Get The App

મણિપુરમાં દસમી વાર રાષ્ટ્રપતિ શાસન લદાયુંઃ હવે નક્કર પરિણામની આશા

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
મણિપુરમાં દસમી વાર રાષ્ટ્રપતિ શાસન લદાયુંઃ હવે નક્કર પરિણામની આશા 1 - image


- મણિપુરની જનતા માટે રાષ્ટ્રપતિ શાસન નવી વાત નથી

- ભાજપ રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સરહદેથી થતી ઘૂસણખોરી અટકાવીને કાયમી શાંતિ માટે પ્રયાસ કરે તે જરૂરી છે

- પ્રસંગપટ

મણિપુરમાં લાંબો સમય સુધી હિંસાચાર જોયા પછી કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસનનું શસ્ત્ર ઉગામ્યું છે. મણિપુરની જનતા માટે જોકે રાષ્ટ્રપતિ શાસન એ નવી વાત નથી, કેમ કે દેશમાં સૌથી વધુ - ૧૦ વાર - રાષ્ટ્રપતિ શાસન મણિપુરમાં લદાઈ ચૂક્યું છે. મણિપુરે અનુભવેલો સૌથી પ્રલંબ રાષ્ટ્રપતિ શાસનનો ગાળો બે વર્ષ ૧૫૭ દિવસનો છે - ૧૭ ઓક્ટોબર ૧૯૬૯થી ૨૨ માર્ચ ૧૯૭૨. 

રાજ્ય બંધારણ અનુસાર કામ કરવા સક્ષમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યનો વહીવટ સીધો જ પોતાના હાથમાં લઇ લે છે. ત્યાર બાદ રાજ્યપાલ તેમની પસંદગીના અધિકારીઓની નિમણૂક કરી શકે છે અને શાસન કરી શકે છે. મોટા ભાગે આવા અધિકારીઓ નિવૃત્ત હોય છે અને લોકો સાથે બહુ ભેદભાવ ન રાખનારા હોય છે. આવા અધિકારીઓે અન્ય રાજ્યોમાંથી પણ લાવી શકાય છે.

દેશના લગભગ તમામ રાજ્યો રાષ્ટ્રપતિ શાસનનો અનુભવ કરી ચૂક્યાં છે, ફક્ત  તેલંગણા અને છત્તીસગઢને બાદ કરતાં.  રાજ્યોમાં કોઇ રાજકીય જોડાણ તૂટી પડે કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાતું હોય છે. રાજ્યપાલ  રાષ્ટ્રપતિને ભલામણ કરે તે પછી રાષ્ટ્રપતિ શાસન લદાતું હોય છે. ત્યાર બાદ દર છ મહિને તે રીન્યુ કરવું પડે છે. દરેક પગલે રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર રહે છે. 

લોકોના રોજીંદા જીવનમાં રાષ્ટ્રપતિ શાસનના કારણે વિશેષ ફેરફાર જોવા નથી મળતા. હા, સરકારી કર્મચારીઓ નિયમિત ઓફિસ આવતા થઇ જાય છે. અન્ય કેટલીક સમસ્યાઓ ઉકેલવી આસાન બની જાય છે.

કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસનના બહુ પડતા ઉપયોગના વિરોધમાં છે. પશ્ચિમ બંગાળમાં સંદેશખલી વિસ્તારનો ઘટનાક્રમ બન્યો ત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોરદાર માગણી થઈ હતી. જે રાજ્યમાં ચૂંટાયેલી સરકાર હોય ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું ખૂબ મુશ્કેલ હોય છે. ભૂતકાળમાં રાજ્યના સત્તાધારી પક્ષને ઉથલાવવા રાષ્ટ્રપતિ શાસનનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો છે. 

કર્ણાટકની બોમ્માઇ સરકારને ઉથલાવવા કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદ્યું ત્યારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. તે વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તતડાવી નાખી હતી અને ૩૫૬મી કલમનો દુરુપયોગ કરવા સામે ચેતવણી આપી હતી.

ભારતના રાજકારણમાં કેન્દ્ર સરકાર કોઈ પણ પક્ષની હોય, પણ  તેણે વિપક્ષની રાજ્ય સરકાર તોડવા રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કર્યો છે. વિપક્ષની રાજ્ય સરકારોને રાષ્ટ્રપતિ શાસનનું હથિયાર ગમે ત્યારે ત્રાટકશે એવો ડર રહેતો હોય છે. જોકે છેલ્લાં દસ વર્ષમાં એક પણ ચૂંટાયેલી રાજ્ય સરકારને ઉથલાવવાનો પ્રયત્ન થયો નથી.

વર્તમાન મોદી સરકાર રાષ્ટ્રપતિ શાસનની વિરોધી ગણાય છે, પરંતુ મણિપુર માટે કેન્દ્ર પાસે આ એક માત્ર વિકલ્પ બચ્યો હતો. મણિપુરમાં સ્થિતિ એટલી તંગ છે કે રાજ્યની મુલાકાતે ગયેલા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાની સિક્યોરીટી વધારવી પડી હતી. 

સરહદી રાજ્યોમાં રાજ્ય સરકારો  તોફાની તત્ત્વો સામે આંખમિંચામણા કરે છે ત્યારે તોફાનો વધુ ભડકે છે. મણિપુરમાં કડક હાથે સાફસૂફી કરવાની તક રાષ્ટ્રપતિ શાસનના કારણે કેન્દ્ર સરકારને મળી છે. કોણ તોફાની તત્ત્વો છે તેની સરકારને ખબર છે, પરંતુ મતલક્ષી અભિગમને કારણે સરકાર તોફાનીઓની આળપંપાળ કરતી હતી. હવે જ્યારે રાજ્યપાલ પાસે તમામ સત્તા આવી ગઇ છે ત્યારે તેનો મહત્તમ ઉપયોગ કરીને મોટા પાયે તોફાનીઓની સાફસુફી કરવાની જરૂર છે.

મણિપુરમાં અવારનવાર અશાંતિ ઊભી થતી રહી છે. દરેક સરકાર કાયમી સમાધાન લાવવાના બદલે થીગડાં મારીને સમસ્યાને દાટી દે છે. થોડા સમય જૂની સમસ્યા પાછી માથું ઉંચકીને સપાટી પર આવી જાય છે.

મણિપુરના કેસમાં ડબલ એન્જિન સરકાર છે તે એક પ્લસ પોઈન્ટ છે. કેન્દ્ર અને રાજ્ય બન્નેમાં એક જ પક્ષની સરકાર હોવી તે મોટા રાહતની વાત છે. ભાજપનો અભિગમ સામાન્યપણે મોટા પાયે સાફસૂફી કરવાનો હોય છે. 

Prasangpat

Google NewsGoogle News