મણિપુરમાં શાંતિ સ્થાપી શકે એવી જાદુઇ લાકડી કોઇ પક્ષ પાસે નથી
- રાષ્ટ્રપતિ શાસન જ ઉત્તમ વિકલ્પ દેખાય છે
- પ્રસંગપટ
- નવા મુખ્યપ્રધાન શોધવા ભાજપની મથામણ પ્રજાનો વિશ્વાસ જીતે એવા સીએમ મળવા મુશ્કેલ
- એન. બિરેન સિંહ
ભાજપ મણિપુર માટે નવા મુખ્યપ્રધાન શોધે છે. મણિપુરમાં શાંતિ સ્થાપી શકે એવા મુખ્યપ્રધાન મળવા મુશ્કેલ છે. એન. બિરેન સિંહે લાંબા સમય સુધી હિંસાચાર જોયા કર્યો હતો. તેમની પાસેથી રાજીનામું બહુ પહેલાં લઇ લેવા જેવું હતું. બે પક્ષો વચ્ચે વેરઝેર મોટા પાયે વધી ગયા પછી તેમણે રાજીનામું આપ્યું છે. મણિપુરમાં નવા રાજ્યપાલ એ.કે. ભલ્લાએ શપથ લીધા પછી મુખ્યપ્રધાન બિરેન સિંહે રાજીનામું આપી દીધું હતું.
છેલ્લાં બે વર્ષમાં મણિપુરની હિંસાએ અનેકનો ભોગ લીધો છે અને આ અન્યથા શાંત રાજ્ય હિંસાચારની આગમાં લપેટાઇ ગયું છે. મણિપુરમાં અશાંતિ ઊભી થવા પાછળનું મુખ્ય કારણ નબળી રાજ્ય સરકાર હોવાનું જાહેરમાં ચર્ચાઇ રહ્યું છે. બિરેન સિંહે તોફાનીઓ સામે સમયસર પગલાં ભર્યા નહીં અને 'હોતી હૈ ચલતી હૈ'વાળી નીતિ અપનાવી. ભાજપના વિધાનસભ્યોમાં કોઇ મતભેદો નથી એવું રાજ્યનાં ભાજપ પ્રમુખ અધિકારીમાયુમ શારદા દેવી વારંવાર કહી રહ્યાં છે, જે શંકા ઉપજાવે છે. ભાજપના કેટલાક વિધાનસભ્યો દિલ્હીના મોવડીમંડળને મળીને બિરેન સિંહ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી આવ્યા હતા.
અધિકારીમાયુમ શારદા દેવીએ કહ્યું હતું કે મુખ્યપ્રધાન રાજ્યમાં શાંતિ ઇચ્છે છે અને તેમણે કેન્દ્રને પણ કહ્યું છે કે રાજ્યના નાગરિકો શાંતિથી જીવે તે માટે પગલાં ભરવા જોઇએ. જોકે લોકો જાણે છેકે બિરેન સિંહ રાજ્યમાં હિંસા રોકવામાં નિષ્ફળ ગયા છે.
મણિપુરમાં ભાજપે સમસયર નવો ચહેરો શોધવો પડશે. રાષ્ટ્રપતિ શાસન ઉત્તમ વિકલ્પ હોવા છતાં ભાજપનું મોવડીમંડળ આ વિકલ્પ અજમાવવા તૈયાર નથી, કેમ કે ભાજપ તેને વહિવટી નિષ્ફળતા માને છે. બિરેન સિંહ સામે તેમના જ પક્ષના સભ્યો વિરોધ કરી રહ્યા છે.
એટલે જ ભાજપના નોર્થ-ઇસ્ટ કો-ઓર્ડિનેટર સંબિત પાત્રા મણિપુર ગયા છે. પહેલાં તેઓ વિરોધીઓને, ખાસ કરીને જેમણે બિરેન સિંહ વિરુદ્ધ ફરિયાદો કરી છે તેમને મળશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પીઠબળ ધરાવતા વિધાનસભ્ય સાથે સંબિત પાત્રાએ ચર્ચા કરી છે. બિરેન સિંહ સાથે કામ કરી ચૂકેલા નિવૃત્ત આઇપીએસ વિધાનસભ્ય સાથે પણ સંબિત પાત્રાએ બંધબારણે બેઠક કરી છે.
મણિપુરના નવા મુખ્યપ્રધાને હિંસા આચરનારાં જૂથોનો સામનો કરવો પડશે. હકીકત તો એ પણ છે કે મુખ્યપ્રધાન બનવા કોઈ તૈયાર છે પણ નહીં. કાંટાળો તાજ પહેરવા કોણ તૈયાર થવાનું? ભાજપ માટે નવા મુખ્યપ્રધાન શોધવા મુશ્કેલ એટલા માટે પણ છે કે મણિપુરની પ્રજા ભાજપના શાસનથી બહુ નારાજ છે. હિંસા ફેલાવતાં તત્ત્વોને ડામી શકે એવા મુખ્યપ્રધાનની રાજ્યને જરૂર છે. બિરેન સિંહે તોફાની તત્ત્વોની આળપંપાળ કરીને દૂધ-દહીં બન્નેમાં પગ રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમની આ નીતિને કારણે હિંસા વધુ ભડકી હતી અને રાજ્ય સરકાર ઔર બદનામ થઈ હતી.
વડાપ્રધાન શા માટે મણિપુરની મુલાકાતે જતા નથી એમ પૂછીને કોંગ્રેસના નેતાઓએ વારંવાર નરેન્દ્ર મોદીને ભીંસમાં લેવાની કોશિશ કરી હતી. લોકસભામાં મણિપુરના મુદ્દે વિપક્ષે સત્તાધારી ભાજપને ઘેર્યો હતો.
મણિપુરની ૬૦ સભ્યોની વિધાનસભામાં ભાજપના ૩૭ સભ્યો છે, પરંતુ ગઇ મે, ૨૦૨૩થી અંદરોઅંદર બાખડી રહેલા કૂકી અને ઝો સિવિલ સોસાયટીના સભ્યોનો ઉપયોગ દેશવિરોધી તત્ત્વો કરી રહ્યા હોવાનું જાણવા છતાં સરકાર કડક પગલાં લઈ શકી નહોતી. કોંગ્રેસ પણ જાણે છે કે બાખડી રહેલાં તત્ત્વોના સળગતા મુદ્દા હાથમાં પકડવાનો કોઇ અર્થ નથી.
કોઇ પણ પક્ષના નેતા પાસે મણિપુરની અશાંતિને દૂર કરવાની જાદુઇ લાકડી નથી. કેન્દ્ર સરકારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને હિંસક તત્ત્વોનો સફાયો કરવાની જરૂર છે. જે રીતે મણિપુરમાં પ્રસરેલી હિંસાનો લાભ દેશવિરોધી તત્ત્વો ઉઠાવી રહ્યા છે તે જોતાં લાગે છે કે ભાજપે વહેલી તકે દેશ હિતમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઇએ.