ઉત્પાદન ૨૦૩૦-૩૧ સુધીમાં વધારી ૨૫૪થી ૨૫૫ લાખ ટન સુધી લઈ જવાનું લક્ષ્યાંક સરકારે બનાવ્યું છે. આમ થશે તો ૨૦૩૦-૩૧ સુધીમાં દેશમાં વિવિધ ખાદ્યતેલોની જેટલી કુલ માગ હશે તે માગની આશેર ૭૨ ટકા માગ ઘરઆંગણાના ઉત્પાદન મારફત સંતોષી શકાશે એવો ટારગેટ સરકારે બનાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.તળવાની પ્રક્રિયા પુરી થયા પછી આવા ખાદ્યતેલોનો ફરી વપરાશ કેટલો કરવામાં આવે છે એ વિશે પણ આ સર્વેમાં વિગતો મેળવવામાં આવી રહી છે.
સરકારે માગ જીઓવીના પ્લેટફોર્મ મારફત આ સર્વે હાથ ધર્યો છે ત્યારે બજારના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં જે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા હશે તે લોકો જ આ સર્વેમાં જોડાઈ શકશે એ જોતાં આ સર્વેની અસરકારકતા વિશે પ્રશ્નો પણ ઊભા થયા છે. દેશમાં ૨૦૨૩-૨૪ના તેલ વર્ષમાં નવેમ્બરથી ઓકટોબરના ગાળામાં વિવિધ ખાદ્યતેલોની કુલ આયાત ૧૫૯થી ૧૬૦ લાખ ટન આસપાસ નોંધાઈ છે. આટલી આયાત માટે આશરે ૧૬ અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દેશમાં ખાદ્યતેલોની કુલ માગ ૈપૈકી આશરે ૬૧થી ૬૩ ટકા માગ આયાત મારફત પૂરી થતી જોવા મળી છે.