રસહીન થઇ છે ધરા, દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું: દરેક ક્ષેત્રે પોલંપોલ
- સરકારી હોસ્પિટલોનું મેનેજમેન્ટ સુધારવાની જરૂર
- પ્રસંગપટ
- રાજ્યોની સ્કૂલો અને હોસ્પિટલોમાં અચાનક ચેકિંગ કરીને સત્વરે ક્ષતિ પૂર્તિ કરવી જોઇએ
ઝાંસીમાં નવજાત શિશુઓ ભડથું થઇ ગયાં ત્યારે કોંગ્રેસના એક બહુ બોલકા પ્રવક્તાએ ભલે ભાજપની વિરૂદ્ધમાં નિવેદન કરવાની પોતાની ફરજ નિભાવી હોય, પરંતુ તેમણે બહુ સાચું કહ્યું હતું કે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ ચૂંટણી જંગના પ્રચારમાં જવાના બદલે ખરેખર તો દરેક રાજ્યમાં જઇને ત્યાંની સમસ્યાઓ જાણવાની જરૂર છે.
સાચું પૂછો તો દરેક રાજ્યના મુખ્યપ્રધાનને આ વાત લાગુ પડે છે. મુખ્યપ્રધાન ગમે તે પક્ષના હોય, સૌથી પહેલાં તો એ પ્રજાના સેવક છે. દરેક મુખ્યપ્રધાને રાજ્યોની સ્કૂલો અને હોસ્પિટલોમાં અચાનક ચેકિંગ કરીને જે-તે સ્થળની ક્ષતિઓને પ્રકાશમાં લાવવી જોઈએ અને ત્યાંની જરૂરિયાતો પૂરી પાડવી જોઇએ. રાજકીય પક્ષો સત્તા મળ્યા પછી પ્રજાને ભૂલી જાય છે. સૌ મોટી મોટી વાતો કરે છે, પણ પાયાના વર્કર તરીકેની ભૂમિકા ભજવતા નથી.
પ્રધાનોએ ચેકિંગ માટે વિજીલન્સ ટીમ બનાવી હોય છે. વિજીલન્સ ટીમ પણ લાગવગશાહી ચલાવતી હોય છે. પ્રધાનોની કેબિનની બહાર બહારગામથી આવેલા લોકોનાં ટોળાં ઉમટે છે, પણ તેમને અડધી ચા પીવડાવીને રવાના કરી દેવાય છે. કોઇ પ્રધાન તેમને મળવા સામેથી જાય તો નંદનવન જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. દરેક સ્તરે ભ્રષ્ટાચાર હોવાને કારણે ખાનગી સ્કૂલોને, ખાનગી હોસ્પિટલોને અને પ્રાઇવેટ ક્લાસીસને છૂટથી પરવાનગી મળી જતી હોય છે. જ્યારે આગ જેવી ગંભીર ઘટના બને ત્યારે થોડાઘણા લોકો જેલમાં ધકેલાય છે, પણ પછી કોઇ તે ઘટનાને યાદ પણ નથી કરતું.
કરૂણાંતિકાઓ ક્યાંય પણ બને, પણ તે જોઇને અન્ય રાજ્યો પણ સુધરવા તૈયાર નથી હોતા. સુરતમાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી આગમાં ૧૦ વિદ્યાર્થીઓે જાન ગુમાવ્યા હતા. તે વખતે રાજ્યમાં શિક્ષણ ક્લાસીસની તપાસ થઇ હતી, પરંતુ ત્યાર બાદ આ પ્રકારના ક્લાસીસમાં આગ લાગવાની એક ડઝન જેટલી ઘટનાઓ અન્ય રાજ્યોમાં બની ગઈ. છેલ્લે દિલ્હીના એક કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓને માંડ બચાવી શકાયા હતા.
દિલ્હીમાંથી પ્રાઇવેટ ટયુશન ક્લાસીસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલે છે. નાની ગલીઓ અને કોટડીઓમાં ક્લાસ ચાલતા હોય છે. કોઇ કારણસર ત્યાં આગ લાગે તો સાંકડી ગલીમાં ફાયર ફાઇટર પહોંચી પણ ન શકે તેવો ઘાટ હોય છે. તેમ છતાં આ ક્લાસીસની દીવાલો પર સત્તાવાળાઓે આપેલાં અપ્રુવલ સર્ટિફિકેટ્સ ફ્રેમ થઈને લટકતા હોય છે.
અહીં મૂળ વાત સત્તા પર રાજા બનીને બેઠેલા સેવકોની છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી વારંવાર ચૂંટાય છે તેની પાછળનું એક કારણ કદાચ એ છે કે તેનો દરેક પ્રધાન પોતપોતાને ભાગે આવેલાં ખાતાંમાં કડક પગલાં ભરે છે. લોકોની વચ્ચે જઇને ઊભા રહેવામાં હિંમત જોઈએ.
શિક્ષણ, આરોગ્ય અને સલામતીના મુદ્દે દરેક રાજકીય પક્ષે તેમના પ્રધાનો અને કાર્યકરોને દોડતા રાખવા જોઇએ. લોકોની ભૂલી જવાની બિમારીનો સૌથી વધારે દુરુપયોગ રાજકારણીઓ કરે છે.
અમદાવાદમાં એક સમયે ડોક્ટર હાઉસને સ્લોટર હાઉસની ઉપમા આપવામાં આવી હતી. હવે આવાં સ્લોટર હાઉસ દર ચાર રસ્તે જાવા મળી રહ્યા છે. ગર્ભપરીક્ષણ મેડિકલ એથિક્સની વિરૂધ્ધ હોવા છતાં તેનો ધીકતો ધંધો ચાલતો હતો. અંતે સરકારે ગર્ભ પરીક્ષણ પર પ્રતિબંધ મુકવો પડયો હતો. તેમ છતાં ખૂણેખાંચરે આ ધંધો આજે પણ ચાલે જ છે.
દર્દીઓને પરવડે તેવા ચાર્જ લેતી હોસ્પિટલોમાં ક્યાંતો ડેાક્ટર નથી હોતા અથવા તો એક્સરે જવાં મહત્વનાં મશીનો બગડી ગયેલાં પડયાં હોય છે. કાર્ડિયોગ્રામ મશીન તો લગભગ બંધ જ પડયું હોય છે. અહીં એ યાદ રાખવું જોઇએ કે આપણે ત્યાં જ્યાં પણ પ્રતિબંધ છે ત્યાં ભ્રષ્ટાચાર ફૂલેફાલે છે. ખાનગીમાં ગર્ભપરીક્ષણ કરતાં સેન્ટરો ચલાવનારા જાણે છે કે તેને કાને કોને સાચવવાના છે અને કોને બંધ કવરો મોકલવાના છે.
ઝાંસીની સરકારી હોસ્પિટલમાં નીયોનેટલ કેરમાં આગની લપેટમાં આવી ગયેલા ભુલકાંને માબાપ રમાડે તે પહેલાં જ તેઓ ઉપર પહોંચી ગયાં છે. નીટોનેટલ કેરમાં ક્ષમતા કરતાં લગભગ બમણી સંખ્યામાં નવજાત શિશુઓને દાખલ કરવામાં આવ્યાં હતાં.
આ દુ:સ્થિતિમાં આપણા કવિ કલાપીએ લખેલી પંક્તિઓ યાદ આવે છે....
રસહીન થઇ છે ધરા,
દયાહીન થયો નૃપ
નહીંતો ના બને આવું,
બોલી માતા ફરી રડી પડી...