Get The App

ડોક્ટરોની હડતાળ લાંબી ચાલશે તો રાજ્યમાં મમતાની ઇમેજ ધોવાશે

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
ડોક્ટરોની હડતાળ લાંબી ચાલશે તો રાજ્યમાં મમતાની ઇમેજ ધોવાશે 1 - image


- ડોક્ટરો બહુ મક્કમ બનીને આગળ વધી રહ્યા છે

- પ્રસંગપટ

- વિપક્ષી ગઠબંધનનો કોઇ પણ પક્ષ મમતાની કાર્યશૈલીના વિરૂધ્ધમાં બોલીને તેમને છંછેડવા તૈયાર નથી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી માટે ડોક્ટરોની હડતાળ ગળામાં ભરાયેલા ઠળીયા સમાન બની ગઇ છે. હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ જ્યારે સાગમટે રાજીનામાં આપ્યા ત્યારે મમતા બેનરજીને ખ્યાલ આવ્યો હતો કે ડોક્ટરો બહુ મક્કમ બનીને આગળ વધી રહ્યા છે.

 મમતા એમ માનતા હતા કે તેમના તોફાની કાર્યકરોના ઇશારે હડતાળને તોડી નાખીશું પરંતુ ડોક્ટરો ટસના મસ થતા નથી. ઇન્ટર્ન મહિલા ડોક્ટર પર રેપ બાદ હત્યાના કેસનું ભૂત સમગ્ર પ.બંગાળના રાજકારણને હચમચાવી રહ્યું છે. મમતાને ડર એ વાતનો છે કે તેમના રાજ્યના બુધ્ધિજીવી મતદારો તેમનો સાથ છોડી શકે છે.

મમતા દેખાય છે શિસ્તને વરેલાં અને એરોગન્ટ પરંતુ ડોક્ટરોની હડતાળના કેસમાં તે રાજીનામું આપવા સુધીની ઓફર કરી ચૂક્યા છે. મમતાને ટેકામાં ઇન્ડીયા ગઠબંધનના એક પણ નેતા વચ્ચે પડી શકે એમ નથી. 

કોંગ્રેસે પણ કોલક્તાના બળાત્કારના કેસમાં ચાંચ નહીં ડૂબાડવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. વિપક્ષી ગઠબંધનનો કોઇ પણ પક્ષ મમતાની વિરૂધ્ધમાં કે તેમની કાર્યશૈલીના વિરૂધ્ધમાં બોલીને તેમને છંછેડવા તૈયાર નથી. મમતા અન્ય રાજ્યોમાં જતા બંધ થઇ ગયા છે. અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર ઉતરેલ વધુ એક જુનિયર ડોક્ટરની તબિયત લથડતાં સારવાર માટે દાખલ કરાયા હતા. પહેલાં અનિકેત મહાતો અને હવે આલોક વર્માને સારવાર અપાઇ રહી છે. ગઇ પાંચ ઓક્ટોબરથી આમરણ ઉપવાસ શરૂ કરાયા છે.

જ્યારે ડોક્ટરોએ સાગમટે રાજીનામાં આપ્યા ત્યારે તે કાયદેસર રીતે સ્વિકારી શકાય નહીં એમ કહીને મમતા સરકારે તે સ્વિકારવાની ના પાડી હતી. દરેકે અલગ રાજીનામાં આપવા પડે એવો વાંધો કાઢ્યો હતો.  આરજીકેર હોસ્પિટલનો મામલો આટલો લાંબો ખેંચાશે તે મમતાએ કલપ્યું પણ નહોતું. 

રાજ્યની હોસ્પિટલોમાં મહિલા સ્ટાફની સલામતી માટેના પગલાં ભરવાની યાદી હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ સરકારને આપી છે પરંતુ સરકાર કેટલીક માંગણીઓની વાત ટલ્લે ચઢાવી રહી છે. 

એકવાર થયેલું સમાધાન તૂટી પડયા બાદ ડેાક્ટરોને સરકાર પર ભરોસો નથી તે દેખાઇ આવે છે. હવે જ્યારે રાજ્ય સરકારના સિનીયર ડોક્ટરો પણ રાજીનામા આપવાના મૂડ બતાવી રહ્યા છે ત્યારે સરકારની ચિંતા વધી છે.

ડોક્ટરોની હડતાળના શરૂઆતનો દિવસોમાં મમતા બેનરજીએ એમ કહે રાખ્યું હતું કે હડતાળીયા ડોક્ટરોને ભાજપનો ટેકેા છે. જોક મમતાની આ વાતનું બૂમરેંગ થયું હતું અને ડોક્ટરે તે વાતને રદીયો આપીને કહ્યું હતું કે અમારા સાથીના મોતને રાજકીય ટચ ના આપો. 

પોતાના રાજ્યની ભૂલોને અન્ય પક્ષ પર ઢોળવાનો મમતાનો આઇડયા હાસ્યાસ્પદ સાબિત થયો હતો. હવેતો મમતાની પોલીસ હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને સિક્યોરિટી આપી રહી છે. લોકો પણ ડોક્ટરોને ટેકો આપી રહ્યા છે. મમતા અને ડોક્ટરો વચ્ચે સમાધાનના મુદ્દા અટવાયેલા પડયા છે. કહે છે કે મમતાનો ફાંકો હડતાળીયા ડોકટરોએ ઉતારી નાખ્યો છે. 

હડતાળીયા ડોક્ટરોને રાજ્યની તેમજ દેશની સમગ્ર ડોક્ટર આલમનો ટેકો મળી રહ્યો છે. મમતાના સમર્થકો ગુંડાગીરી કરીને પણ મામલાનું નિરાકરણ લાવી શકે એમ નથી. ડોક્ટરોની હડતાળથી મમતા બેનરજી ઘેરાઇ ગયાં હોય એમ લાગે છે. હડતાળ જેટલી લાંબી ચાલશે એટલી મમતાની ઇમેજ ધોવાતી જશે તે નક્કી છે.

Prasangpat

Google NewsGoogle News