For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નક્સલવાદની પૂંછડી બચેલી છે છત્તીસગઢમાં સફાયાની શરૂઆત

Updated: Apr 20th, 2024

નક્સલવાદની પૂંછડી બચેલી છે છત્તીસગઢમાં સફાયાની શરૂઆત

- નક્સલવાદને હજુ વધારે ગંૂગળાવીને ભીંસમાં લેવાશે

- પ્રસંગપટ

- ગાઢ જંગલો સુધી શસ્ત્રો કેવી રીતે પહોંચે છે અને તે ચલાવવાની તાલીમ કોણ આપે છે તે તપાસનો વિષય છે

 જ્યારે જ્યારે નક્સલવાદીઓ કે ત્રાસવાદીઓ પર સલામતી રક્ષકો હુમલો કરીને તેમના છૂપા અડ્ડા પર કબ્જો કરી લે છે ત્યારે ત્યાંથી જપ્ત થયેલાં શસ્ત્રોના પ્રદર્શનની તસવીરો પછી સમાચાર માધ્યમોની સામગ્રી બને છે. તેમાં આધુનિક મશીનગન, રોકેટ લોંચર,  હાથેથી ફેંકવાના બોંબ, રોકેટ વેગેરે હોય છે. ૧૬ એપ્રિલે છત્તીસગઢના કાંકર જીલ્લામાં નક્સલવાદીઓના  છૂપા અડ્ડા પર સિક્યોરિટી ફોર્સે હુુમલા કરીને ૨૯ નક્સલવાદીઓને ઢાળી દીધા હતા.

સિક્યોરિટી ફોર્સનું આ સૌથી અસરકારક ઓપરેશન હતું. અબુ ઝમાદના જંગલોમાં સિક્યોરિટી ફોર્સની લાંબા સમય સુધી ગેરહાજરી હોવાથી નક્સલવાદીઓે અહીં મજબૂત પકડ ઊભી કરી શક્યા હતા. કાંકર જીલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા જંગલોમાં કોઇ જઈ શકતું નહોતું. ત્યાં કાર કે ટ્રક જઈ શકે એમ નહોતા, કેમ કે રસ્તાઓ ખોદી નાખવામાં આવતા હતા. ૪૦૦૦ સ્કેવર કિલોમીટરમાં પથરાયેલાં આ જંગલો ગોવા રાજ્ય કરતાં પણ વધુ વિસ્તાર ધરાવે છે. 

આ જંગલોમાંથી નક્સલવાદીઓ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અવરજવર કરતા રહ્યા છે. છત્તીસગઢમાં ભાજપની સત્તા આવી છે ત્યારથી આ જંગલોમાં પ્રવેશના બે માર્ગો પર ચોકી ગોઠવી દેવાઇ હતી. તેને કારણે નક્સલવાદીઓના છૂપા અડ્ડાની માહિતી  મળી શકી હતી અને પછી તેના પર હુમલો કરાયો હતો. ગયા રવિવારે એક ચૂંટણીસભામાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ભારતમા નક્સલવાદની એક પૂંછડી બાકી રહી ગઇ છે, જે   છત્તીસગઢમાં છે. એનો ટૂંક સમયમાં અંત કરી દેવામાં આવશે. અમિત શાહે કહ્યું તેના બે જ દિવસ પછી સિક્યોરિટી ફોર્સે હુમલો કર્યો હતો.

સરકાર આગામી ત્રણ વર્ષમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવા માગે છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૭૯ નક્સલવાદીઓનો ખાત્મોે બોલાવાયો છે. સત્તાવાળાઓએ આ વખતે વ્યૂહરચના બદલી હતી. જંગલોમાં જતા સામાનના પર પાક્કી નિગરાની રખાઇ હતી.

૧૬ એપ્રિલે સિક્યોરિટી ફોર્સે હુમલો કરીને નક્સલવાદીઓને મેસેજ આપી દીધો છે કે શસ્ત્રો હેઠા મૂકીને શરણે આવો, નહીંતર અમારી ગોળીઓ તમને નહીં છોડે.

સામે પક્ષે, નક્સલવાદીઓ ખાઇ બદેલા છે. તેમની પાસે આધુનિક શસ્ત્રો છે અને સરકારવિરોધી વિચારો ધરાવતા યુવાનો છે. જંગલોમાં રહેતા લોકોના એક વર્ગનો તેમને સાથ છે. સિક્યોરિટી ફોર્સના અધિકારીઓ કહે છે કે નક્સલવાદીઓ વળતો હુમલો કરી શકે છે, કેમ કે તેમના પાસે પૂરતાં શસ્ત્રો છે અને ઝનૂની સાથીઓ છે. 

આ વખતે સત્તાવાળાઓએ જંગલના તમામ એન્ટ્રી પોઇન્ટ પર વોચ ગોઠવીને તેમને મળતાં શસ્ત્રો, ફૂડ આઇટમ વગેરે પર બ્રેક મારી દીધી છે. સત્તાવાળાઓ તેમને હજુ વધુ ગંૂગળાવીને ભીંસમાં લેવા માગે છે. ગાઢ જંગલો સુધી અત્યંત આધુનિક શસ્ત્રો કેવી રીતે પહોંચે છે અને આ શસ્ત્રો  ચલાવવાની તાલીમ તેમને કોણ આપે છે જેવા મહત્ત્વના પ્રશ્નો સિક્યોરિટી ફોર્સ હજુ સુધી ઉકેલી શકી નથી.

આઝાદ ભારતમાં નક્સલવાદ મારફતે કેટલાંક તત્ત્વો પોતાનો કક્કો ખરો કરવા મથે તે સત્તાવાળાઓ માટે પડકાર સમાન છે. નક્સલવાદીઓ હુમલા ચાલુ રાખીને વ્યૂહરચના બદલ્યા કરે છે, પરંતુ આ વખતે સરકાર પહેલાં કરતાં વધુ કાબેલ પૂરવાર થઇ છે. એક જ દિવસમાં ૨૯ નક્સલવાદીઓને ઢાળી દીધા પછી સિક્યોરિટી ફોર્સ વધુ આત્મવિશ્વાસ સાથે કામ કરી રહી છે.   નક્સલવાદીઓની દરેક ચાલને સિક્યોરિટી ફોર્સ ખોટી પાડી રહી છે. જેમ કે, નક્સલવાદની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં તત્ત્વોને પકડવામાં આવે ત્યારે તેમને ખોટી રીતે પકડવામાં આવ્યા છે એવી દલીલો કરીને મહિલાઓને આગળ રાખી આંદોલન કરતા લોકો સામે પણ પોલીસ કડક હાથે કામ લેશે. 

પહેલી એપ્રિલે સિક્યોરિટી ફોર્સે ૧૩ નક્સલવાદીઓનો ખાત્મો બોલાવ્યો ત્યારે કેટલાક ચળવળકારોએ ફેક એન્કાઉન્ટર તરીકે ખપાવીને વાંધો ઉઠાવ્યો હતો. કેટલાક કિસ્સામાં સિક્યોરિટી ફોર્સને બદનામ કરાય છે. એવો આક્ષેપ થતો રહ્યો છે કે  નક્સલવાદને રાજકીય પોષણ મળવાથી તે મજબૂત થયો છે અને નિર્દોષોની હત્યા કરીને સમાજમાં તેઓ પોતાનો ડર ઊભો કરી શક્યા છે.

Gujarat