વ્હેલ ફિશીંગ : સાઇબર ક્રિમિનલ્સ હવે મોટાં માથાંને શિકાર બનાવે છે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
વ્હેલ ફિશીંગ : સાઇબર ક્રિમિનલ્સ હવે મોટાં માથાંને શિકાર બનાવે છે 1 - image


- સાયબર ક્રિમિનલોની હિંમત વધી રહી છે 

- પ્રસંગપટ

- એકલા પુણેમાં જુલાઈથી અત્યાર સુધીમાં વ્હેલ ફિશીંગના દસ કિસ્સા બની ચૂક્યા છે

સાયબર ફ્રોડ કરનારા બદમાશો દરેક વર્ગના અને ક્ષેત્રના લોકોને સાણસામાં લેતા હોય છે. કહેવાતા જાગૃત અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જાણકાર લોકોને  પણ સાયબર ફ્રોડ કરનારાઓએ ધૂળ ચટાવી છે. ટૂંકમાં, સાયબર ક્રિમિનલ્સે કોઇને છોડયા નથી. સાયબર ક્રિમિનલ્સ એટલા માટે પગ પસારી રહ્યા છે કે સાયબર પોલીસ માત્ર કાગળનો વાઘ સમાન છે. સાયબર ફ્રોડ કરનારા નિર્દોષ લોકોના કરોડો રૂપિયા આંચકી રહ્યા હોય છે ત્યારે પોલીસ પેન્ડિંગ કેસના ઢગલા પાસે હાથ ધરીને બેઠી હોય છે.  

સાયબર ફ્રોડ કરતા અપરાધીઓની હિંમત હવે ખુલી છે. હવે આ અપરાધીઓ મોટાં માથાંને શિકાર બનાવી રહ્યા છે, જેને વ્હેલ ફિશીંગ કહે છે. કંપનીના સીઇઓ, મેનેજરો વગેરે જેવા ઊંચા હોદ્દા પર બેઠેલા સિનિયર એક્ઝિક્યુટીવ્ઝને સાયબર ફ્રોડ કરનારા ટાર્ગેટ બનાવે છે. આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા એક્ઝિક્યુટીવ્સ સુધ્ધાં સાયબર ફ્રોડના શિકાર બની રહ્યા છે. 

તાજેતરમાં આવો એક કિસ્સો બની ગયો. બન્યું હતું એવું કે પુણેની એક એક આઇટી કંપનીની હ્યુમન રીસોર્સ (એચઆર) મેનેજરને પોતાની જ કંપનીના અમેરિકાસ્થિત હેડક્વાર્ટર્સમાંથી સીઈઓનો મેસેજ આવ્યો. આ સંદેશો ઇમેઇલમાં નહીં, પણ વોટ્સએપ પર આવેલો.  આ મેસેજ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો, પણ તેના ફોન નંબરમાં અમેરિકાનો કોડ હતો. મેસેજ મોકલનારે ખુદને કંપનીનો સીઇઓ તરીકે પેશ કર્યો.  એચઆર મેનેજરે સાથે એના અમેરિકન બિગ બોસે ક્યારેય સીધો ફોન કે વોટ્સએપ મેસેજ કર્યા નહોતા એટલે સ્વાભાવિક રીતે જ તેના મોબાઇલમાં સીઈઓ સાહેબનો નંબર સેવ થયેલો નહોતો.  વોટ્સએપના પ્રોફાઇલ પિક્ચરમાં તસવીર તો જોકે અમેરિકન બોસની જ હતી.   મેસેજમાં કંપનીનો લેટરહેડ, કંપનીના ફોન નંબર, ઇમેલ બધું જ હતું. આ ફોન નંબર અને ઇમેલ તો બરાબર લાગતા હતા.

મેસેજમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે સ્ટાફને ભેટ આપવા માટે એમેઝોન પરથી પાંચ-પાંચ હજારના ૧૦૦ એપલ ગિફ્ટ કાર્ડ ખરીદી લો! મેસેજમાં એવુંય લખ્યું હતું કે મારો એક કોન્ફરન્સ કોલ ચાલે છે તેથી મને ડિસ્ટર્બ ન કરવો. મારા બદલે અન્ય સ્ટાફ મેમ્બર સાથે વાત કરવી.  આ અન્ય સ્ટાફ મેમ્બરનો મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યો હતો. 

ચિઠ્ઠીની ચાકર જેવી એચઆર મેનેજરે ૧૦૦ ગિફ્ટ વાઉચર ઓનલાઇન ખરીદી લીધાં અને સ્ટાફ મેમ્બરના નંબર પર મેસેજ પણ કરી દીધી કે સીઈઓની સૂચના અનુસાર એપલના ગિફ્ટ કાર્ડ્ઝ ખરીદાઈ ગયાં છે. આ સ્ટાફ મેમ્બરે નવો આદેશ આપ્યો: એમ કરો, બીજા ૧૦૦ ગિફ્ટ કાર્ડ્ઝ ખરીદી લો અને આ ઇમેઇલ એડ્રેસ પર મોકલી આપો.   

એચઆર મેનેજરે પોતાના સ્થાનિક સિનિયર સાથે આ વિશે વાત કરી ને પછી પાંચ-પાંચ હજારના બીજાં ૧૦૦ ગિફ્ટ કાર્ડ્ઝ ઓનલાઈન ખરીદીને જે-તે ઇમેઇલ આઇડી પર મોકલી આપ્યાં. 

થોડી વાર પછી એચઆર મેનેજરના એક કલીગે એને પૂછ્યું: પેલાં કાર્ડ તમે કેવી રીતે મોકલ્યા? એચઆર મેનેજરે કહ્યું: મને આ ઇમેઇલ આઈડી આપવામાં આવ્યું હતું, તેના પર મેં મોકલી આપ્યાં છે. આ તબક્કે ખબર પડી કે પેલું ઇમેઇલ આડી અને ફોન નંબર બધું જ નકલી છે! કંપનીના સીઈઓનું સાચું ઇમેઇલ આઈડી કંઈક જુદું જ છે. તરત સ્પષ્ટ થઈ ગયું કે એચઆર મેનેજર સાથે દસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે. તરત પોલીસ સ્ટેશને  આ સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધવામાં આવી. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણે અને બેંગલોરમાં વ્હેલ ફિશીંગની ઘણી ઘટનાઓ નોંધાઇ છે. ફ્રોડ કરનારાઓે જુદી જુદી આઇટી કંપનીઓને પાંચ કરોડનો ચૂનો ચોપડી ચૂક્યા છે. એકલા પૂણેમાં જ જુલાઈથી અત્યાર સુધીમાં વ્હેલ ફિશીંગના દસ કિસ્સા બની ચૂક્યા છે.

સાઇબર અપરાધીઓને હવે નાની નાની માછલીઓમાં રસ નથી. તેઓ મોટી વ્હેલ માછલીઓ એટલે કે કંપનીઓના સિનિયર ઓફિસરોન ટાર્ગેટ બનાવે છે. આ બધા પર ક્યારેય સંપૂર્ણપણે લગામ મૂકાય છે કે કેમ એ તો સમય જ બતાવશે. 

Prasangpat

Google NewsGoogle News