Get The App

સર્વિસ સેક્ટર સતત કામ કરે છે મહેનત કરવાની,પણ વળતર નહીં

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
સર્વિસ સેક્ટર સતત કામ કરે છે મહેનત કરવાની,પણ વળતર નહીં 1 - image


- જીડીપીમાં આઇટી ક્ષેત્રનો ફાળો માંડ સાડાસાત ટકા 

- પ્રસંગપટ

- ઓવરટાઇમ માટે વળતર ફરજીયાત બનાવવામાં આવે તો  90 કલાક કામ કરવાની વાતો બંધ થઇ જાય

- એસ.એન. સુબ્રમણ્યમ  

- એન.આર. નારાયણ મૂર્તિ 

ઇન્ફોસિસના નારાયણ મૂર્તિએ થોડા દિવસો પહેલાં અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાની વાત કરીને વિવાદ ઊભો કર્યો હતો. તેમનાથી બે ડગલાં આગળ વધીને લાર્સન એન્ટ ટુબ્રોના ચેરમેન એસ. એન. સુબ્રમણ્યમે અઠવાડિયે ૯૦ કલાક કામ કરવાની સલાહ આપી ને સાથે સવાલ કર્યો કે રજાના દિવસે કેટલો સમય તમારી પત્નીને નિહાળતા રહેશો? એને બદલે કામ કરો!

૯૦ કલાક એટલે અઠવાડિયાના સાતેસાત દિવસ રોજ ૧૨.૮ કલાક નોકરી કરવી!  ૭૦ કે ૯૦ કલાક કામ કરવાની તેમની સલાહનો સીધો અર્થ આ થાય છે: તમે વધુ કામ કરશો એટલે કંપનીનો નફો વધશે અને સ્ટાફ વધારવો નહીં પડે. સ્ટાફ કહે છે: ચાલો, અમે આખો દિવસ કામ કરીશું, પણ ઓવરટાઇમનાં ફદિયાં તો આપો! નારાયણ મૂર્તિ અને સુબ્રમણ્યમ ઓવરટાઇમ કરતા એમના કર્મચારીઓને વધારાનો રૂપિયો પણ પરખાવતા નથી.

આ બંને મહાનુભાવોની કંપનીઓનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં મોટું નામ છે. જોકે દેશના જીડીપીમાં આઇટી ક્ષેત્રનો ફાળો માંડ સાડાસાત ટકા જેટલો છે. તો પછી બાકીના ઉદ્યોગ ક્ષેત્રોનાં કામના કલાકોનું શું?  સર્વિસ સેક્ટર માટે તો  કામના કલાકો નિયત નથી.  પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનારાઓ માટે તો ઓફિસ આવવાનો સમય ફિક્સ હોય છે, પરંતુ ઘેર જવાનો સમય ક્યારેય ફિક્સ હોતો નથી.

હેલ્થ સેક્ટરની વાત કરીએ તો  સરકારી હોસ્પિટલોમાં પેરામેડિકલ સ્ટાફના વર્કિંગ અવર્સ નિયત  હોય છે, પરંતુ  જ્યાં દર્દીઓ પાસેથી તગડા ચાર્જ વસૂલ કરવામાં આવે છે તે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પેરામેડિકલ સ્ટાફ રોજ ૧૦ કલાક ફરજ બજાવે છે. ઇવન પ્રાઇવેટ લેબોરેટરીના ટેકનિશિયને રોજ ૧૦ કલાક કામ કરવું પડે છે.  સિક્યોરીટી ગાર્ડ્સ, ડ્રાઇવરો, રિક્ષાચાલકો એકધારા કામ કરતા હોય છે.  મુબંઇ જેવા શહેરમાં તો માણસ સવારે કામ કરવા નીકળે છે તે છેક રાત્રે પાછો આવે છે. ઘરે માત્ર થોડું સૂવા, નહાવા-ધોવા ને ટિફિન લેવા જ આવતો હોય તેવા એના હાલ હોય છે.  સમાચાર માધ્યમોમાં ૨૪ કલાક ધમધમતાં હોય છે. છાપાં-મેગેઝિન-ટીવી ચેનલોમાં કામ કરનારાઓને સમયનું ભાન રહેતું નથી. પોલીસ તંત્રની જોબ પણ ૨૪ કલાકની હોય છે. હોમમેકર તરીકે ફરજ બજાવી રહેલી ગૃહિણીના કામ કરવાના કલાકો કોઇ ગણતું નથી. નથી તેમને રજા મળતી કે નથી એને પગાર મળતો. 

જીડીપીમાં માંડ સાડાસાત ટકા ફાળો નોંધાવતા આઈટી ક્ષેત્રનાં મોટાં માથા બાકીના ૯૩ ટકાને વધુ કલાકો કામ કરવાની સલાહ આપીને ખોટો વિવાદ ઊભો કરી રહ્યા છે.  

સરકારી અને ખાનગી કંપનીઓમાં પગાર તેમજ કામના કલાકોમાં આસમાન- જમીનનેા ફર્ક હોય છે. સરકારી કર્મચારીઓને પેન્શન જેવું અદ્દભુત કવચ મળે છે, જ્યારે પ્રાઇવેટ કંપનીઓ કર્મચારીઓની કાર્યક્ષમતા પ્રમાણે પૈસા ચૂકવે છે. આઇટી કંપનીઓમાં ટોચના સાહેબોનો પગાર આંખો ફાટી જાય એટલો હોઈ શકે છે. એલ એન્ડ ટીના સુબ્રમણ્મયનો  વાર્ષિક પગાર ૫૧ કરોડ રૂપિયા છે. રોજના લગભગ ૧૪ લાખ રૂપિયા. એલ એન્ડ ટીના કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં સુબ્રમણ્યમ સાહેબનો પગાર ૫૩૪ ગણો વધારે છે! આવો અધધધ પગાર લેતા સાહેબ પોતે વધારે કલાકો કામ કેમ ન કરે? વક્રતા એ છે કે રોજના લાખો રૂપિયા કમાતા આ સાહેબ પોતાના કર્મચારીઓને વધારે કામ કરવા બદલ એક રૂપિયો વધારાનો ચુકવવા તૈયાર નથી. 

કોઈએ મુદ્દાની વાત કરી કે ભારતીય કંપનીઓ માટે અઠવાડિયાના ૪૦ કલાક કામ નિયત કરવામાં આવે અને વધારાના કામ બદલ ઓવરટાઇમ પેમેન્ટ ચૂકવવાનું  ફરજિયાત બનાવી દેવામાં આવે તો ૭૦ અને ૯૦ કલાક કામ કરાવવાની વાતો કરનારા આ કોર્પોરેટ મરહારથીઓ ચુપ થઈ જશે!

વર્ક ફ્રોમ હોમ કરનારાના કલાકો ગણાતા નથી. ઘેર હોય ત્યારે કંપનીના કામ માટે જે ફોન-ઇમેઇલ થતા હોય તે તે પણ મહત્ત્વનાં કામો છે, તે પણ કોઈ ગણનામાં લેતું નથી. બેરોજગારીના માહોલમાં કામના કલાકો વધારવાની વાતો સાંભળવી પડે તે લાચારી છે, પણ વધારાના કામના બદલામાં વધારાનું વળતર આપવા વિશે વિચારવાની જરૂર છે. 

Prasangpat

Google NewsGoogle News