ઇન્ટરનેટ પર ડોમેઇન નેમનો ધીકતો ધંધો: કરોડોમાં સોદા
- ચેટ ડોટકોમ ડોમેઇન નેમ ૧૫ મિલિયનમાં વેચાયું
- જીવીકા અને જૈનમ
- પ્રસંગપટ
- દુબઇ સ્થિત જૈન બાળકેાએ રિલાયન્સને વિના મૂલ્યે ડોમેઇન નેમ આપી દેવાની ઓફર કરી
ઇન્ટરનેટની દુનિયામાં ડોમેઇન નેમનું ઘણું મહત્ત્વ છે. તે એટલા માટે છે કે તમે ડિજિટલની દુનિયામાં ક્યા નામે ઓળખ ઊભી કરો છો અને તેનું કેવી રીતે માર્કેટિંગ કરો છો તે મહત્ત્વનું છે. પોેતાની ચપ્રોડક્ટના નામ સાથે સંકળાયેલા લોકજીભે ચડે એવું ડોમેઇન નેમ શોધવા માટે પુષ્કળ બ્રેઇન સ્ટોર્મિંગ થતું હોય છે. તમે ધારો કે દસ ડોમેઇન નેમ્સ શોર્ટલિસ્ટ કરો છો, પણ તમે જ્યારે તેને બુક કરાવવા જાઓ ત્યારે ખબર પડે કે આ તમામ નામો કોઈ પહેલેથી બુક કરાવીને બેઠા છે. તમારે પછી મનગમતું ડોમેઇન નેમ જે-તે વ્યક્તિ પાસેથી ખરીદવું પડે.
આમ, ડોમેઇન નેમ ઓનલાઇન વેચવા માટેનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. ઇન્ટરનેટ હજુ નવું નવું હતું ત્યારે લોકો લોકજીભે ચઢેલા ડોમેઇન નેમ માટે બહુ પ્રયાસ નહેાતા કરતા, પરંતુ ડિજિટલ માર્કેટિંગનો વ્યાપ વધ્યા પછી અને પોતાની કંપની નામ જેવું જ ડોમેઇન નેમ ધરાવવાનું ંમહત્ત્વ વધતું ગયું.
તાજેતરમાં બનેલી બે ઘટનાઓ પરથી લોકોને ડોમેઇન નેમના ધીકતા ધંધાની ખબર પડી છે. ડોમેઇન એડવાન્સ બુક કરાવીને વેચનારા ધીરજવાન હોય છે. ૧૯૯૬માં કોઇએ ચેટ ડોટકોમ બુક કર્યું હતું, જેને હબસ્ટોપ નામની કંપનીના કો-ફાઉન્ડર ધર્મેશ શાહે ૨૦૨૩ની શરૂઆતમાં ખરીદી લીધું હતું.
ધર્મેશ શાહે પછી ૧૫ મિલિયન ડોલરમાં આ નામ ઓપનએઆઈ કંપનીને વેચી માર્યું. ઓપનએઆઇ એટલે એ કંપની જેની ચેટજીપીટી નામની પ્રોડક્ટે અત્યારે દુનિયામાં ધમાલ મચાવી છે.
ડોમેઇન નેમ બુક કરાવીને મૂકી રાખનારાઓએ નજીવો ખર્ચ કરવો પડે છે. ડોમેઇન નેમ બુક થયા પછી દર વર્ષે તેને રિન્યુ કરવું પડે છે.
