બોલિવુડની ઊંઘ હરામઃ અંધારી આલમ સાથેની મિત્રતા ભારે પડી રહી છે
- શાહરૂખ, સલમાન, પ્રીતિ ઝિંટાને ધમકી મળી ચૂકી છે
- પ્રસંગપટ
- બોલિવુડની અંધારી આલમ સાથેની સાંઠગાઠ દાઉદ ઇબ્રાહીમના સમયથી ખુલ્લી પડી ગઇ હતી
બોલિવુડની અંધારી આલમ સાથેની સાંઠગાંઠ દાઉદ ઇબ્રાહીમના સમયથી ખુલ્લી પડી ગઇ હતી. એ સમયે કેટલીય ફિલ્મોનું ફાયનાન્સ અંધારી આલમ પાસેથી આવતું હતું. બદલામાં અંધારી આલમ ફિલ્મોના વિવિધ હકો લેતા હતા. હીરો-હિરોઈનોનું કાસ્ટિંગ સુધ્ધાં અંધારી આલમના ઈશારે થતું.
અંધારી આલમની આર્થિક કમર તૂટી અને દાઉદે ભારતમાંથી ઉચાળા ભર્યા તે પછી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આઝાદીના શ્વાસ લીધા. આમ છતાંય બોલિવુડ અને અંધારી આલમનાં તત્ત્વો વચ્ચેની સાંઠગાંઠ અવારનવાર સપાટી પર આવી જાય છે. ગયા અઠવાડીયે મહારાષ્ટ્રના રાજકારણી બાબા સિદ્દીકીની હત્યાને પગલે બોલિવુડમાં ડર ઊભો થયો છે.
સલમાન ખાનના મિત્ર હોવાને કારણે બાબા સિદ્દીકીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. કોઈ આ ઘટનાને ગેંગ વોરના પ્રારંભતરીકે જુએ છે, તો કોઈ તેને બોલિવુડના ગ્લેમરસ ચહેરાની કાળી બાજુ સાથે સરખાવે છે. મુંબઇમાં અંધારી આલમનાં તત્ત્વો વચ્ચે શૂટઆઉટની વાત નવી નથી, પરંતુ બાબા સિદ્દીકીનું અપમૃત્યુ એક હાઈ પ્રોફાઇલ હત્યા છે. છેલ્લાં ૩૦ વર્ષમાં મહત્ત્વના રાજકારણીને ઢાળી દેવાની આ પહેલી ઘટના છે.
૧૯૮૦ના દશકના પ્રારંભિક ગાળામાં યુનિયન લીડર દત્તા સામંતના નેતૃત્વ હેઠળ મુંબઇમાં ટેક્સટાઇલ ક્ષેત્રે હડતાળ પડી હતી. તે દરમ્યાન બેકાર થયેલા કેટલાક લોકોએ પોતાની નાની ગેંગ બનાવીને લોકોને ધમકાવીને પૈસા ઊઘરાવવાનું શરૂ કર્યું હતું.
આ ગેંગ સમયની સાથે ઉત્તરોત્તર મજબૂત બનતી ગઈ. લોકો પાસેથી પૈસા પડાવવાની તેને ફાવટ આવી ગઇ હતી. આવાં છૂટાછવાયાં તત્ત્વોનો ઉપયોગ દાઉદની ગેંગના લોકો કરતા હતા. એમાંના કેટલાક દાઉદની સાથે જોડાઈ ગયા હતા. ૧૯૯૧ પછી આવી ગેંગ વધુ પાવરફુલ બની ગઇ હતી.
ગેંગસ્ટર્સના જીવન પર આધારિત કેટલીય ફિલ્મો બની. જેમ કે, 'કંપની'માં દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનનો સંદર્ભ હતો, 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' હાજી મસ્તાન અને દાઉદ પર આધારિત હતી, 'શૂટઆઉટ એટ વડાલા'માં ગેગસ્ટર મહેન્દ્ર ડોલસનો સંદર્ભ હતો, વગેરે. આ પ્રકારની કેટલીય ફિલ્મોમાં ગેંગસ્ટર્સને દળાળુ અને ગરીબોના બેલી તરીકે ચિતરવાનો પ્રયાસ થતો.
૧૯૯૩માં મુબઇમાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકા થયા તેની પાછળ દાઉદનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. આવી ઘટનાઓમાં બોલિવુડની સીધી સંડોવણી ન હોય (જોકે સંજય દત્ત આ ગાળામાં જ ખરડાયું હતું), પણ બોલિવુડના કલાકાર-કસબીઓ દાઉદ ગેંગ સાથે ઘરોબો રાખતા જરૂર જોવા મળતા હતા.
મ્યુઝિક કિંગ તરીકે ઓળખાતા ગુલશનકુમારની હત્યા ૧૯૯૭માં થઇ હતી. તેમના પર ૧૬ ગોળીઓ છોડાઇ હતી. આ હત્યા બોલિવુડની કોઇ વ્યક્તિના ઇશારે થઇ હોવાનું જાહેરમાં ચર્ચાતું આવ્યું છે. સદભાગ્યે પોલીસ તંત્રે સતત કડક પગલાં લઇને અંધારી આલમની કમર તોડી નાખી હતી. મહારાષ્ટ્ર કંન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટે(ર્સ્ભંભછ) અંધારી આલમ પર અંકુશ આણી દીધો હતો.
૧૯૯૮માં કેન્દ્રીય પ્રધાન સુષ્મા સ્વરાજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉદ્યોગનો દરજ્જો આપ્યો તે પછી બેંકો નિર્માતાઓને ફાઇનાન્સ આપતી થઇ હતી. પરિણામે અંધારી આલમ પાસેથી આર્થિક સહાય લેવાનું બંધ થઇ ગયું હતું.બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવુડ તેમજ તેના મળતીયાઓમાં ફફડાટ ફેલાયો છે. ભૂતકાળમાં બોલિવુડના બહુ જાણીતા ચહેરા જેવા કે શાહરરૂખ ખાન,સલમાન ખાન, પ્રીતિ ઝિંટાને ધમકી મળી ચૂકી છે. પ્રીતિએ જાહેરમાં કહ્યું હતું કે અંધારી આલમની વિરૂદ્ધ બોલવા બદલ મને ધમકી મળી છે.
સલમાન ખાનને ટાર્ગેટ નાવનારા લોરેન્સ બિશ્નોઇ ગેંગે સલમાનના મિત્ર એવા બાબા સિદ્દીકીને મારીને પોતાનો ઇરાદો જાહેર કરી દીધો છે. ૧૯૯૮થી સલમાન ખાન અને બિશ્નોઇ ગેંગ વચ્ચેની દુશ્માનવટ ચાલી આવે છે. ગમે એટલું પોલીસ પ્રોટેક્શન હોય તો પણ હત્યારાઓ તેમનું કામ પતાવીને નાસી છૂટવામાં સફળ થાય છે. બોલિવુડને અંધારી આલમ સાથેની મિત્રતા હવે ભારે પડી રહી છે.