લઘુત્તમ ટેકાના ભાવનો મુદ્દો ફરી ધૂણે છે પંજાબના કિસાનો ટસના મસ થતા નથી
- ભારત રત્ન સ્વામિનાથન રાતોરાત લોકપ્રિય
- પ્રસંગપટ
- ખાલિસ્તાનવાદીઓના ઝંડા અને જયકારા જોવા મળે ત્યારે કેન્દ્ર સરકારે 'આંદોલન'ની ગંભીરતા સમજી લેવી જોઇએ
કિસાન આંદોલન મોદી સરકારની ચિંતા વધારી રહ્યું છે. સરકારને પ્રેશરમાં લાવીને પોતાની માંગણીઓનો અમલ કરાવવા સરકારને ઝૂકાવવાની નીતિ રાજકીય પીઠબળ વિના શક્ય નથી તે સ્પષ્ટ છે. ૨૦૨૧ના અંત ભાગમાં થયેલા કિસાન આંદોલન વખતે મોદી સરકારે ત્રણ કાયદા પાછા ખેંચી લેતા આંદોલન સમેટાઇ ગયું હતું. સરકાર તે વખતે પણ ઊંઘતી ઝડપાઇ હતી અને આ વખતે પણ ઊંઘતી ઝડપાઇ છે. જે ઝનૂનથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આગળ વધી રહ્યું છે તે જોતાં લાગે છે કે સરકારે અનેક મુદ્દે ફરી નમતું જોખવું પડશે.
આંદોલનમાં જ્યારે ખાલિસ્તાનવાદીઓના ઝંડા અને જયકારા જોવા મળે ત્યારે કેન્દ્ર સરકારે તેની ગંભીરતા સમજી લેવી જોઇએ. આંદોલનકારીઓ એક મહિનો ચાલે એટલો ખાધાખોરાકીનો સામાન ટ્રેકટરોમાં લાદીને આવ્યા છે એટલે તેમનું આયોજન આંદોલનને કમસે કમ એક મહિનો ચલાવવાનું હશે એમ મનાય છે. અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી કેન્દ્ર સરકારની વધતી પ્રતિષ્ઠાને ઝાંખી પાડવાનો આ પોલિટિકલ ગેમ પ્લાન હોઇ શકે છે. કોઇ વિપક્ષી નેતા આંદોલન સાથે સીધો જોડાયેલો નથી, પરંતુ પડદા પાછળ તેમના ચહેરા નિવેદનો મારફતે દેખાઇ રહ્યાં છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે આંદોલન કરનારાઓને ભેગા થવા દીધા હતા, જ્યારે રાહુલ ગાંધી હવે એમ કહી રહ્યા છે કે અમારી સરકાર આવશે તો અમે ભારત રત્ન સ્વામિનાથનના રીપોર્ટનો અમલ કરીશું. ભારતની કમનસીબીએ છે કે આંદોલન કરવાનો હક સૌ કોઈને અપાય છે. અલબત્ત, લોકોને પરેશાન કરવાનો કે યુદ્ધની જેમ આંદોલન કરવાનો કોઇને હક ન હોઈ શકે. જે રીતે આંદોલનને વિપક્ષી સંગઠનો ટેકો આપી રહ્યા છે તે જોતાં લાગે છે કે બહુ વ્યવસ્થિત રીતે સરકાર-વિરોધી પવન ઊભો કરવાનો તખ્તો રચાયો છે.
ભારત રત્ન સ્વામિનાથન રાતોરાત આંદોલન કરનારાઓમાં પ્રિય થઇ ગયા છે. કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર સ્વામિનાથને તૈયાર કરેલા અહેવાલને સ્વામિનાથન કમિટીની દરખાસ્તો તરીકે ઓળખવામાં આવે છે. એમએસપી (મિનીમમ સપોર્ટ પ્રાઇસ - લધુત્તમ ટેકાના ભાવ)ેનું ભૂત વારંવાર ધૂણાવવામાં આવે છે. સ્વામિનાથને કૃષિ પાકના ઉત્પાદન ખર્ચ કરતાં વધારાના પચાસ ટકા રકમ એમએસપી પેટે આપવાની ભલામણ કરી છે. તે માટે વર્ષે અંદાજે ૧૨ લાખ કરોડનું બજેટ જોઇએ.
૨૦૧૦થી આ કમિટીની દરખાસ્તોને અમલી બનાવવાની વાત ચાલે છે, પરંતુ કેન્દ્ર સરકારો તેને ટલ્લે ચઢાવ્યે રાખે છે. ૨૦૧૦માં યુપીએ સરકારે આ ભલામણો સ્વીકારી નહોતી. ત્યાર બાદ મોદી સરકારની બીજી ટર્મમાં રાકેશ ટીકૈત જેવા કિસાન નેતાઓએ આંદોલન કરીને સરકારે રજૂ કરેલા કૃષિ સુધારણાના ત્રણ કાયદા પરત ખેંચવાની ફરજ પાડી હતી.
હાલમાં છે એવું ઝનૂન ગયા આંદોલનના છેલ્લા તબક્કામાં જોવા મળ્યું હતું. આ વખતે તો શરૂઆત જ ઝનૂનપૂર્વક કરવામાં આવી છે. અત્યારે તો આંદોલન જાણે પોલીસની વિરૂદ્ધ બની ગયું છે. ટીવી પરનાં દ્રશ્યો જોતાં મિની-યુધ્ધ શરૂ થઈ ગયું હોય તેવી અસર ઉપજે છે. આંદોલનકારીઓને રોકવા ગોઠવાયેલી આડશો જે રીતે ફંગોળી દેવાય છે અને ટ્રેકટરો સાથે પોલીસ તરફ ધસી જવાની ચેષ્ટાની ઘટના બની રહી છે તે જોતાં લાગે છે કે સરકારની સહનશીલતાની કસોટી થઇ રહી છે. કેન્દ્રમાં બહુમતી સાથેની સરકાર છે, પરંતુ સામે ચૂંટણી આવી રહી છે અને પંજાબ તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હોવાથી આંદોલનના પડદા પાછળના સ્ટીયરીંગ પર વિપક્ષી નેતાઓ હોવાનુ અનુમાન કરાઇ રહ્યું છે.
હાથમાં તલવારો લઇને ફરતા કિસાનોનાં દ્રશ્યો ટીવી પર જોઈને લોકો હેબતાઇ જાય છે. સરકાર પર પ્રેશર લાવવા દરેક ક્ષેત્રના લોકો જો કિસાનોે જેવો માર્ગ અપનાવે અને 'ચલો દિલ્હી'ના નારા લગાવવા માંડે તો દેશની સ્થિતિ ડામાડોળ થઈ જાય. લોકશાહીમાં આંદોલન કરવાનો હક ધરાવનારાઓ પાસે સરકારની સાથે બેસીને શાંતિથી સમસ્યા ઉકેલવાનો વિવેકપૂર્ણ વિકલ્પ પણ છે જ.
ભારતમાં દરેક ક્ષેત્ર નફો વધારવા મથી રહ્યું છે. પંજાબ અને હરિયાણાના કિસાનો દેશના સમૃદ્ધ ખેડૂતોની યાદીમાં આવે છે. સરકારની તરફેણમાં જો કોઈ વાત હોય તો એ જ છે કે ચૂંટણીના માહોલમાં સરકારને ભીંસમાં લઈ શકાય તેવા અન્ય અને મહત્ત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ખસીને કિસાન આંદોલન પર આવી જવાનું છે. સાચી અને સારી માંગણીને અયોગ્ય રીતે રજૂ થઈ રહી છે.