38,600 એકર વિસ્તાર અને 12,000 મકાનો આગમાં ખાખ
- કેલિફોર્નિયાના રાહત કાર્યમાં ગુજરાતીઓ પણ સામેલ છે
- પ્રસંગપટ
- 14 વર્ષની ટીનેજરે સ્વૈચ્છિક સેવાના આશયથી શરૂ કરેલા ઇન્સ્ટાગ્રામ પેજને જબરદસ્ત પ્રતિસાદ
મહાશક્તિશાળી અમેરિકા કેલિફોર્નિયાની વિનાશક આગ સામે લાચાર બની ગયું છે. ચારે બાજુથી સહાયનો ધોધ વરસવો શરૂ થયો છે. ખલનાયક બનેલા પવનનું જોર ઘટે તેની રાહ જોવાઈ રહી છે. વિશ્વભરના દેશોને ટેરિફના શસ્ત્રથી ડરાવનાર અમેરિકા ખુદ આ કેલિફોર્નિઅન આગથી કાંપી ઉઠયું છે. ગઈ કાલે ૮૮,૦૦૦ લોકોને અને હવે બીજા ૮૪,૮૦૦ લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ અપાયો છે.
દુનિયાભરની સ્વૈચ્છિક સંસ્થાઓ જીવનજરૂરી ચીજોની કીટ લઇને અસરગ્રસ્તોની સહાય કરવા પહોંચી ગયા છે. આ સેવાભાવીઓમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકરો પણ આવી ગયા.
પાણીની બોટલો, દાઝી ગયેલી ચામડી પર લગાવવા માટેનો મલમ, હળવો નાસ્તો વગેરે લેવા કરોડપતિઓ લાઇનમાં ઊભા રહે છે. આ એ વિસ્તારના લોકો છે કે જેમને મળવા અમેરિકાના પ્રમુખો આવતા હોય છે. આગની ઝપટમાં આવી ગયેલા પોતાના ઘરને જોઈને આ લોકો દૂર ઊભા ઊભા રડયા કરે છે. અતિ ધનાઢ્ય વિસ્તારના આ રહેવાસીઓ નાની મુશ્કેલી પણ સહન કરી શકતા નથી, પણ તેમણે અત્યારે અન્ય લોકોને ત્યાં આશરો લેવા જવું પડયું છે. એક અમેરિકી અખબારે નોંધ્યું છે કે જેમ પૂરનાં પાણી શહેરમાં ફરી વળે અને વચ્ચે આવતા વાહનનોને ખેંચી જાય છે એમ આગની જ્વાળાઓ ફરી વળી હતી અને વચ્ચે આવતી ચીજોને ભસ્મીભૂત કરી નાખતી હતી.
લોસ એન્જલસ કાઉન્ટી હવે ફાયર ફાઇટર્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓના ભરોસે હોવાનું દેખાઈ રહ્યું છે. મહાવિનાશક આગે લોસ એન્જલસ કાઉન્ટીનો ૩૮,૬૦૦ એકર વિસ્તાર ભસ્મીભૂત કરી નાખ્યો છે. ૧૨,૦૦૦ જેટલા મકાનો આગમાં ખાખ થઇ ગયા છે. હજુય આ ખલનાયક આગ પોતાના ગંદા હાથ લંબાવી રહી છે.
પોતાનું રહેઠાણ છોડીને સલામત જગ્યાએ જતા રહેલા લોકો જ્યારે પાછા ફરશે ત્યારે તેમના મકાનની જગ્યાએ કુદરતે વેરેલા વિનાશની નિશાનીઓ સિવાય બીજું કશું જ નહીં હોય. તે વખતે તેમની મનઃ સ્થિતિ કેટલી દયનીય થઈ જશે તે સમજી શકાય છે. પોતાના પરસેવાની કમાણીમાંથી બનાવેલાં મકાન, બાગ-બગીચા,વાહનને રાખ થયેલાં જોઇને તેઓ આઘાતમાં સરી પડશે તે નક્કી છે. સરકારે ચેતવણી આપી છે ક જ્યાં સઘળું સળગીને રાખ થઈ ચૂક્યું છે ત્યાં હવામાં પ્રદૂષણ હશે તેથી એન-૯૫ માસ્ક પહેરીને જ જવું.
ચારેબાજુથી સહાયની સરવાણી વહી રહી છે. જેમ કે-
- અમેરિકાના ટેનિસ પ્લેયર ટેલર ફ્રીટ્ઝે ઓસ્ટ્રેલિયા ઓપન ટેનિસના પહેલા રાઉન્ડમાં મળેલી જીતની રકમ ૮૨,૦૦૦ ડોલર રાહતના કામ માટે દાન કર્યા છે.
- અગાઉ નોંધ્યું તેમ ડલાસથી બીએપીએસના કાર્યકરો જીવનજરૂરી ચીજોની કીટ બનાવીને ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમાં ડલાસના કેટલાક ગુજરાતીઓ પણ સામેલ છે.
- પાળેલાં પ્રાણીઓ માટે પેટ શેલ્ટર ચલાવનારાએ જાહેર કર્યું છે કે અમે કોઇ ડોગ, કેટ કે એમનાં બચ્ચાં નિઃશુલ્ક અડેાપ્ટ કરીશું.
- 'ગો ફન્ડ મી' નામની સ્વૈચ્છિક સંસ્થાના દાનવીરોએ ૧૦૦ મિલિયન ડોલરનું ફંડ આપ્યું છે.
- વાઇલ્ડ લાઇફ માટે પણ તોતિંગ ફંડની જરૂર પડશે. વાઇલ્ડ લાઈફના કાર્યકરોએ અનેક પ્રાણીઓને અધમૂઇ હાલતમાં બહાર કાઢ્યાં છે. પક્ષીઓ તો ઉડીને જતાં રહ્યાં હતાં, પરંતુ ચોપગાં પ્રાણીઓ ભાગી શક્યાં નહોતાં અને એમાંના કેટલાય આગમાં સ્વાહા થઇ ગયાં છે. જે બચી ગયા છે તેમને પેટ શેલ્ટર હોમમાં મોકલી આપવામાં આવ્યાં છે.
એવરી કર્લવર્ટ નામની ૧૪ વર્ષની કન્યાએ 'અલ્ટાડેના ગર્લ્સ' નામનું ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું હતું. ઇટોન ખાતે લાગેલી આગમાં એની કેટલીય ફ્રેન્ડ્ઝની માલમત્તાનું નુક્સાન થયું છે, તેથી તેની સહાય માટે એણે આ આ પેજ બનાવ્યું હતું, જે ચોવીસ કલાકમાં વાઇરલ થઈ ગયું ને તેને તીવ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
- હિલ્ટન તેમજ અમેરિકન એક્સપ્રેસ ગુ્રપની હોટલોએ જાહેર કર્યું છે કે તેઓ આગના કારણે અટવાયેલા લોકોને વિનામૂલ્યે કુલ ૨૦,૦૦૦ રૂમો ખુલ્લા મૂકશે.