Get The App

કુંભસ્નાન માટે માંડ ત્રણ ચાર મિનિટ : સુંદર ક્રાઉડ મનેજમેન્ટ

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
કુંભસ્નાન માટે માંડ ત્રણ ચાર મિનિટ : સુંદર ક્રાઉડ મનેજમેન્ટ 1 - image


- પ્રયાગરાજ જતી ફ્લાઇટના ભાવમાં 200 ટકાનો ઉછાળો

- સ્નાન માટે નીકળતા સાધુસંતોનાં દર્શન કરવા લાખો લોકો રસ્તાની બંને બાજુ શિસ્તબદ્ધ ઊભા રહે છે

- પ્રસંગપટ

કુંભમેળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ  તેમ વિશ્વભરના શ્રધ્ધાળુઓનો તેમાં રસ વધવા લાગ્યો છે. કેટલાય લોકો  પવિત્ર ડૂબકી મારીને આત્મબળ વધારવા માટે કુંભમેળામાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. શહેરોમાં ધાર્મિક સ્થળોએ કુંભમેળાના ચાર દિવસના મિની પ્રવાસના આયોજનનાં બોર્ડ ઝૂલતાં જોવા મળે છે. સાધારણ હરવાફરવાના સ્થળે જવાને બદલે હજારો પરિવારો કુંભમેળામાં જવાનું આયોજન કરી રહ્યા છે. 

કુંભસ્નાન માટે જબરદસ્ત હાઇપ પેદા થઈ ચૂકી છે. ચોરે ને ચૌટે સૌ કોઈ કુંભમેળાની ચર્ચા કરી રહ્યા છે. સામાન્ય રીતે ચૂંટણી પરિણામો કે કેાઇ હિટ ફિલ્મની ચર્ચા થોડાઘણા દિવસ ચાલે છે, પરંતુ કુંભમેળાની ચર્ચા લાગલગાટ ૪૫ દિવસ ચાલવાની છે. પ્રયાગરાજ જતી ટ્રેનોના બુકીંગ વેઇટિંગમાં ચાલે છે. મહત્ત્વનાં શહેરોથી પ્રયાગરાજની સીધી ફ્લાઇટ્સ અવેલેબલ હોવાથી લોકો વિમાનમાર્ગે જવાનું પસંદ કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, પ્રયાગરાજ જતી ફ્લાઇટ્સની ટિકિટોના દરમાં ૨૦૦ ટકાનો ઉછાળો નોંધાયો છે.  ભોપાલથી પ્રયાગરાજ જતી ફ્લાઇટના દર સામાન્યપણે ૨,૯૭૭ રૂપિયા હોયે છે, જે હાલ ૧૭,૭૯૬ રૂપિયા પર પહોંચ્યા છે. કુંભમેળામાં જઈને પાછા શી રીતે આવવું તેનું આગોતરું આયોજન પણ કરી નાખવું પડે છે. 

કુંભમેળો ફેબુ્રઆરી ૨૬ સુધી ચાલવાનો છે. કેટલાય શ્રદ્ધાળુઓ સ્નાન કરીને પાછા પણ આવી ગયા છે. તેઓ  પોતાની જાતને ધન્ય માને છે. આ શ્રદ્ધાળુઓ કુંભમેળાના વહીવટની પ્રશંસા કરતા થાકતા નથી.

કુંભમેળામાં આખી રાત ભીડ જોવા મળે છે. વહેલી સવારે સ્નાન માટે નીકળતા સાધુસંતોના ટોળાંનાં દર્શન કરવા માટે લાખો લોકો રસ્તાની બંને તરફ શિસ્તપૂર્વક ઊભા રહી જાય છે. ભભૂતી લગાડેલા નાગા બાવાઓના દર્શન માટે વિશેષ ભીડ જોવા મળે છે. ફોટોગ્રાફરો, પત્રકારો, યુટયુબરો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વગેરે માટે ખાસ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. 

કુંભમેળાના વહીવટકારો બરાબર જાણે છે કે રોજેરોજ આવતા નવા લાખો શ્રદ્ધાળુઓના સમાવવા હશે તો અગાઉ આવેલા શ્રદ્ધાળુઓને વહેલી તકે વિદાય આપવી પડશે. તેથી જ પ્રયાગરાજથી અન્ય શહેરોમાં જતી ટ્રેનો, ફ્લાઇટ્સ તેમજ પ્રાઇવેટ બસોનાં શિડયુલ છાપેલી પત્રિકાઓને વિતરિત કરવામાં આવે છે. લાખો લોકો રોજ આવતા હોય તો લાખો લોકોએ સ્થળ છોડવું પણ જોઇએ. આ સંતુલન જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. આયોજન એવું છે કે એ કવાર સ્નાન કરનાર શ્રદ્ધાળુએ ફરી સ્નાન કરવું હોય તો લાંબુ અંતર કાપવું પડે. 

 સ્નાન કરનારાઓ માટે નદીમાં સરહદ સમાન એક દોરડું બાંધવામાં આવ્યું છે. દોરડાની પેલે પર પાણી  ઊંડું હોવાથી તેનાથી આગળ જવાની મનાઇ છે. જેમને તરતાં આવડતું હોય તેમણે પણ મર્યાદામાં રહેવું પડે છે. અચાનક કોઇ શ્રદ્ધાળુ પાણીના પ્રવાહમાં  ખેંચાઇ જાય તો તરવૈયા તેમને બચાવી લેવા તૈયાર ઊભા હોય છે.

કુંભસ્નાન કરીને આવેલા લોકો ઉત્સાહભેર પોતાના અનુભવો વર્ણવે છે. તેમના મતે કુંભમેળામાં ઉત્તર પ્રદેશ અને બિહારના નાગરિકો સૌથી વધારે જોવા મળે છે. હિન્દી ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે ભાષાઓમાં 'મે આઇ હેલ્પ યુ?' લખેલાં પાટિયાં અધ્ધર રાખીને ફરતા હજારો સ્વયંસેવકો સર્વત્ર ફરતા જોવા મળે છે. વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓને આવકારવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

કુંભમેળાના પ્રવેશદ્વારથી રહેવાના ટેન્ટ અને ખાણીપીણીના માર્ગ સુધી જતા રસ્તા પર વિશાળ ભંડારા જોવા મળે છે. અહીં બાપા સીતારામના ભંડારા પણ છે, જેમાં ગુજરાતી વાનગીઓ તેમજ નાસ્તો મળે છે. શ્રદ્ધાળુઓ કહે છે કે કુંભદ્વારમાં પ્રવેશ્યા પછી નાસ્તા કે જમવા માટે એક પણ પૈસો ખર્ચવાની જરૂર પડતી નથી. થોડા થોડા અંતરે વિશાળ ભંડારા જોવા મળે છે, જ્યાં આરામ કરવાની, હાથ-પગ ધોઇને ફ્રેશ થવાની સવલતો પણ હોય છે.

 થોડીઘણી ધક્કામુકકી સ્નાન કરવાના સ્થળે જોવા મળે છે. લોકો ઠંડીમાં ડૂબકી મારવા ઉતાવળા થતા હોય છે. જોકે સ્નાન અને ડૂબકી મારવા માટે ત્રણ-ચાર મિનિટનો સમય માંડ આપવામાં આવે છે. આ સમય જરાક ખેંચાય કે તરત ત્યાં હાજર સ્વયંસેવકો શ્રદ્ધાળુઓનો હાથ પકડીને બહાર ખંચી લે છે.

Prasangpat

Google NewsGoogle News