ઉત્પાદનના અનેક ક્ષેત્રમાં કોપરની માગઃ નવા સ્ત્રોત શોધવા પ્રયાસ
- પ્રસંગપટ
- ૨૦૩૫માં ૧૦ લાખ મેટ્રીકટન તાંબુ જોઇશે
- ૨૦૩૧ સુધીની વાષક ૩૬.૬ મિલિયન ટનની માગની સામે પુરવઠો ફક્ત ૩૦.૧ મિલ્યન ટન રહેશે
ભારતના વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે સ્વાભાવિક રીતે માળખાકીય વિકાસ માટે આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ થવી જરૂરી છે. આજે આપણે તાંબાને લગતી વાત કરવાના છીએ.
નોંધનીય છે કે દેશમાં તાંબાની માગ વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૦થી ૧૩ ટકા વધવાની ધારણા છે, પરંતુ પુરવઠાની સ્થિતિ હજી મુશ્કેલીભરી છે. એનું કારણ એ છે કે ભારતમાં તાંબાનાં કેથોડની નિકાસ કરનાર મુખ્ય દેશ જાપાનમાં તથા આપણને તાંબાના કોન્સન્ટ્રેટનો મોટા પાયે પુરવઠો કરનારા ઇન્ડોનેશિયામાં નીતિઓ બદલાવાને લીધે પુરવઠા પર અસર થઈ છે.
આગામી નાણાકીય વર્ષમાં આપણે આયાત કરવા માટે નવા સ્રોતોની શોધ કરવી પડી શકે છે. એમાંનો એક સ્રોત યુનાઇટેડ આરબ અમીરાત્સ હોઈ શકે છે.
કોપર કેથોડ્સ બનાવવા માટે કોપર કોન્સન્ટ્રેટ્સ એ કાચી સામગ્રી છે. કેથોડ્સ પર પ્રક્રિયા કરીને વાયર, શીટ્સ અને સળિયા જેવાં વિવિધ કોપર ઉત્પાદનો બનાવવામાં આવે છે. ગત નાણાકીય વર્ષમાં ઇન્ડોનેશિયાએ તાંબાનાં કોન્સન્ટ્રેટની મોટાપાયે ભારતમાં નિકાસ કરી હતી. દેશમાં થયેલી કુલ આયાતમાં ઇન્ડોનેશિયાનો હિસ્સો ૩૫ ટકા હતો.
હવે ત્યાં નીતિવિષયક ફેરફારો થવાને પગલે તેઓ તાંબાનાં કોન્સન્ટ્રેટની નિકાસ પર નિયંત્રણો લાવી રહ્યા છે. આથી આ વસ્તુની આયાત ઉત્તર અમેરિકા, ચિલે અને પેરુથી કરવા વિશે વિચારણા ચાલી રહી છે.
ઉદ્યોગના અંદાજ મુજબ ગયા વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બરના ગાળામાં તાંબાની કુલ માગ ૬૪૪ કિલો ટન હતી, જેમાંથી ૪૪૨ કિલો ટન માલ સ્થાનિક સ્રોતોમાંથી પ્રાપ્ત થયો હતો.
નોંધવા જેવી બાબત એ છે કે તાંબાનો ભંગાર પણ માગ સંતોષવામાં મોટી ભૂમિકા ભજવે છે, પરંતુ હવે અનેક દેશોમાંથી ભંગારની નિકાસ પર પણ નિયંત્રણો લાદવાની વાતો થવા લાગી છે. ચીને ભંગારની આયાત પરનાં નિયંત્રણો હળવાં કરવાનું નક્કી કર્યું હોવાથી સારા એવા પ્રમાણમાં એ ભંગારની આયાત કરવા લાગશે અને ભારતને માલ મળવાનું ઓછું થઈ જશે એવું જણાય છે.
સ્થાનિક સ્તરે તાંબાનો ભંગાર મળવામાં પણ અવરોધો છે. અહીં ભંગાર પર પ્રક્રિયા કરીને શુદ્ધ તાંબું મેળવવા માટેની ક્ષમતામાં વધારો કરવાની જરૂર છે. એક ખાનગી કંપનીનું એક યુનિટ તૈયાર થઈ રહ્યું હોવાથી આવતા વર્ષે ત્યાંથી શુદ્ધ તાંબું મળવાની શરૂઆત થઈ શકે છે.
પ્રથમ તબક્કામાં ૫૦ કિલો ટનની ક્ષમતા ધરાવતો ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ અને કોપર સ્ક્રેપ રિસાયકલિંગ પ્લાન સ્થાપી રહી છે.
આપણે જાણીએ છીએ કે ભારતમાં માળખાકીય સુવિધાઓ માટે, ઈમારતો તૈયાર કરવામાં તથા કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સમાં તાંબાની જરૂર પડે છે.
હવે તો ઈલેક્ટ્રિક વાહનો પર પણ ભાર મુકાઈ રહ્યો હોવાથી વીજળીના સારા વાહક તાંબાની માગ વધવા જઈ રહી છે.
વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો, બધે જ તાંબાની માગમાં મોટી વૃદ્ધિ થવાનો અંદાજ છે. વર્ષ ૨૦૩૫ સુધીમાં દર વર્ષે આશરે ૧૦ લાખ મેટ્રિક ટન વધુ તાંબાની જરૂર પડશે. આ જરૂરિયાતમાં ઈલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર ક્ષેત્રની માગ સામેલ હશે. હાલ ૩૧ મિલ્યન ટનની માગ છે, જે વર્ષ ૨૦૫૦ સુધીમાં વધીને આશરે ૫૦ મિલ્યન ટન થવાની શક્યતા છે.
એક કન્સલ્ટિંગ કંપનીનું કહેવું છે કે સૌથી પહેલાં તો વર્ષ ૨૦૩૧ સુધીમાં જ પુરવઠાની કમી નડવાની છે. ૨૦૩૧ સુધીની વાષક ૩૬.૬ મિલિયન ટનની માગની સામે પુરવઠો ફક્ત ૩૦.૧ મિલ્યન ટન રહેશે.
ભારતમાં પુરવઠાની સ્થિતિ સુધારવા માટે એક જુથે મુંદ્રામાં તાંબાના સ્મેલ્ટરની ક્ષમતા વધારવા અર્થે કામ શરૂ કર્યું છે. એનાથી દેશમાં તાંબાની આયાત ઓછી કરવી પડશે.
દેશનું મોટું ઔદ્યોગિક ગ્રુપ પણ તાંબાની ખાણ શરૂ કરવા માટે ૨૬ અબજ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર થઈ છે. એને ઝારખંડમાં તાંબાની ખાણના બે બ્લોક લિલામમાં પ્રાપ્ત કર્યા છે, જેમાંથી ખાણકામ કરવામાં આવશે.
આગામી દાયકામાં ભારત તાંબું અને એનાં ઉત્પાદનો માટેનું કેન્દ્ર બની જવાની ધારણા છે.