મસ્કની DOGE સિસ્ટમ ભારત અપનાવે તો કાર્યક્ષમતામાં સુધારો થાય
- પ્રસંગપટ
- અમેરિકાનાં 14 રાજ્યોએ ટ્રમ્પ અને મસ્ક પર કેસ કર્યા છે
- મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનું સૂત્ર મોદી આપી ચૂક્યા છે, પરંતુ તેનો અમલ થોય તો અર્થ સરે
અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી સિસ્ટમ (DOGE) આજકાલ વિશ્વમાં ટોેકિંગ પોઇન્ટ બની ચૂક્યું છે. આ સિસ્ટમનો આશય સરકારી ખાતાઓની કાર્યક્ષમતા વધારવાનો અને સરકારના ખર્ચામાં કાપ મુકવાનો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નવા ખાતાનો હવાલો વિશ્વના સૌથી વધુ પૈસાદાર એવા ટેસ્લા - સ્પેસએક્સ ફેમ ઇલોન મસ્કને સોંપ્યો છે.
મસ્ક પોતાની ઉદ્યોગ-સાહસિકવૃત્તિ ઉપરાંત વહીવટી કુશળતાના જોરે વિશ્વના ટોચના અબજોપતિ બન્યા છે. તેઓે ટ્રમ્પની કિચન કેબિનેટનો હિસ્સો છે. જે રીતે ઇલેાન મસ્કે સાફસૂફી શરૂ કરી છે અને જે રીતે અમેરિકી સહાય બંધ કરીને નાણાં બચાવવા શરૂ કર્યા છે તે જોઇ તેમની કામગીરી વિશે વધારે જાણવાની ઇચ્છા થાય છે. ઇલોન મસ્કે કામગીરી સંભાળતાંની સાથે જ ૧૦ હજાર જેટલા કર્મચારીઓને પાણીચું આપી દીધું છે અને ૭૫,૦૦૦થી વધુ કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે ઓફર કરી છે. અમેરિકન સરકારે અન્ય દેશોના સહાય આપતા પ્રોગ્રામ (USAID)ને પણ તાળાં મારી દીધાં છે.
વાચકોને યાદ હશે કે ભારતમાં દિવંગત ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં કટોકટી લાદવામા આવી ત્યારે સરકારી કર્મચારીઓ સમયસર ઓફિસમાં આવી જતા હતા અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો હતો. તે વખતે વર્કિંગ અવર્સ દરમિયાન સ્ટાફનો દરેક માણસ પોતાની જગ્યા પર હાજર દેખાતો. કર્મચારીઓ વધારે કામઢા બની ગયા હતા. ભારતની કટોકટીનો સમય ભલે રાજકીય રીતે બદનામ થયો હોય, પરંતુ સિક્કાની બીજી બાજુ એ હતી કે સરકારી કર્મચારીઓ કામ કરતા થઇ ગયા હતા. લોકોને રાહત એ વાતની હતી કે સરકારી કર્મચારીઓ ઉધ્ધત જવાબ નહોતા આપતા અને પોતાની જગ્યા પર બેસીને આખો વખત કામ કરતા હતા. અમેરિકાનીગવર્મેન્ટ એફિશિયન્સી સિસ્ટમ ત્યાંના સરકારી કર્મચારીઓ માટે કટોકટીકાળ સમાન છે.
ભારતમાં સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા વધારતી અને વધારાના ખર્ચા બચાવતી આવી સિસ્ટમ શરૂ થવી જોઈએ. ભારતમાં સરકારી કર્મચારીઓ પર કડક નિયંત્રણો નથી. અનેક ખાતામાં કર્મચારીઓ તેમના ફરજના સમયે મોબાઈલ મચડતા હોય છે, તો કેટલાક પોતાની જગ્યા પર બેસવાના બદલે આંટાફેરા કરતા હોય છે. કેટલાકના ટેબલ પર શેરબજારની ચડઉતરની ચર્ચા થતી હોય છે. સરકારી કર્મચારીઓ ભાગ્યે જ સમયપત્રકને અનુસરે છે. સાંજે છ વાગતાં પહેલાં તો સરકારી ઓફિસોમાં અડધોઅડધ ટેબલો ખાલી થઇ ગયાં હોય છે. જનતા માટે સરકારી ઓફિસો ધક્કાગાડી સમાન બની ગઇ છે. આ કર્મચારીઓ તગડા પગારો લે છે પણ તેમની કાર્યક્ષમતા માપવાનું કોઇ બેરોમીટર નથી હોતું.
વડાપ્રધાન મોદીએ અમેરિકાની તાજેતરની મુલાકાત દરમ્યાન ઇલોન મસ્ક સાથે ખાસ્સો એવો સમય પસાર કર્યો હતો. મસ્કના સંતાનો સાથે વડાપ્રધાન મોદીની તસવીરો વાઇરલ થઈ છે. એક ચર્ચા એવી ચાલી રહી છે કે મસ્કની સરકારી કર્માચારીઓની ક્ષમતા વધારતી અને સરકારી ખર્ચમાં કાપ મુકવાની પદ્ધતિ સમજવા માટે મોદીએ એમની સાથે થોડી ચર્ચા કરવાની જરુર હતી, કેમ કે ભારતમાં સરકારી ખાતાઓમાં થતા આડેધડ ખર્ચા પર કાપ મુકવાની જરૂર છે.
વડાપ્રધાને અમેરિકાના પ્લેટફોર્મ પરથી 'મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન'ની વાત કરી, પણ તેઓ કેવી રીતે ઇન્ડિયાને ગ્રેટ બનાવશે તેના વિશે ખુસાલા કર્યા નથી. અલબત્ત, મોદી મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનું સૂત્ર અગાઉ આપી ચૂક્યા છે, પરંતુ માત્ર સ્લોગનથી દેશમાં સરકારી ખાતાં કામ કરતાં નથી. આવા સ્લોગનનો કડક અમલ થાય છે તે મહત્ત્વનું છે.મસ્ક પોતાના ફાળે આવેલા કામને એટલી કડક રીતે કરી રહ્યા છે કે અમેરિકાના સરકારી કર્મચારીઓમાં ઉહાપોહ શરૂ થઈ ગયો છે. અમેેરિકાનાં ૧૪ રાજ્યોએ ટ્રમ્પ અને મસ્ક પર કેસ કરીને કહ્યું છે કે તેઓ ગવર્નન્સના નામે આરાજકતા ફેલાવી રહ્યા છે. ખર્ચ બચાવવો કે કરકસર કરવી જેવા મુદ્દા આપણે ત્યાં ભાગ્યે જ અમલી બનતા હોય છે. પ્રાઇવેટ કંપનીનો એક કર્મચારી સરકારના પાંચ કર્મચારી જેટલું કામ કરે છે. સરકાર વિવિધ મંત્રાલયોના સ્ટાફના પગારો, પ્રધાનોના રાજાશાહી ઠાઠ અને તેમની સિક્યોરીટી પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે.
કેટલાક મુદ્દે સરકાર કડક બને તો જનતામાં પ્રિય બની શકે છે. કમસે કમ ભાજપ-શાસિત રાજ્યમાં આવી સિસ્ટમ ંઅમલી બનાવીને શરૂઆત કરવી જોઇએ.