અંબાજી પદયાત્રાના માર્ગો હજારો લાલ ધજાજીના રંગે લહેરાઈ રહ્યા છે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
અંબાજી પદયાત્રાના માર્ગો હજારો લાલ ધજાજીના રંગે લહેરાઈ રહ્યા છે 1 - image


- પ્રસંગપટ

- ખેડબ્રહ્માના મંદિરે  ૪૫૦૦, અંબાજી ખાતે ૧૦,૦૦૦ ધજાજી

- રણુજાના  રામદેવ જતા એક સંધે ૫૫૧ ફૂટની ધજા લઇને પદયાત્રા શરૂ કરી ત્યારે આખા દેશનું ધ્યાન ખેંચાયું હતું

...ખેડબ્રહ્માના અંબાજીના મંદિર ખાતે બે દિવસમાં ૪૫૦૦ ધજા ચઢાવાઇ

...મોટા અંબાજી ખાતે શિખર પર અવિરત ધજાઓ ચઢી રહી છે

...ઉંઝા ખાતે ઉમિયા મંદિરમાં પાટીદાર સમાજ ૫૨આઠ ધજા ચઢાવશે

... રણુજાના રાજાના દરબારમાં રોજની હજારો ધજા ચઢે છે

...દ્વારકાના મંદિરમાં શિખર પર ધજા માટે પાંચ વર્ષનું વેઇટીંગ... નાથદ્વારા અને સોમનાથના મંદિરો માટે પણ એટલું જ વેઇટિંગ... 

આ પ્રકારના સમાચારો આપણે અવારનવાર સાંભળતા-વાંચતા-જોતા હોઈએ છીએ. અંબાજી અને રણુજા જતા માર્ગે પર હજારો શ્રદ્ધાળુઓ હાથમાં ધજા લઇને પદયાત્રા કરી રહ્યા છે. ધજા બહુ પવિત્ર હોય છે. તે મંદિરના મુગટ સમાન  છે. અંબાજી પદયાત્રાએ ગયેલા લાખો લોકો પદયાત્રાની પરંપરાને પુનઃ જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

અંબાજી જતા શ્રદ્ધાળુઓ પાસે લાલ ધજાજી હોય છે, તો ડાકોર પદયાત્રાએ જનારા ધોળી ધજા ફરકાવતા હોય છે. આ વખતે અંબાજીના પદયાત્રીઓ વરસાદ અને તડકાનો સામનો કરતા ચાલ્યા છે. તેઓ ક્યારે વરસાદી પાણીથી ભીંજાયેલા હોય છે, તો ક્યારેક તડકામાં શેકાતા હોય છે.

પદયાત્રીઓ ૧૦ કિલોમીટર દૂરથી મંદિરની ધજાના દશર્ન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ધજા ફક્ત એક કાપડનો ટુકડો નથી, તે આધ્યાત્મિકતાનું લહેરાતું પ્રતીક છે. દર્શન કરનાર શ્રદ્ધાળુ ધજા જોઈને એક પ્રકારના હિલીંગનો અનુભવ કરે છે. ધજા રક્ષણનું પ્રતીક છે. પદયાત્રા કરીને મંદિર પહોંચતા શ્રદ્ધાળુઓમાં ધજાજીનાં દર્શન થતાં જ નવા ઉત્સાહનો સંચાર થાય છે. દરેક મંદિરની ધજા શ્રદ્ધાળુઓને આવકારતી હોય એમ ફરફરતી હોય છે. ડાકોરમાં રણછોડરાયજીના મંંદિર પર ધોળી ધજા ફરકે છે, તો અંબાજીમાં લાલ રંગની ધજા ફરકે છે. દક્ષિણના મંદિરોમાં ત્રણ કલરની ધજા જોવા મળે છે, તો ઉત્તર પ્રદેશના મંદિરોમાં ભગવા કલરની ધજા જોવા મળે છે. રણુજાના રામદેવ બાપાના મંદિરમાં ધજાને નેજા કહે છે. ત્યાં દર્શન કરનાર દરેક વ્યક્તિ ધજા અર્પણ કરવાની ઇચ્છા રાખતા હોય છે. રણુજા પદયાત્રા કરીને જતા શ્રદ્ધાળુઓ પાસે એમના સંઘની ધજા હોય છે.

વૈષ્ણવ સમાજમાં ધજા અર્પણ કરવાનો ચોક્કસ દિવસ રખાય છે. આ દિવસ અગાઉ સંબંધીઓને ત્યાં ધજાજીની પધરામણી કરવામાં આવતી હોય છે. જેમના ઘેર ધજાજીની પધરામણી થાય એમને સાક્ષાત્ શ્રીનાથજી ભગવાન ઘરે પધાર્યા હોય તેવી અનુભૂતિ થાય છે. 

પદયાત્રામાં ધજાજી સાથે લઇને ચાલતા શ્રદ્ધાળુઓએે અનેક નિયમો પાળવાના હોય છેે. જેમ કે,  ધજાજીને નીચે જમીન પર મૂકી ન શકાય એવો કડક નિયમ છે. રણુજાના  રામદેવ જતા એક સંઘે ૫૫૧ ફૂટની ધજા લઇને પદયાત્રા શરૂ કરી ત્યારે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. રાજસ્થાનથી રણુજા-રામદેવ પહોંચતા એમને સાત દિવસ થયા હતા. તાજેતરમાં રણુજા જતા સંઘે પોતાની સાથે ૫૬ ગજના ધજાજી સાથે રાખ્યા હતા, જેની તસવીરો સોશિયલ નેટવર્ક પર વાઇરલ થઈ હતી. 

અંબાજી ભાદરવી પૂનમે જતા સંઘો તેમજ પદયાત્રીઓને રસ્તામાં  નાસ્તાની, જમવાની કે આરામ કરવાની કોઇ તકલીફ ન પડે તે માટે અનેક જગ્યાએ વિશાળ સેવા કેન્દ્રો ઊભાં કરવામાં આવે  છે. પદયાત્રાના મહિમા વિશે પ્રચાર-પ્રસાર કરવા માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક નીતિ ઘડવાની જરૂર છે. 

શ્રદ્ધાળુઓ માટે ફાગણે ડાકોર, ભાદરવે અંબાજી અને અન્ય ધાર્મિક સ્થળો સુધી થતી પદયાત્રાઓ માટે વિશેષ આયોજન થાય તે આવશ્યક છે. હાથમાં વિશાળ ધજા લઇને ચાલતા શ્રદ્ધાળુઓને માર્ગ પરનો ટ્રાફિક પરેશાન કરતો હોય છે.

 અમદાવાદથી ડાકોરના જતા પદયાત્રીઓ માટે વિશેષ માર્ગ ઊભો કરવાની નાટકબાજી કરવામાં આવી છે. રાત્રે કે વહેલી સવારે ચાલતા પદયાત્રીઓ અનેક વાર કાળમુખા ભારે વાહનોના ભોગ બને છે. આવી દુર્ઘટનાઓ શૂન્યવત્ બની જાય તે માટે પ્રશાસન દ્વારા જેટલા પ્રયાસો થાય એટલા ઓછા છે.

Prasangpat

Google NewsGoogle News