કોલસાની ડિમાન્ડ ઉદ્યોગ ક્ષેત્રે બદલાતા સમીકરણો
- પ્રસંગપટ
- ક્રૂડતેલના વધતા ભાવોની આડ અસર
- દેશમાં સિમેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષમતામાં થઈ રહેલી વૃદ્ધિઃ ત્રણથી ચાર વર્ષમાં ક્ષમતા ૭૨૫૦ લાખ થવાની શક્યતા
વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ તાજેતરમાં વધતા રહી ઉંચામાં ૯૪ ડોલર નજીક પહોંચી ગયા છે અને ક્રૂડતેલ ઉછળતાં વૈશ્વિક સ્તરે કોલસા સહિત ઉર્જાના વિવિધ ઘટકોના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. કોલસાના ભાવ વધતાં સિમેન્ટનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. ઉત્પાદન ખર્ચ વધતાં સિમેન્ટ ઉત્પાદકો તાજેતરમાં ભાવ વધારતા જોવા મળ્યા હતા. જો કે સરકારી તંત્રની નજર પણ સિમેન્ટના ભાવ તથા બજાર પર રહેતી જોવા મળી છે સિમેન્ટનો ઉત્પાદન ખર્ચ વધે અને ઉત્પાદકો ભાવ વધારે એ વાત નૈસર્ગિક રહી છે પરંતુ ઘણી વખત સિમેન્ટ ઉત્પાદકો આપસમાં કાર્ટેલ બનાવી સિન્ડીકેટ મારફત ભાવ વધાવતા હોવાની વાતો પણ સિમેન્ટ બજારમાં આ પૂર્વે સંભળાઈ હતી. આના પગલે સરકાર હવે આ સંદર્ભમાં સાવચેતી અપનાવતી થઈ છે. દરમિયાન, ભારતમાં સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે ઉત્પાદકોમાં કન્સોલીડેશનનો યુગ શરૂ થયો છે. સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે કાર્યશિલ મોટા ખેલાડીઓ મર્જર એન્ડ એક્વીઝીશન એમએન્ડએ મારફત નાના ખેલાડીઓની ઉત્પાદન ક્ષમતાને હસ્તગત કરી પોતાનો બજાર હિસ્સો વધારવા પ્રયત્નો કરતા જોવા મળ્યા છે. મોટા ખેલાડીઓની ઉત્પાદન ક્ષમતા વધતાં ઉત્પાદન ખર્ચ તેઓ કાબુમાં રાખી શકે છે એવું સિમેન્ટ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
દેશમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. બાંધકામ ક્ષેત્રે સિમેન્ટ મહત્ત્વનું પરીબળ છે અને સિમેન્ટના ભાવની વધઘટની અસર બાંધકામ ક્ષેત્રના ખેલાડીઓ પર પડતી હોય છે. દેશના સિમેન્ટ બજારોમાં તાજેતરમાં ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે અને સરકારી તંત્રની નજર પણ સિમેન્ટ બજાર પર રહી છે. સામાન્યપણે ચોમાસામાં વરસાદના દિવસોમાં દેશમાં બાંધકામ ક્ષેત્રે પ્રવૃત્તી તથા ચહલપહલ ધીમી પડતી હોય છે પરંતુ આ વર્ષે જુલાઈમાં વરસાદ સારો થયા પછી ઓગસ્ટમાં વરસાદની નોંધપાત્ર ગેરહાજરી જોવા મળી હતી અને હવે સપ્ટેમ્બરમાં ચોમાસાની ચાલ કેવી રહી છે તેના પર સિમેન્ટ બજારના ખેેલાડીઓની નજર રહી