ટ્રેનની આગળના ટ્રેક પર નજર રાખવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ટ્રેનની આગળના ટ્રેક પર નજર રાખવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરો 1 - image


- 50 દિવસમાં ટ્રેન ઉથલાવવાનાં 18 કાવતરાં

- પ્રસંગપટ

- સરકારી સંપત્તિને નુક્સાન કરવામાં કેટલાક દેશવિરોધી તત્ત્વોને આનંદ મળતો હોય છે

- વંદેભારત એક્સપ્રેસના કાચ તોડતો યુવાન

ટ્રેન અકસ્માત પાછળ માનવસર્ર્જીત  ભૂલો પ્રકાશમાં આવતી હોય છે, પરંતુ આજકાલ ટ્રેન ઉથલાવી પાડવાના રાક્ષસી કાવતરાં આકાર લઈ રહ્યાં છે. છેલ્લા ૫૦ દિવસમાં ટ્રેન ઉથલી પડે અને લોકોનો જીવ જાય તેવા આશયથી રેલ્વે ટ્રેક સાથે ચેડાં કર્યાં હોય તેવી પ૦ ઘટનાઓ નોંધાઈ છે. ક્યાંક તો ફિશ પ્લેટ ઉખાડી દેવાઈ છે. બે દિવસ અગાઉ કાનપુર ખાતે કાલિન્દી એક્સપ્રેસ ઉથલાવવાના ષડયંત્રમાં ૧૨ લોકોને પૂછપરછ માટે પકડવામાં આવ્યા છે.

ભારતમાં રોજ બે કરોડ ૪૦ લાખ પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ કરે છે. રેલ્વેતંત્ર પાસે ૧,૨૬,૩૬૬ કિલોમીટરના ટ્રેકનું વિરાટ માળખું છે. સવા લાખ  કિલોમીટર કરતાંય વધારે પાટા પર સલામતી ગોઠવવી આસાન નથી જ. જેમાં હજારો પ્રવાસીઓ મુસાફરી કરતા હોય તે ટ્રેનને ઉથલાવવાનો પિશાચી વિચાર ભાંગફોડિયા તત્ત્વોને આવે છે અને તેઓ અમલમાં પણ મૂકી શકે છે, કેમ કે તેઓ જાણે છે કે પાટા નધણિયાતા છે. પાટા પર તેઓ કંઈ પણ કરી શકે છે, કેમ કે કોઈ જોવાવાળું નથી. સીસીટીવી કેમેરા પણ નહીં.  

કાલિન્દી એક્સપ્રેસના ટ્રેક પર એલપીજી ગેસ સિલિન્ડર મળી આવ્યું છે. સાથે પેટ્રોલની બોટલ, દિવાસળીની પેટી વગેરે પણ મળી આવ્યાં છે. સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આગળ વધારી છે.

ભિવાનીથી પ્રયાગરાજ જતી કાલિન્દી એક્સપ્રેસના ટ્રેનચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી શકી હતી. ગેસ સિલિન્ડર જેવી કોઈ વસ્તુ ટ્રેક પર પડેલી છે એવું દૂરથી જોતાં એણે ટ્રેનને બ્રેક મારી દીધી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેટીંગ એજન્સી અને એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ સહિતની તપાસ એજન્સીઓ આ ઘટના સાથે કોઇ ત્રાસવાદી કનેક્શન છે કે કેમ તેની તપાસ કરી રહી છે. 

આ વિસ્તારના કેટલાક રીઢા ગુનેગારો સહિત દશેક લોકોની પૂછપરછ થઇ રહી છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળથી કાનપુર આવેલા એક બંગાળી યુવાનની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અમેે ગુનેગારોનું પગેરું શોધી રહ્યા છીએ અને ટૂંકમાં તેમની ધરપકડ પણ કરી લઈશું. પોલીસે ૨૫૦ જેટલા ગેસ સિલિન્ડરોની તપાસ કરીને ટ્રેક પર મુકેલો બાટલો ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળેથી વિસ્ફોટક પાવડર ભરેલી બોટલ અને દિવાસળીની પેટી મળી આવવાં બહુ સૂચક છે. ગેસ ભરેલું સિલિન્ડર એક વ્યક્તિ આસાનીથી ઊંચકી શકતો નથી. વળી, ૭૦ કિલો વજનનો સિમેન્ટનો બ્લોક ટ્રેક પર કેવી રીતે આવ્યો તેની છાનબીન પણ થઈ રહી છે. તેથી પોલીસને શંકા છે કે આ કારસ્તાનમાં બેથી ચાર લોકો સામેલ હોઈ શકે છે. 

તાજેતરમાં સોશિયલ નોટવર્ક પર એક એવો વીડિયો ફરી રહ્યો છે, જેમાં એક યુવાન હથોડી લઇને વંદેભારત એક્સપ્રેસના કાચ તોડી રહ્યો છે. સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડવામાં દેશવિરોધી તત્ત્વોને ભારે આનંદ આવે છે. આ વીડિયોમાં આસપાસ કોઇ પોલીસ કે અન્ય પ્રવાસીઓની અવરજવર દેખાતી નથી. સંભવતઃ વંદેભારત એક્સપ્રેસ યાર્ડમાં પડી હશે ત્યારે કોઇ તોફાનીએ આ તોફાન કર્યંુ હશે. 

જે રીતે આ પ્રકારના જોખમી બનાવો વધી રહ્યા છે તે જોતાં લોકોમાં રોષ પ્રગટવો સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા પર જાતજાતનાં સૂચનો શેર થઈ રહ્યાં છે. કોઈ કહે છે કે ટ્રેનની આગળ એક ડ્રોનને ઉડતું રાખવું જોઇએ, જેના થકી ટ્રેક પર પડેલા પથ્થર, સિમેન્ટની મોટી પાટ કે સિલિન્ડર જેવી વસ્તુઓ વિશે ટ્રેનચાલનકે આગોતરી જાણ થઈ જાય. દરેક ટ્રેનની આગળ ૬૦ કિલોમીટર સુધીના અંતરમાં ડ્રોન સતત ફરતા રાખીને ટ્રેક ચેક કરવવાના વિચારમાં દમ તો છે. અલબત્ત, આઇડિયા તો ઘણા હોઈ શકે, પણ તેનો ત્વરિત અમલ થતો નથી. 

રેલ્વેના પ્રવાસીઓના જાનમાલની સુરક્ષા એ સરકારની ફરજ છે. છેલ્લા ૫૦ દિવસમાં ટ્રેન ઉથલાવી પાડવાનાં કાવતરાં સમાન ૧૮ ઘટનાઓ બનવી તે અત્યંત ગંભીર બાબત છે. પોલીસ હજુ સુધી ગુનેગારો સુધી પહોંચી શકી નથી તે પણ એક કરૂણતા છે.  

Prasangpat

Google NewsGoogle News