બીજી ઘટના રિલાયન્સ જીયો સાથે જોડાયેલી છે. રીલાયન્સ જીયોથી આખો દેશ પરિચિત છે. હવે જ્યારે હોટસ્ટાર તેની સાથે જોડાયું છે ત્યારે જીયો હોટસ્ટાર નામના ડોમેઇનની આવશ્યકતા ઊભી થઇ હતી. જીયો હોટસ્ટારના અધિકારીઓએ ડોમેઇન નેમ માટે અપ્લાય કર્યું ત્યારે ખબર પડી કે તે તો ઓલરેડી કોઈએ બુક કરી નાખ્યું છે. દુબઇના બે જૈન તરુણોએેે તે બુક કરાવ્યું હતું અને આ ડોમેઇન નેમથી તેઓ એક વેબસાઇટ પણ ચલાવતા હતા. દુબઇસ્થિત જૈનમ (૧૩ વર્ષ) અને જીવિકા (૧૦ વર્ષ) નામનાં ભાઇ-બહેનની જોડીએ તેમની વેબસાઇટનું નામ જીયોહોટસ્ટાર ડોટકોમ (jiohotstar.com) રાખ્યું હતું. તેમણે આ ડોમેઇન નેમ બુક કર્યું ત્યારે જીયો અને હોટસ્ટાર વચ્ચે કોઇ જોડાણ નહોતું થયું. તેમણે દિલ્હીના એક ડેવલપર પાસેથી ડોમેઇન નેમ ખરીદ્યું હતું. તેમનો આશય દુનિયાભરનાં બાળકો સાથે આ વેબસાઇટ દ્વારા જોડાઈને તેમની સાથે જ્ઞાાન-માહિતી શેર કરવાનો અને તેમનાં સપનાં પૂરાં કરવામાં મદદ કરવાનો હતો. ભાઇબહેનની આ જોડી રાતોરાત આ ડોમેઇન નેમના કારણે બહુ ચર્ચાસ્પદ બની ગઈ હતી. જીયો અને હોટસ્ટારનું મર્જર થતાં તેમને ડોમેઇન વેચવા માટે અનેક ઇમેઇલ મળવા લાગ્યા હતા. કેટલાય લોકોએ તગડા પૈસા ઓફર કર્યા. અરે, એક કરોડ રૂપિયા સુધીની ઓફર તેમને મળી હતી. જોકે દુબઇસ્થિત આ જોડીએ કહ્યું હતું કે અમારો આશય સેવાનો છે, સાઇટ ચલાવવા પાછળ પૈસા કમાવવાનો કોઇ આશય નથી. ડોમેઇન વેચવા અંગે બહુ લાંબી ચર્ચા ચાલી હતી. આખરે ભાઈબહેનની આ જોડીએ નક્કી કર્યું કે અમે રીલાયન્સ જીયોને અમારૃં ડોમેઇન નેમ પેપરવર્ક સાથે વિના મૂલ્યે આપી દઇશું.
ડોમેઇન નેમનો ધંધો ધીકતો એટલા માટે કહ્યો છે કે કેટલાય ડોમેઇન નેમ લાખો-કરોડોમાં વેચાયાં છે. ઉદાહરણ તરીકે, તમે રીઅલ એસ્ટેટના બિઝનેસમાં હો અને અને ક્ષેત્ર સાથે સંકળાયેલા કોઇ કેચી નામને ડોમેઇન તરીકે મેળવવા પ્રયાસ કરો, પરંતુ જો તે બુક થઇ ગયું હોય તો તેને ખરીદવા માટે તમારે રુપિયા ચુકવવા પડે. આ ઓફર કરોડોમાં પણ હોઇ શકે છે.
કાર્સ ડોટકોમ (cars.com) નામનું ડોમેઇન વેચવાનો સોદો ૮૭૨ મિલિયન ડોલરમાં થયો હતો. કારઇન્સ્યોરન્સ ડોટકોમનો સોદો ૪૮.૭ મિલિયન ડોલરમાં થયો હતો. પ્રાઇવેટ જેટડોટ કોમ (privatejet.com)નો સોદો ૩૦.૧૮ મિલિયન ડોલરમાં અને ફંડ ડોટકોમનો (fund.com) સોદો ૯.૯૫ મિલિયન ડોલરમાં થયો હતો.
ડોમેઇનના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો રોજ નવાં નવાં ડોમેઇન નેમ ખરીદીને રાખી મૂકે છે અને પછી મોટી કિંમત લઈને વેચી કાઢે છે. લોકો પોતાના બિઝનેસ કે નામ સાથે સંકળાયેલા ડોમેઇન નેમ પ્રિમિયમ આપીને ખરીદે છે.