છે. દેશમાં ચોમાસા પર હાલ અલનીનોની અસર દેખાઈ રહી છે. વરસાદની અછત વચ્ચે બાંધકામ ક્ષેત્રે પ્રવૃત્તી આ વર્ષે ચોમાસું છતાં વિવિધ વિસ્તારોમાં જળવાઈ રહી છે તથા ચહલ પહલ પણ દેખાઈ છે. આના પગલે સિમેન્ટના ભાવ પણ તાજેતરમાં વધતા જોવા મળ્યા હતા. તાજેતરમાં વિવિધ મહિનાઓમાં સિમેન્ટના ભાવ વધતા જોવા મળ્યા હતા. દરમિયાન, સિમેન્ટ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં ભાવ વૃદ્ધી ધીમી રહ્યા પછી હવે સપ્ટેમ્બરમાં આવી ભાવ વૃદ્ધીને ફરી વેગ મળતો જોવા મળ્યો છે. સિમેન્ટ ઉત્પાદકો સામાન્યપણે નવા મહિનાના આરંભમાં ભાવ ઉંચા જાહેર કરે છે અને ઉંચા ભાવોએ ગ્રાહકો માલ ખરીદે છે કે નહિં તેના પર નજર રાખે છે. જો ઉંચા ભાવોએ માગમાં રૂકાવટ જણાય તો સિમેન્ટ ઉત્પાદકો પ્રાઈસ રાઈઝ રોલબેક કરતા હોવાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી. તાજેતરમાં દક્ષિણ ભારતના સિમેન્ટ બજારોમાંથી મળેલા સમાચાર મુજબ સિમેન્ટના ભાવમાં ગુણીદીઠ આશરે રૂ.૩૦થી ૩૫ની વૃદ્ધિ જોવા મળી છે. આની સામે પૂર્વ ભારતના સિમેન્ટ બજારોમાં આવી ભાવ વૃદ્ધી ગુણીદીઠ આશરે રૂ.૧૮થી ૨૦ જેટલી નોંધાઈ છેે. ઉત્તર-ભારતના સિમેન્ટ બજારોમાં આવી ભાવ વૃદ્ધી ગુણીદીઠ રૂ.૧૫થી ૨૦ જેટલી જોવા મળી છે. જો કે પશ્ચિમ ભારતમાં મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર વિ.રાજ્યોના સિમેન્ટ બજારોમાં આવી ભાવ વૃદ્ધી સરખામણીએ ઓછી કિલોના આશરે રૂ.૧૦થી ૧૫ જેટલી જોવા મળી છે.
જો કે એપ્રિલથી જૂનના ગાળામાં દેશમાં સિમેન્ટના ભાવ ઉંચા ગયા પછી તાજેતરમાં જુલાઈ તથા ઓગસ્ટમાં ભાવ વૃદ્ધીને બ્રેક વાગી હતી અને આ ગાળામાં અમુક વિસ્તારોમાં તો સિમેન્ટના ભાવ વધ્યા મથાળેથી ધીમો ઘટાડો પણ દર્શાવતા જોવા મળ્યા હતા. જુલાઈ-ઓગસ્ટમાં ઉત્તર ભારતના સિમેન્ટ બજારોમાં જોકે એપ્રિલથી જૂનની સરખામણીએ ભાવમાં ૫થી ૬નો વધારો જોવા મળ્યો હતો જ્યારે પશ્ચિમ ભારતના બજારોમાં આવી ભાવ વૃદ્ધી ગુણીદીઠ નજીવી રૂ.૩ જેટલી સરેરાશ જુલાઈ-ઓગસ્ટમાં જોવા મળી હતી. જોકે મધ્ય-ભારતના બજારોમાં સિમેન્ટના ભાવ આ ગાળામાં આશરે ૩ રૂપિયા નીચા ઉતર્યા હતા. દક્ષિણ ભારત તથા પૂર્વીય ભારતમાં ભાવમાં ગુણીદીઠ રૂ.૪થી ૫ની પીછેહટ ઓગસ્ટમાં રૂ.૧૦થી ૧૨ની પીછેહટ જુલાઈ-ઓગસ્ટમાં જોવા મળી હતી. દેશમાં ઓગસ્ટમાં વરસાદ ધીમો પડતાં સિમેન્ટ બજારોમાં ઓગસ્ટમાં વરસાદ ધીમો પડતાં સિમેન્ટ બજારોમાં ઓગસ્ટમાં માગ સારી રહી હતી. એવું બજારના બ્રોકરોએ જણાવ્યું હતું.