કોઇએ યશવંત સિંહાને કહેવાનું હતું કે પીછેહઠ કરીને આબરૂ બચાવે
- ઉપરાષ્ટ્રપતિના જંગમાં પણ વિપક્ષી ઉમેદવાર હારશે
- પ્રસંગપટ
- રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમરસતા સધાઇ હોત તો વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ગૌરવ વધત
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમરસતા સધાઇ હોત તો વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ગૌરવ વધત, પરંતુ પોતાનું અસ્તિત્ત્વ બતાવવા ભારતનો વિરોધ પક્ષ સતત મથામણ કરતો આવ્યો છે. મોદી સરકારના દરેક પગલાંનો વિરોધ કરવાનું કલ્ચર વિપક્ષની છાવણીમાં ઊભું થઇ ગયું છે. આ વિરોધ કરવામાં દેશની ઇમેજ અને લોકોની લાગણીઓને સાઇડમાં ધકેલી દેવામાં આવી છે.
ગઇકાલે સોમવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું મતદાન શરૂ થયું ત્યાં સુધી એમ લાગતું હતું કે વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિંહા ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરીને સત્તાઘારી પક્ષ એનડીએેના ઉમેદવાર દ્રૈાપદી મૂર્મૂ માટે મેદાન મોકળું બનાવી દેશે, પરંતુ યશવંત સિંહા હારને ઊજવતા હોય એવી મુદ્રામાં ફરતા હતા. તેમણે દરેકને આત્માના અવાજને અનુસરીને મતદાન કરવા અનુરોઘ કર્યો હતો. ભારતના રાજકારણમાં આત્માનો અવાજ તો ભાગ્યેજ કોઇને સંભળાતો હોય છે. દરેક પોતાના મદમાં ફરતા હોય છે.
જેમ યશવંત સિંહા પહેલા દિવસથીજ હારેલા હતા એમ ઉપરાષ્ટ્પતિ પદના વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વા પણ હારવા માટે ઊભાં હોય એમ લાગે છે. દેશના કોઇ બુધ્ધિજીવીઓ મેદાનમાં આવીને એમ નથી કહેતા કે ચૂંટણીને સમરસ બનાવો અને સર્વ સંમતિથી દેશના સર્વોચ્ચપદને ચૂંટો.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ કરલું અવલોકન વાજબી છે કે હવે રાજકીય દુશ્મનાવટ વઘી છે. તેમણે આ વાત રાજસ્થાનમાં કહી હતી.
કેટલાક લોકોને હારવાનો શોખ હોય છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં યશવંત સિંહાની હાર શરુઆતથીજ નિશ્ચિત હતી એમ ઉપ રાષ્ટ્રપતિપદ માટે માર્ગેરેટ આલ્વાનું છે. માર્ગારેટ આલ્વા અનુભવી હોવા છતાં હારવા માટે ઉભા રહ્યા છે. યશવંત સિંહાએ દરેક રાજ્યમાં જઇને ટેકો મેળવવા પ્રયાસ કર્યો હતો. યશવંત સિંહાને એમ હતું કે તે રાષ્ટ્રપતિ બનીને વડાપ્રઘાનને પડકારી શકશે. યશવંત સિંહા અને નરેન્દ્ર મોદી વચ્ચેની કોલ્ડ વોરથી સંઘ અને ભાજપના નેતાઓ તેમજ વિરોઘ પક્ષના નેતાઓ પરિચિત છે.
બંને એક જ ગોત્ર એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હોવા છતાં સામસામે આવી ગયા હતા. સંઘમાં સિનીયોરિટી નથી ગણાતી પણ યશવંત સિંહા પોતાને સિનિયર ગણતા હતા એટલેજ વડાપ્રઘાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ પસંદ થયું ત્યારથી તેમને વાંકુ પડયું હતું.
જેમ દ્રૌપદી મૂર્મૂને મેદાનમાં ઉતારવાનો મોદીનો માસ્ટર સ્ટ્રોક કહેવાયો હતો એમ વિપક્ષના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારવા એ મમતા બેનરજીનો માસ્ટર સ્ટ્રોક હતો, પરંતુ મમતાનો માસ્ટર સ્ટ્રેાક મત ગણતરી સાથે મેળ ખાતો નહોતો.
સત્તા પર બેસવાની લાલસા યશવંત સિંહામાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. ઉમેદવારી પાછી ખેંચીને કે તેની જાહેરાત કરીને યશવંત સિંહા સ્પોર્ટસમેન સ્પિરીટ બતાવીને થોડી સહાનૂભૂતિ મેળવી શકત, પરંતુ હવે હારીને તે બદનામ થશે.
બે દિવસ અગાઉ જ પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે યશવંત સિંહાએ રાષ્ટ્રપતિ પદના જંગમાંથી નામ પાછું ખેંચી લેવું જોઇએ. ઉમેદવારી પાછી ખેંચવાની સત્તાવાર તારીખ ૨ જુલાઇ હતી. ત્યારે યશવંત સિંહાએ જાગી જવા જેવું હતું. તે જે પક્ષમાંથી આવે છે તે તૃણમૂલ કોંગ્રેસે જ યશવંત સિંહાના ટેકા માટે કોઇ પ્રયાસ નહોતો કર્યો.
દ્રોપદી મૂર્મૂને તેમના રાજ્ય ઓડિસાના પ્રાદેશિક અને સત્તાઘારી પક્ષ બીજેડીએ ટેકો આપ્યો હતો. અખિલેશ યાદવના ટેન્ટમાં પણ મૂર્મૂને ટેકો આપવા બાબતે બે ભાગ પડેલા છે. યશવંત સિંહાને આમ આદમી પાર્ટીએ ટેકો આપવાનું જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટી વન મેન શો જેવી છે. એક દિવસ અગાઉ વડાપ્રધાને રેવડી વહેંચનારા કહીને આપ પર નિશાન સાઘ્યું હતું. કહે છે કે એટલે જ કેજરીવાલે યશવંત સિંહાને ટેકેા આપવાની જાહેરાત કરી હતી.
રાષ્ટ્પતિ પદની ચૂંટણી માટે સોમવારે મતદાન હતું. જે રીતે દરેક રાજ્ય દ્રોપદી મૂર્મૂને ટેકો આપી રહ્યા છે તે જોતાં દેશને પ્રથમવાર એક મહિલા આદિવાસી રાષ્ટ્પતિ મળી શકશે. ૨૧ જુલાઇએ મત ગણત્રી કરાશે.
અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં રાષ્ટ્પતિ તરીકે ચૂંટાયેલા રામનાથ કોવિંદને ૧૦,૬૯,૩૫૮માંથી ૭,૦૨,૦૦૦ વોટ મળ્યા હતા, જ્યારે વિપક્ષના ઉમેદવાર મીરાં કુમારને ૩,૬૭,૦૦૦ વોટ મળ્યા હતા.