બેઉ બળીયા બાથે વળગ્યા : મસ્ક અને મુકેશ વચ્ચેની સ્પેક્ટ્રમ માટે લડાઈ
- ભારત સરકારે હરાજીની સિસ્ટમ રદ કરી
- પ્રસંગપટ
- સ્પેક્ટ્રમની ફાળવણીમાં ઇનોવેશનના મામલે સમૃદ્ધ એવાં સ્ટાર્ટઅપ્સને જોડવાં જોઇએ
- મુકેશ અંબાણી
- ઇલોન મસ્ક
બેઉ બળીયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથીયો... આ પ્રભાતિયાથી સૌ પરિચિત છે.જ્યારે બે તાકાતવર વ્યક્તિઓ લડે છે ત્યારે લોકોની નજર તેમના તરફ ખેંચાય તે સ્વાભાવિક છે. અહીંં જે બે બળીયાની વાત થઈ રહી છે તે વિશ્વના ટોપ ટેન અબજોપતિમાં સ્થાન પામતી અતિ ધનાઢ્ય વ્યક્તિઓ છે - ટેસ્લા અને સ્પેસએક્સના ઇલોન મસ્ક અને ભારતના રિલાયન્સ કિંગ મુકેશ અંબાણી.
આ બંને મહારથીઓ પોતપોતાના દેશમાં સત્તાધારી રાજકરાણીઓ સાથે ખાસ્સી નિકટતા ધરાવે છે. અમેરિકાની આગામી ચૂંટણીમાં પ્રમુખપદ માટે લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મસ્કને સારી દોસ્તી છે. ટ્રેમ્પ તો ખુલ્લેઆમ કહે છે કે હું જીતીશ તો મસ્કને મારી નજીક રાખીશ. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી વચ્ચેની નિકટતાને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેટલીય વાર ટાર્ગેટ બનાવી ચૂક્યા છે.
ભારતમાં પોતાનું ધાર્યું થઈ શકશે એમ માનનારા ઇલોન મસ્કને પહેલો સેટબેક તેમની આધુનિક કાર ટેસ્લાના પ્રવેશ મુદ્દે મળ્યો હતો. ભારતે ડયુટી ફીનો પ્રશ્ન ઉઠાવીને ટેસ્લાને ભારત આવતા રોકી હતી. લાંબા સમય સુધી ભારતે મસ્કને મચક આપી નહોતી. અમેરિકન બાઇક હર્લી ડેવિડસનના કિસ્સામાં પણ ભારત કડક બન્યું હતું.
આજે વાત મસ્ક અને અંબાણી વચ્ચે ફાટી નીકળેલા સ્પેક્ટ્રમ વોરની છે. સ્પેક્ટ્રમની ફાળવણી વહીવટી રીતે કરવાના નિર્ણયને મસ્કે આવકાર્યો હતો અને ભારતની પ્રશંસા કરી હતી. ટેેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની મસ્કે પ્રશંસા કરી હતી. મસ્કની પ્રકૃતિ તડફડવાળી છે. એ પોતાની માલિકીના સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર બિનધાસ્તપણે પોતાનું મંતવ્ય રજૂ કરી દે છે. તેમણે સ્પેક્ટ્રમની હરાજી સિસ્ટમ સામે વિરોધ નોંધાવ્યો ત્યારે ભારત સરકાર સ્તબ્ધ થઇ ગઇ હતી. મસ્કનો વિરોધ સીધો જ રિલાયન્સના મુકેશ અંબાણીને સ્પર્શે છે. મસ્કે કહ્યું હતું કે સેટેલાઇટ બ્રોડબેન્ડની ફાળવણી માટે હરાજી કરાય તે યોગ્ય નથી. આ વાત હકીકતે તો ભારતની સ્પેક્ટ્રમ આપવાની નીતિની સીધી ટીકા સમાન છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ પ્રતિભાવ આપતાં તરત કહ્યું હતું કે અમે હરાજીથી ફાળવણી નહીં કરીએ, પણ વહિવટી પદ્ધતિ અપનાવીશું. વહિવટી પધ્ધતિમાં સ્પેકટ્રમ લેનારની કંપનીની ક્ષમતા, તેની જવાબદેહી વગેરેને ધ્યાનમાં લેવામાં આવશે.
જોકે ટ્રાઇના નિર્ણયની સામે રિલાયન્સ કંપનીએ વાંધો ઉઠાવીને કહ્યું હતું કે અમે ટ્રાઇના નિર્ણયને પડકારીશું. અહીં મહત્ત્વની વાત એ છે કે ટ્રાઇના નિર્ણય પછી સ્પેક્ટ્રમ માટેની સ્પર્ધા તીવ્ર બનશે.સ્પેક્ટ્રમ પર કન્ટ્રેલ કરવા માટે જે રીતે ઇલોન મસ્કે વાંધો ઉઠાવ્યો હતો તે જોતાં લાગે કે તેમની વાતમાં દમ છે, પરંતુ મુકેશ અંબાણીના મતે તે સ્પેક્ટ્રમની ફાળવણી માટે હરાજીની વર્ષોથી ચાલી આવતી પરંપરાને ફગાવી દેવી ન જોઈએ.
આ લડાઈ બેઉ બળીયાની છે એવું એટલા માટે કહ્યું છે કે અતિ મહત્ત્વાકાંક્ષી ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારત સાથે જેવા સાથે તેવા પગલાંનો અનુરોધ કરી ચૂક્યા છે. હર્લી ડેવિડસન એપિસોડમાં ભારતે તેમને હંફાવી દીધા હતા. આ કિસ્સામાં અમેરિકાની લોબી ભારતમાં નિષ્ફળ ગઇ હતી.
ભારતમાં ગઇ લોકસભાની ચૂંટણીના આગલા દિવસોમાં ઇલોન મસ્ક ભારતની મુલાકાતે આવવાના હતા. તેઓ ભારતમાં અબજો ડોલરના રોકાણની જાહેરાતો કરવાના હતા. તેમની અને વડાપ્રધાન મોદી વચ્ચેની મુલાકાત નક્કી થઈ ચૂકી હતી. આ મુલાકાત દરમ્યાન થનારાં રોકાણોની જાહેરાતની અસર લોકસભાની ચૂંટણીઓ પર થશે અને ભાજપને તેનાથી લાભ થશે એવી રજૂઆત વિપક્ષે કરી હતી. જોકે આ વિવાદ વચ્ચે મસ્કે અચાનક ભારત ન આવવાનો નિર્ણય જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા.
સ્પેક્ટ્રમની ફાળવણીમાં હકીકતે તો સ્ટાર્ટઅપને જોડવા જોઇએ. સ્ટાર્ટઅપ પાસે જે ઇનોવેશન હોય છે તે મોટી કંપનીઓ પાસે પણ હોતાં નથી. ભારતમાં ૬૩ જેટલાં ટેલિકોમ્યુનિકેશન્સ સ્ટાર્ટઅપ છે. જોકે તેમને સ્પેકટ્રમ ફાળવણીથી દૂર રાખવામાં આવી રહ્યા છે.
ઇલોન મસ્કના સ્ટારલિંક અને મુકેશ અંબાણીના રિલાયન્સ જીયો વચ્ચે ધાર્યા કરતાં વહેલી વોર શરૂ થઇ ગઇ છે. હવે જ્યારે બજારમાં ઇલોન મસ્કનું સ્ટારલિંક પ્રવેશી ચૂક્યું છે ત્યારે તે સ્પેક્ટ્રમ અંકે કરવા ઝંપલાવવા ઉત્સુક છે.