દેશમાં કોલસાનું ઉત્પાદન ઘટીને દોઢ વર્ષના તળીયે ઊતરી આવ્યું

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
દેશમાં કોલસાનું ઉત્પાદન ઘટીને  દોઢ વર્ષના તળીયે ઊતરી આવ્યું 1 - image


- પ્રસંગપટ

- પાવર પ્લાન્ટોમાં સ્ટોક ઘટયાના નિર્દેશો

- તાજેતરના વ્યાપક વરસાદની અસર કોલસાના માઇનિંગ તથા મુવમેન્ટ પર પડી ઃ આયાત ઘટાડવા સ્થાનિક ઉત્પાદન વધારવા ગોઠવાતો તખ્તો

દેશમાં તથા વિદેશમાં કોલસાની બજાર તથા ઉદ્યોગ જગતમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છેે. વિશ્વ બજારમાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવ સતત ઘટતા રહી ત્રણ  વર્ષના તળિયે ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલ પાછળ કોલસા તથા નેચરલ ગેસ સહિતની વિવિધ ઉર્જા કોમોડિટીઝની બજારોમાં પણ ભાવ તાજેતરમાં દબાણ હેઠળ જોવા મળ્યા હતા.  

દરમિયાન, ભારતમાં કોલસાનું ઉત્પાદન તથા કોલસાનું વિતરણ (ડિસ્પેચીઝ)માં તાજેતરમાં પીછેહટ થતી દેખાઈ છેૈ. કોલસાનું ઉત્પાદન ઘટી દોઢ વર્ષના તળિયે ઉતરી ગયાના વાવડ મળ્યા હતા. આ ક્ષેત્રમાં ગ્રોથ રેટ પ્રથમવાર ઘટી ઓગસ્ટ મહિનામાં નેગેટીવ ઝોનમાં જતો રહ્યાનું કોલસા બજારના જાણકારોેએ જણાવ્યું હતું. આવી ઘટના ઘણા સમય બાદ જોવા મળી છે. 

દિલ્હીથી કોલ-મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ કોલસાનું ઉત્પાદન વાર્ષિક ધોરણે આશરે સાડાસાત ટકા ઘટયું છે જ્યારે મંથલી ધોરણે આવો ઉત્પાદન ઘટાડો ૧૪થી ૧૫ ટકાનો તાજેતરમાં થયો હોવાનું સૂત્રો  જણાવી રહ્યા હતા. ઓગસ્ટમાં આ ઉત્પાદન ઘટી ૬૨૭થી ૬૨૮ લાખ ટનનું નોંધાયું છે. તથા ૨૦૨૩ના માર્ચ મહિના  પછીનો આ સૌથી ઓછો મંથલી ઉત્પાદન હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. 

થર્મલ પાવર પ્લાન્ટોમાં  કોલસાની ડિસ્પેચીઝ આ ગાળામાં ૬થી ૭ ટકા વાર્ષિક ધોરણે તથા ૧૨થી ૧૩ ટકા મંથલી ધોરણે ઘટયાના વાવડ મળ્યા હતા. તથા આનો આંકડો ઘટી ૭૦૩થી ૭૦૪ લાખ ટન થતાં  ૧૮ મહિનાની નવી નીચી સપાટી આવા ડિસ્પેચીઝમાં જોવા મળી છે. સામાન્ય પણે દેશમાં જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં મોન્સૂનના કારણે કોલસા ઉદ્યોગમાં માઈનિંગ તથા ટ્રાન્સપોર્ટેશન એક્ટીવીટીમાં સુસ્તાઈ આવતી હોય છે.

