Get The App

પંજાબમાં વાઘ આવ્યો રે વાઘનો ખેલ કેજરીવાલ ભ્રમણા ફેલાવી રહ્યા છે

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
પંજાબમાં વાઘ આવ્યો રે વાઘનો ખેલ કેજરીવાલ ભ્રમણા ફેલાવી રહ્યા છે 1 - image


- પક્ષપલટાનો સાચો વાઘ ખરેખર આવશે ત્યારે ખબર પડશે

- પ્રસંગપટ

- રાજકીય કાવાદાવા છાના ખૂણે થાય છે. પોતાના વફાદારો ક્યારે પક્ષપલટો કરી ગયા તેની ઉદ્ધવ ઠાકરેને ખબર પણ નહોતી પડી

દિલ્હીમાં મળલી કારમી હારથી પોતે હતાશ થયા નથી એમ દર્શાવવા અરવિંદ કેજરીવાલે હવે પંજાબ રાજ્યમાં ચંચુપાત શરુ કરી છે. ખુદ પંજાબ જવાને બદલે પંજાબના વિધાનસભ્યોને દિલ્હી બોલાવીને તેમણે સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમનો ઉદ્દેશ આ સંકેત આપવાનો હતોઃ ભલે દિલ્હી હારી ગયો, પણ આમ આદમી પાર્ટીનો બિગ બોસ તો હું જ છું.  કેજરીવાલ સતત સમાચારમાં છવાયેલા રહેવા માંગે છે. જોકે તેમના પક્ષને મળેલી હારની નાલેશી તેમના ચહેરા પર સ્પષ્ટ વર્તાય છે. 

કેજરીવાલે પંજાબના વિધાનસભ્યોને સંભવતઃ ચેતવ્યા છે કે કોંગ્રેસ અને ભાજપ તમને તોડવાના પ્રયાસ કરશે, તમે સચેત રહેજો. પોતાના પક્ષના સભ્યોને તોડવાના પ્રયાસ થાય છે એવી વાતો કેજરીવાલ  અને એમના સાથીઓ ખુદ ફેલાવતા હોય છે. જેમ કે, દિલ્હી વિધાનસભાનાં પરિણામો પહેલાં ભાજપ અમારા વિધાનસભ્યોને ૧૫ કરોડ ઉપરાંત પ્રધાન બનાવવાની ઓફર કરી રહ્યા છે એવો આક્ષેપ કરીને કેજરીવાલે નાહકની હો-હા કરી મૂકી હતી. સાંસદ સંજય સિંહ ફરિયાદ કરવા પહોંચી ગયા હતા.

મોટા ભાગના એક્ઝિટ પોલમાં કેજરીવાલની હાર દર્શાવાઇ હતી. કેજરીવાલ આણિ મંડળી લોકોને એવો સંદેશો આપવા માગતા હતા કે એક્ઝિટ પોલના આંકડા ખોટા છે, હકીકત તો એ છે કે અમારા વિધાનસભ્યોને તોડવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

તપાસ એજન્સીઓ આ આક્ષેપોની ઉલટતપાસ કરવા પહોંચી ગઈ હતી. બીજા દિવસે ચૂંટણી પરિણામોમાં સફાયો થયો તે સાથે જ ૧૫ કરોડની ઓફરવાળો આખો વિવાદ અભેરાઇ પર ચડાવી દેવામાં આવ્યો. પરિણામના આગલા દિવસે ૧૫ કરોડની ઓફરના વિવાદથી સમાચાર માધ્યમોમાં છવાયેલા રહેનારા કેજરીવાલે દિલ્હીના મહાધબડકાના બીજા જ દિવસથી પંજાબનો રાગ આલાપવો શરૂ કરી દીધો હતો. 

જાતે જ અફવા ફેલાવવી અને જાતે જ તેનો ઉકેલ લાવીને પોતે બહુ મોટો ચક્રવ્યૂહ ભેદી નાખ્યો છે તેવો દેખાવ ઊભો કરવો - આ કેજરીવાલની તાસીર છે. દેશની જનતા  જાણે છે કે કોઇ વિધાનસભ્ય જાહેરમાં પક્ષપલટાનો સોદા કરતો નથી. નેતાઓ સૌથી પહેલાં પોતાની રાજકીય સલામતી ઊભી કરે છે, પોતાના કુટુંબની સધ્ધરતા ઊભી કરે છે અને પછી બીજા પક્ષમાં ઝંપલાવવાની વેતરણ કરે છે. ભારતીય રાજકારણમાં પૈસાનું જોર દરેક સ્તરે જોવા મળે છે. પૈસા અને હોદ્દાની લાલચનું વજન ખૂબ બધું છે. અલબત્ત, આ બધી રાજકીય ગતિવિધિઓ પડદા પાછળ ચાલતી હોય છે તેની ગંધ તરત આવતી નથી.

કેજરીવાલ હવામાં તીર છોડવામાં માહેર છે. ઇન્ડિયા ગઠબંધનના સદસ્યોએ હજુ સુધી નથી કોઇ બેઠક બોલાવી કે નથી કોઇ તેજાબી પ્રત્યાઘાત આપ્યા. દિલ્હીનાં પરિણામો બધા વિપક્ષો માટે આઘાતજનક હતાં, પરંતુ કોઇ પોતાનાં વાણી-વ્યવહારમાં હતાશા દેખાવા માગતું નથી. 

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન કેજરીવાલને પૂછ્યા વગર પાણી પણ પીતા નથી તે પંજાબના વિધાનસભ્યો જાણે છે. પડદા પાછળના પંજાબના મુખ્ય પ્રધાન તો અરવિંદ કેજરીવાલ જ ગણાય છે.

 દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની અને ખાસ તો અરવિંદ કેજરીવાલની વ્યક્તિગત હાર પછી તેમના માટે રાજકીય તખ્તા તરીકે હવે માત્ર પંજાબ બચ્યું છે. પોતાના પક્ષને કોંગ્રેસ તોડવા મથે છે એમ કહીને કેજરીવાલ વધીઘટી વિપક્ષી એકતા પર હથોડા મારી રહ્યા છે.

પંજાબના ૩૦ વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે તેવા નિવેદનનો રાજકીય અનુવાદ એવો થાય કે ૩૦ સભ્યો કોંગ્રેસમાં જોડાવા તૈયાર છે, પરંતુ આવી બધી બધી વાતો કેજરીવાલના અફવા કેન્દ્રોમાંથી ઉદ્ભવેલી છે. 

પંજાબમાં આમ આદમી પાર્ટી ડ્રગ માફિયા અને ખાલિસ્તાન સમર્થકોની આળપંપાળ કરે છે તેવો આરોપ છે. પંજાબની જનતા  સતત પરિવર્તનના મૂડમાં હોય છે એટલે જ કે તેમણે કેજરીવાલના પક્ષને અજમાવ્યો છે. મુખ્યપ્રધાન ભગવંત માન તેમના વિધાનસભ્યોમાં પ્રિય નથી, પણ જનતાને એમના પ્રત્યે કૂણી લાગણી છે.  કેજરીવાલ જાણે છેકે ભગવંત માનને હટાવવા બહુ આસાન નથી.  પંજાબ વિશે કેજરીવાલે ઉડાવેલી અફવા 'વાઘ આવ્યો રે વાઘ' જેવી છે. રાજકીય તોડફોડનો વાઘ કેવો હોય તે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરએ જોયું છે. 

Prasangpat

Google NewsGoogle News