Get The App

બોંબની ધમકી આપનારાનું વિકૃત માનસઃ લોકોને ડરાવવાનો કારસો

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
બોંબની ધમકી આપનારાનું વિકૃત માનસઃ લોકોને ડરાવવાનો કારસો 1 - image


- છેલ્લા ત્રણ દિવસમાં બોંબ હોવાની એક ડઝનથી વધુ ધમકી 

- પ્રસંગપટ

- બોંબની ધમકી દમ વગરની જણાતી હોય તો પણ બોંબ સ્ક્વોડની મદદ લઈને સુનિશ્ચિત થવું જ પડે છે 

એક ડઝનથી વધુ ફલાઇટમાં બોંબ મુકાયા હોવાની બાતમીથી તંત્ર દોડતું થઇ ગયું હતું. બુધવારે સિવિલ એવિયેશન વિભાગને, પોલીસને, સુરક્ષા એજન્સીઓને દેશમાં જ નહીં વિદેશો સુધી દોડધામ કરવાનો વારો આવ્યો હતો. બુધવારે આઠ જેટલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના કોલ આવ્યા હતા. તેના કારણે દેશભરના વિવિધ એરપોર્ટ ઉપર તંગદિલી છવાઈ ગઈ હતી. મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ તાકીદે અમદાવાદ ડાઈવર્ટ કરીને તપાસ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં કશું જ મળ્યું ન હતું. તમામ ફ્લાઈટમાં કશું જ મળ્યું નહીં પણ લોકોના કલાકોનો સમય ખરાબ થયો અને તંત્ર તથા એજન્સીઓનો પણ સમય, શક્તિ અને નાણાનો વ્યય થયો. 

મંગળવારે તો દેશમાં આઠ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. તેમાં પણ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ હતી જેના કારણે કેનેડા અને સિંગાપુરમાં એલર્ટ જારી કરવાનો વારો આવ્યો હતો. 

ત્રણ-ત્રણ દેશમાં અફરાતફરી મચી ગઈ હતી. મદુરાઈથી સિંગાપુર જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીને કારણે સિંગાપુર દ્વારા બે એફ-૧૫ એસજી ફાઈટર પ્લેન મોકલવામાં આવ્યા હતા. આ ફ્લાઈટને કોર્ડન કરીને ચાંગી એરપોર્ટ ઉપર ઉતારવામાં આવી હતી.

કેટલાક લોકો મશ્કરી ખાતર આ પ્રકારની ધમકી આપતા ફોન કરતા હોય છે, તો કેટલાકનું માનસ વિકૃત હોવાથી તેઓ પોલીસ અને તંત્રને દોડતા કરીને  પિશાચી આનંદ મેળવે છે. પોતાના એક ફોનથી લાગતાવળગતાઓ કેવી દોડધામ કરે છે એ જાણીને આ તત્ત્વોને વિકૃત સંતોષ મળે છે. .

ત્રણ ફ્લાઇટમાં બોંબ હોવાની ધમકી આપનાર છત્તીસગઢના એક છોકરડાની પોલીસે ધરપકડ કરી છે. છોકરો આ ધમકીભરી પોસ્ટ પોતાના ફેક ફેસબુક એકાઉન્ટ પર મુકતો હોવાથી પકડાઇ ગયો હતો. 

આ છોકરાની પોલીસે ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે કોઈ મિત્ર સાથે  પૈસાની લેવડદેવડ માટે માથાકૂટ ચાલતી હતી, જે પ્લેનમાં બોંબ મૂકવાની ઠાલી ધમકી પાછળનું મુખ્ય કારણ હતું. મિત્રને ફેસબુક પર ધમકી આપ્યા કરતો આ છોકરો પછી વિમાનમાં બોંબની ધમકી આપીને પોતે કેટલો બાહોશ છે એમ બતાવ્યા કરતો હતો.

 તે ટીનેજર હોવાથી તેના પર જુવેનાઇલ કોર્ટમાં કામ ચલાવવામાં આવશે. આવો સામાન્ય છોકરડો વિમાનમાં બોંબ મૂકવાની ધમકી આપીને લોકોને ડરાવી શકતો હોય તો ગુનેગાર માનસ ધરાવતાં તત્ત્વો કેટલા પ્લાનિંગ સાથે ધમકી આપતા હશે! 

સ્થાનિક અને ઇન્ટરનેશનલ એમ બંને પ્રકારની ફ્લાઇટ્સને ધમકી આપનારાઓ ટાર્ગેટ બનાવે છે. બોંબની ધમકી આપનારાઓને શોેધવાનું કામ  આસાન ન જ હોય. ધમકી આપનારાઓ કાં તો ટેલિફોન બૂથનો ઉપયોગ કરે છે અથવા મોબાઈલનો ઉપયોગ કરીને તેના સિમ કાર્ડનો નાશ કરી દે છે. ઉડ્ડયન મંત્રાલયના રામમોહન નાયડુએ કહ્યું છે કે લોકોમાં ડર ફેલાવનારાઓને અમે ઓળખી કાઢીશું અને તેમની વિરુદ્ધ કડક પગલાં ભરીશું. ધમકી આપતા ફોનકૉલ કે ઇમેઇલને ટ્રેસ કરવાનું ભારતની સાયબર સિક્યોરિટી માટે બહુ કપરૃં બની રહ્યું છે.  

સાયબર સિક્યોરીટી એજન્સી હાથ જોડીને બેસી રહે છે એમ માનવાની જરૂર નથી. મોટે ભાગે આ પ્રકારની ધમકી નકલી પૂરવાર થતી હોય છે, તેમ છતાં તેને અવગણી શકાતી નથી. બોંબ સ્કોવ્ડની મદદ લઇને સુનિશ્ચિત થવું જ પડે છે. 

આ વખતે સરકાર બોંબની ધમકી આપનારા સામે વધુ કડક બની હોય એમ લાગે છે. અહેવાલો અનુસાર ધમકીભર્યા ફોન કરનારા ગુનેગારો પાંચ વર્ષ સુધી  કોઇ પણ ફ્લાઇટમાં પ્રવાસ કરી ન શકે તેવો કાયદો લાવવાની વિચારણા થઈ રહી છે. આ કાયદો ખાસ અસરકારક એટલા માટે નથી કે આ ગુનેગારો કંઈ ફ્રિકવન્ટ ફ્લાયર હોતા નથી. 

ફ્લાઇટ્સ ઉપરાંત સ્કૂલો, થિયેટર, શોપિંગ મૉલ્સ, મંદિરો જેવાં જાહેર સ્થળોએ આ રીતે  બોબ મૂકાયાની ધમકીઓ અવારનવાર મળતી હોય છે. બોંબની ધમકી આપનારા તત્ત્વોને એવી સજા થવી જોઈએ કે તેઓ હંમેશ માટે ખો ભૂલી જાય.  

Prasangpat

Google NewsGoogle News