દેશમાં તાજેતરમાં વિવિધ રાજ્યોમાં વ્યાપક વરસાદ જોવા મળ્યો હતો. આની અસર માઈનિંગ તથા મુવમેન્ટ પર પડી હતી. જો કે એપ્રિલથી ઓગસ્ટના ગાળાનાં આંકડા જોતાં કોલસાનું ઉત્પાદન ૬થી ૭ ટકા વાર્ષિક ધોરણે વધી ૩૮૪૦થી ૩૮૪૧ લાખ ટન તથા ડિસ્પેચીઝ ૫થી ૬ ટકા વધી ૪૧૨૦થી ૪૧૨૧ લાખ ટન નોંધાયા છે. 

જો કે ઓગસ્ટમાં આ આંકડાઓમાં ખાસ્સી પીછેહટ થઈ છે. કોલસા પર આધારીત પાવર પ્લાન્ટોમાં કોલસાનો સ્ટોક તાજેતરમાં ૩૬૫થી ૩૬૬ લાખ ટન નોંધાયો છે. ઓગસ્ટ અંતે આ આંકડો ૩૬૭થી ૩૬૮ લાખ ટન તથા જુલાઈના અંતે ૪૩૧થી ૪૩૨ લાખ ટન નોંધાયો  હતો. ઓગસ્ટમાં વ્યાપક વરસાદના પગલે કોલસાના ઉત્પાદનના તથા ડિસ્પેચીઝના સમીકરણો બદલાઈ ગયા હતા. તથા પાવર ડિમાન્ડ પણ આ સમય દરમિયાન ૪થી ૫ ટકા ઘટી ગઈ હતી. દેશમાં તથા વૈશ્વિક સ્તરે પર્યાવરણીની રક્ષાનો કોન્સેપ્ટ વધી રહ્યો છે. 

તથા ગ્રીન એનર્જીનો વ્યાપ વધી રહ્યો છે.  છતાં આગામી ૨૦થી ૩૦ વર્ષ હજી પણ કોલસાનું મહત્ત્વ જળવાઈ રહેેશે એવી ગણતરી આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા. વૈશ્વિક સ્તરે કોલસા બજારમાં તાજેતરમાં ચીનની માગ ધીમી પડી છે ત્યારે સામે વિયેતનામ અને ફિલીપાઈન્સ જેવા સાઉથ ઈસ્ટ એશિયાના દેશોની માગમાં વૃદ્ધી પણ જોવા મળી છે.  

દરમિયાન, ભારતમાં કોલસાની આયાત ઘટાડવા તથા સ્થાનિક ઉત્પાદન વધારવા સરકારે  પ્રયત્નો શરૂ કર્યાના વાવડ દિલ્હીથી મળ્યા હતા.  વિશ્વમાં બીજા ક્રમાંકના સૌથી મોટા કોલસાના  વપરાશકાર ગણાતા ભારતમાં કોલસાની આયાત ૨૦૨૩માં આશરે ૧૭૬૦ લાખ ટન થઈ હતી. 

આ વર્ષે  આ આંકડો ૧૬૦૦ લાખ ટનથી  વધે નહિં એવો ટારગેટ સરકારે બનાવ્યો છે. દેશમાં વિજળીની માગ સતત વધી રહી છે અને તેના પગલે કોલસાનો વપરાશ પણ વધતો રહ્યો છે  એ જોતાં કોલસાની  આયાત ઘટાડવા ઘરઆંગણે કોલસાનું ઉત્પાદન વધારવું આવશ્યક બન્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

એક તરફ વિકસીત દેશો ભારતને કોલસાનો વપરાશ ઘટાડવા તથા ગ્રીન એનર્જીનો વપરાશ વધારવા દબાણ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ભારતમાં વિજળીનો વપરાશ ઝડપથી વધતાં કોલસાની માગમાં વૃદ્ધી થતી જોવા મળી છે એ જોતાં ભારતમાં હવે પછી પ્રદુષણ મુક્ત વાતાવરણ ઊભું કરતા કરતા ૨૦૭૦ની સાલ આવી જાય તો નવાઈ નહીં એવી શકયતા આ ક્ષેત્રના જાણકારો બતાવી રહ્યા હતા!

Prasangpat

Google NewsGoogle News