For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિવિધ દેશો સાથે ફ્રી ટ્રેડ કરારના કારણે આયાતની માત્રામાં વધારો

Updated: Apr 14th, 2024

વિવિધ દેશો સાથે ફ્રી ટ્રેડ કરારના કારણે આયાતની માત્રામાં વધારો

પ્રસંગપટ

ઈમ્પોર્ટ અંકુશો માટે શરૂ થયેલી માગણી

યુરોપ તથા અમેરિકામાં સ્ટીલની માગ ઘટી છે ત્યારે ભારતમાં સ્ટીલની માગ વધી 

દેશમાં તથા દરિયાપારના બજારોમાં આર્યન એન્ડ સ્ટીલ (લોખંડ અને પોલાદ) ક્ષેત્રે પ્રવાહો ઝડપથી પલ્ટાતા તાજેતરમાં જોવા મળ્યા હતા. સ્ટીલના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલ આર્યન ઓરની બજારમાં પણ તાજેતરમાં ખાસ્સી ઉછળકૂદ દેખાઈ છે. દરમિયાન, ભારત સરકાર દેશમાંથી વિવિધ ચીજોની નિકાસ વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા પ્રયત્નો કરી રહી છે ત્યારે તાજેતરમાં બહાર આવેલા નિર્દેશો મુજબ ૨૦૨૩-૨૪ના માર્ચ અંતે પૂરા થયેલા નાણાં વર્ષમાં આપણો દેશ સ્ટીલનો નેટ આયાતકાર દેશ બની જતાં સ્ટીલ બજાર તથા ઉદ્યોગ જગતમાં આ વિશે ખાસ્સી ચર્ચા જન્મી હતી. 

ફિનિશ્ડ સ્ટીલની બાબતમાં આપણે નેટ આયાતકાર દેશ બન્યા છીએ, એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દેશમાં ઈનબાઉન્ડ શિપમેન્ટો આ ગાળામાં આશરે ૩૭થી ૩૮ ટકા વધી ૮૩ લાખ ટનને પાર કરી ૮૩ લાખ ૨૦ હજાર ટન જેટલા નોંધાયા હતા. આની સામે આઉટ બાઉન્ડ સ્ટીલ શિપમેન્ટો આ ગાળામાં ૧૧થી ૧૨ ટકા વધી ૭૪  લાખ ટનની ઉપર થઈ ૭૪ લાખ ૮૦ હજાર ટન આસપાસ નોંધાયા છે. જે આંકડો ૨૦૨૨-૨૩ના નાણાં વર્ષમાં૬૭ લાખ ૧૦ હજાર ટન આસપાસ નોંધાયો હતો. 

આમ ૨૦૨૩-૨૪ના નાણાંવર્ષમાં દેશમાંથી સ્ટીલની થયેલી નિકાસની સરખામણીએ દેશમાં થયેલી સ્ટીલની આયાતનું પ્રમાણ વધી જતાં આપણે નેટ ઈમ્પોર્ટર દેશ બની ગયા છીએ એવું સ્ટીલ ઉદ્યોગના જાણકારોએ જણાવ્યુંહતું. 

 કેન્દ્ર સરકારના સ્ટીલ મંત્રાલયની જોઈન્ટ પ્લાન્ટ કમિટી જેપીસીના સૂત્રોએ આપ્રશ્ને ચિંતા દર્શાવી હતી. ભારતમાં ચીન ખાતેથી આવી આયાત વધી હોવાનું સ્ટીલ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દેશમાં આવી આયાતોને સરકારે અંકુશમાં લેવી જરૂરી હોવાની માગણી ઘરઆંગણાના સ્ટીલ ઉત્પાદકો દ્વારા કરાતી થઈ છે.

દરમિયાન ભારતે વિવિધ દેશો સાથે કરેલા ફ્રી-ટ્રેડ કરારોના કારણે પણ દેશમાં આવી આયાતને વેગ મળ્યો હોવાનો આક્ષેપ સ્ટીલ બજારમાં સંભળાઈ રહ્યો હતો. દેશમાં કાચા (ક્રૂડ) સ્ટીલનું ઉત્પાદન ૧૨થી ૧૩ ટકા વધી ૧૩૮૪થી ૧૩૮૫ લાખ ટન થયું છે જે ૨૦૨૨-૨૩ના નાણાંવર્ષમાં ૧૨૩૧થી ૧૨૩૨ લાખ ટન થયું હતું. 

દેશમાં ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ ૧૩થી ૧૪ ટકા વધી ૧૩૫૯થી ૧૩૬૦ લાખ ટન નોંધાયો છે જે અગાઉનાં નાણાંવર્ષમાં ૧૧૯૮થી ૧૧૯૯ લાખ ટન થયો હતો. દેશમાં સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા પણ ઝડપથી વિસ્તાર પામી રહી છે તથા નેશનલ સ્ટીલ પોલીસી બનાવતી કમિટિના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં સ્ટીલ ઉત્પાદનની કુલ ક્ષમતા આવતા છ વર્ષમાં ૨૦૩૦ સુધીમાં વધીને ૩૦૦૦ લાખ ટનની સપાટીને આંબી જવાની શક્યતા જણાઈ રહી છે.

ભારતમાં સ્ટીલની માગ વધી છે. દેશમાં બાંધકામ તથધા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ચહલ પહલ વધતાં સ્ટીલ તથા સિમેન્ટની માગ ઉંચી જતી જોવામળી છે. આના પગલે ઘરઆંગણાનાસ્ટીલ ઉત્પાદકો ઉત્પાદન ક્ષમતા વધારવા મોટું  ઈન્વેસ્ટમેન્ટ  પણ કરતા જોવા મળ્યા છે. 

યુરોપ તથા અમેરિકામાં સ્ટીલની માગ ઘટી છે ત્યારે ભારતમાં સ્ટીલની માગ વધી રહ્યાના વાવડ મળ્યા છે. દેશમાં એપ્રિલ મહિનાના આરંભ વચ્ચે ૨૦૨૪-૨૫ના નવા નાણાંવર્ષનો આરંભ થયો છે તથા નવા નાણાં વર્ષમાં ઘરઆંગણે સ્ટીલ ઉત્પાદનની ક્ષમતામાં  આશરે ૨૨૦ લાખ ટનની વૃદ્ધી કરવાનો લક્ષ્યાંક સ્ટીલ ઉદ્યોગે બનાવ્યો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સના એનાલીસ્ટોના જણાવ્યા મુજબ ભારતમાં ૨૦૨૪-૨૫ના વર્ષમાં સ્ટીલની માગમાં ૮થી ૧૦ ટકાની વૃદ્ધી થવાની શક્યતા છે. દરમિયાન, એપ્રિલ ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ના ૧૦ મહિનાના ગાળામાં દેશમાં સ્ટીલની માગ ૧૪થી ૧૫ ટકા વધી ૧૧૨૫ લાખ ટન થતાં છ વર્ષની ટોચ આવા વપરાશમાં જોવા મળી હતી.

Gujarat