ધ ડે આફ્ટરઃ ગોડ ફાધર લાદેનનું પૂતળું કાબુલમાં મૂકવાની તૈયારી
- અફઘાનના લોકો ફફડીને જીવી રહ્યા છે
- પ્રસંગપટ
- લાદેનને ફૂંકી માર્યો ત્યારે વિશ્વભરમાં અમેરિકાની જેટલી વાહ વાહ થઇ હતી તેનાથી બમણી બદનામી હવે થઇ રહી છે
ધ ડે આફ્ટર... અફઘાનિસ્તાનને તાલિબાનોએ કબજે કર્યાને આજે ૭૨ કલાક થશે. અફઘાનિસ્તાનની પ્રજા તાલિબાનના શાસકોને પગે પડી ગઇ છે. ક્યાંય કોઇ અફઘાન નેતા નથી કે ક્યાંય કોઇ શેરી નેતા નથી. કોઇ પણ દેશ અફઘાન નાગરિકોની મદદે આવવા તૈયાર નથી. કોઇ તાલિબાનોને પડકારવા પણ તૈયાર નથી.માનવ અધિકાર પંચ વાળા તો ક્યાંય ખોવાઇ ગયા છે. ભારતના કહેવાતા અને બની બેઠેલા સુધારકો તાલિબાનોની ફેવરમાં કે વિરોધમાં સોશ્યલ નેટવર્ક પર કોઇ બાહોશી બતાવવા તૈયાર નથી. ભારતે હિંમતભેર તેના નાગરિકોને પાછા લાવવાનું કામ હાથમાં લીધું છે તેની પણ પ્રશંસા કરી શકતા નથી.
હકીકત એ છે કે તાલિબાનોએ વૈશ્વિક રાજકીય સમિકરણો બદલી નાખ્યા છે. પાકિસ્તાનની કમનસીબી એ છે કે તે તાલિબાનની સરકારને ટેકો નહીં આપવાનો ઠરાવ કરે તો પણ કોઇ માનવા તૈયાર નથી. વુહાન વાઇરસ પછી ચીન ફરી એકવાર વૈશ્વિક તખ્તા પર બદનામ થયું છે. ચીન વારંવાર ખુલાસા કરતું હતું કે કોરોના વાઇરસ ચીનમાં તૈયાર નથી કરાયો છતાં કોઇ સ્વિકારવા તૈયાર નહોતું એવુંજ તાલિબાનોને ટેકો આપવામાં ચીન બદનામ થયું છે.
ચીન અને પાકિસ્તાને ભેગા થઇને અફઘાનિસ્તાનનો ધડો લાડવો કરી નાખ્યો છે. જ્યારે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બીન લાદેનને ફૂંકી માર્યો ત્યારે વિશ્વભરમાં તેની જેટલી વાહ વાહ થઇ હતી તેનાથી બમણી બદનામી તેને અફઘાનિસ્તાનના પતનના કિસ્સામાં મળી હતી. પ્રમુખ જો બાઇડન ભલે એમ કહે કે અફઘાનિસ્તાને પોતે પોતાનું રક્ષણ કરવું જોઇએ તે પછી ત્યાં ૨૦ વર્ષ સુધી ડેરા તંબુ નાખવાની જરૂર નહોતી. મહાસત્તા તરીકે અમેરિકાની બેદરકારી સામે આવી છે.
જંગલિયત ભર્યા તાલિબાની શાસનનો અનુભવ અફઘાનના લોકોને છે. તાલિબાનો મહિલાઓને ગુલામ તરીકે રાખતા આવ્યા છે. મહિલાએાને જાહેરમાં સજા કરીને ભય ઉભો કરનારા તાલિબાનોે પોતાનામાં કોઇ સુધારો કર્યો નથી. હવે અફઘાનિસ્તાનમાં શાસન કરવા મળતાં તે વધુ ત્રાસ ગુજારતા થશે તે નક્કી છે.
અફઘાનિસ્તાનના લોકો એટલા પરેશાન થયા છે કે તે તાલિબાનોના નામ માત્રથી ભડકે છે. હવે અફઘાનના લોકો શિક્ષણથી વંચિત રહેશે, જાહેરમાં ક્રિકેટ કે ફૂટબોલ નહીં રમી શકે કે વૈશ્વિક ધટનાઓ ટીવીના અભાવે જોઇ નહીં શકે. લાઇટો વિના અંધારામા રહેવાનું લોકોને ટેવાવવું પડશે.
તાલિબાનો ડર ફેલાવીને રાજ કરશે. તેમને ટેકોઆપનારા ચીન અને પાકિસ્તાન જેવાઓ તૈયાર બેઠા છે. પાકિસ્તાન તાલિબાનોનો વિરોધ કરીને નાટકબાજી કરી છે હકિકત એ છેે કે તેના ટેકા વિના તાલિબાનો અફઘાનમાં ધૂસવાની તાકાત ના બતાવી શક્યા હોત. પાકિસ્તાન વિશ્વને ખાસ કરીને અમેરિકાને મૂરખ બનાવતું આવ્યું છે.
અફઘાનિસ્તાનની પ્રજાને તાલિબાનોના હવાલે કરનાર અમેરિકાએ હજુ પોતાના નિર્ણયને વળગી રહ્યું છે.
ધ ડે આફ્ટર એ ૧૯૮૩ની અમેરિકી ફિલ્મ છે. અણુબોંબ ઝીક્યા પછી તે વિસ્તારની કેવી દશા થાય છે તે દર્શાવાયું હોય છે. વાવાઝોડાં કે ધરતીકંપ પછીની બીજા દિવસની વેરાન સ્થિતિ માટે પણ ધ ડે આફ્ટર વપરાય છે. અફઘાનિસ્તાનને આંચકીને તાલિબાન જેવું જંગલીયત ભર્યું શાસન ઉભું કરાયું તે પણ વૈશ્વિક રાજકીય ધરતી કંપ સમાન છે.
અમેરિકા અને બ્રિટન અફઘાન મુદ્દે મળવાના છે. પરંતુ હવે ૭૨ કલાક પછી તાલિબાનો સમજી ગયા છે કે તેમનો વિરોધ ભલે આખું વિશ્વ કરતું હોય પણ જંગલિયતની તરફેણ કરનારાઓ પણ છે.
રશિયા અને ચીન તાલિબાન શાસકોને ફ્રેન્ડ બનાવવા તૈયાર છેે પરંતુ હજુુ સુધી કોઇ કશું ખુલાસીને કહેતું નથી. પાકિસ્તાન પર કોઇ ભરોસો મુકવા તૈયાર નથી. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનને એકલું અટુલું પાડી દેવાની જરૂર હતી. તલિબાનોના મામલે વિશ્વ બે ભાગમાં વહેંચાઇ જશે એમ દેખાઇ રહ્યું છે.
તાલિબાનો મહિલાઓને રાજકારણમાં આવવા કહે છે તે નરી બદમાશી છે. જેમના માટે મહિલાઓ ગુલામનું પ્રતિક છે તે તેમને આગળ લાવવાની વાત કરે છે તે જોઇને એમ કહી શકાય કે શેેતાન બાઇબલ વાંચી રહ્યો છે. હવે એ દિવસો દુર નથી કે જ્યારે તાલિબાનો તેમના ગોડફાધર ઓસામા બીન લાદેનનું પૂતળું કાબુલમાં મુકશે.