બિહારમાં નહીં પણ મહારાષ્ટ્રમાં ખેલા હોબે : વિપક્ષી જોડાણ લાચાર
- બિહારમાં નીતિશ સરકારની આસાન જીત
- પ્રસંગપટ
- મહારાષ્ટ્રમાં અશોક ચવાણે કોંગ્રેસ પક્ષમાં છિદ્ર નહીં, પણ મસમોટું ગાબડું પાડયું છે
- નીતિશકુમાર
- અશોક ચવાણ
લોકસભાના ચૂંટણી જંગને માંડ બે મહિના બાકી છે ત્યારે વિપક્ષી જોડાણ માટે સોમવારનો દિવસ મોટા ફટકા સમાન સાબિત થયો હતો. બિહારમાં નીતિશકુમાર પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી બિહારમાં હવે એનડીએની જીત નિશ્ચિત મનાય છે. અહીં જે ખેલા થવાનો હતો તે થઈ ગયો. લેટેસ્ટ અને અણધાર્યો 'ખેલા હોબે' (એટલે કે ખેલ પડશે) તો મહારાષ્ટ્રમાં થયો, જ્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવાણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી દીધી. તેમની સાથે અન્ય ડઝનેક કોંગી વિધાનસભ્યો ભાજપમાં જોડાશે તેવી હોવાની શક્યતા જોવાય છે.
વિપક્ષી જોડાણને મહારાષ્ટ્રમાં મોટો ફટકો પડયો છે. મહારાષ્ટ્રમાં બહુ સંગઠીત મનાતી કોંગ્રેસ પાર્ટીના સભ્યો સત્તા ગુમાવ્યા પછી હતાશામાં સરકી પડયા હતા. અશોક ચવાણે કોંગ્રેસમાં છિદ્ર નહીં, પણ ગાબડું પાડયું છે. ૬૫ વર્ષના અશોક ચવાણે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપતાં સમાચારોનો તખ્તો બિહાર પરથી સીધો જ મહારાષ્ટ્ર કોંગ્રેસ તરફ ખેંચાઇ ગયો હતો. કહે છે કે અશોક ચવાણને ભાજપ રાજ્યસભાની બેઠક આપવાનું છે. મહારાષ્ટ્રમાં અશોક ચવાણનું કોંગ્રેસ છોડવું એ કોંગ્રેસ માટે બહુ આઘાતજનક ઘટના છે, કેમ કે ડિસેમ્બર ૨૦૦૮થી નવેમ્બર ૨૦૧૦ સુધી તેઓ આ રાજ્યના મુખ્ય પ્રધાન હતા. કોંગ્રેસમાં તેઓ પ્રભાવશાળી મનાતા હતા. ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન મહારાષ્ટ્ર કોંગ્રેસનું પ્રમુખપદ પણ એમણે જ સંભાળ્યું હતું. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના શંકરારાવ ચવાણના તેઓ પુત્ર છે.
અશોક ચવાણના રાજીનામા બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે વિચિત્ર પ્રત્યાઘાત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવા (અશોક ચવાણ જેવા) દગાખોરોના જવાના કારણે નવા ચહેરાઓને કોંગ્રેસમાં આવવાની તક મળશે.
વિપક્ષી જોડાણ પાસે કોઇ એવો નેતા નથી કે જે ગાબડાં પડતાં અટકાવી શકે. બિહારમાં નીતિશકુમાર રાજ્યપાલને ત્યાં ચા-પાણી કરવા નહોતા ગયા, પણ ભાજપ સાથે જોડાવાની ઝંખના પૂરી કરવા હતા. કોંગ્રેસના કોઇ નેતા તેમને સમજાવવા નહોતો ગયો. નીતિશકુમારે ભાજપ સાથે જોડાવાની વાત કરી ત્યારે તેમને સમજાવવાના બદલે તેમને 'પક્ષપલ્ટુ' કહીને જાહેરમાં ટીકા કરી હતી. પોતાના ગઠબંધનના સંયોજક ભાજપમાં જતા રહ્યા તેનું તેમને જાણે કે કોઈ દુખ જ નહોતું, પણ લાલુપ્રસાદ યાદવનો પુત્ર તેજસ્વી ફરી સત્તાવિહોણો બની જશે તે વાતની એમને પીડા હતી.
કોઇ પણ રાજ્યમાં વિશ્વાસનો મત જીતવાનો આવે ત્યારે લોકો 'ખેલા હોબે'ની શક્યતા જોવા લાગે છે. અધ્યક્ષ કેવી ગેમ રમશે તેના પર સૌની નજર હોય છે. જે રાજકીય પક્ષો લઘુમતીમાં હોય તે પણ રાજકીય બજારમાં ટકી રહેવા 'ખેલા હોબે'ની અફવા ઉડાડતા હોય છે. બિહારમાં તો સત્તા નહીં છોડવા માગતા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષને સરકારે બહુમતી સાથે હટાવીને વિધાનસભામાં નવા અધ્યક્ષ મૂક્યા ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે નીતિશ જીતી ગયા છે, કેમ કે અધ્યક્ષ દૂર કરવા માટે પણ બહુમતી હોવી જોઇએ. બિહારમાં તો વિધાનસભાની સત્તા પક્ષની પાટલી પર સભાની શરૂઆતથી જ તેજસ્વી યાદવના ત્રણ વિધાનસભ્યો ગોઠવાઇ ગયા હતા. તેમ છતાં તેજસ્વી યાદવે સંબોધનનો લાભ ઉઠાવીને પોતે કેવાં સારાં કામો કર્યા છે તેમ કહી ખુદની પીઠ થપથપાવી હતી.
બિહારમાં 'ખેલા હોબે' જોવા મળશે અવી વાતો કરનાર તેજસ્વી યાદવના અભિમાનનું ફિંડલું વળી ગયું હતું. વિશ્વાસ માટે મતદાન કરતાં પહેલાં તેજસ્વી યાદવે નીતિશકુમાર અને તેમના ભાજપ સમર્થક સાથીઓને બહુ ચાબખા માર્યા હતા, પરંતુ નીતિશકુમારના જનતાદળ (યુ)ના સભ્યોેએ તેજાબી વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે તેજસ્વી યાદવ અને તેમના સાથીઓ બહુ ઉદ્ધત હતા અને બધાનું અપમાન કરતા હતા. તેજસ્વી યાદવે અનેક ખાતાં પોતાની પાસે રાખ્યા હતા અને કોઇને તક નહોતા આપતા. નીતીશકુમારે તેમના સંબોધનમાં કહ્યું હતું કે અમારો સાથી પક્ષ અને તેજસ્વી યાદવના સાગરીતો ભ્રષ્ટાચાર અને દાદાગીરીમાં ડૂબેલા રહેતા હતા. અમે તેમનાથી છૂટકારો મેળવવા મથતા હતા, કેમ કે પ્રજા પણ તેમનાથી કંટાળી હતી.
ખેર, અશોક ચવાણે કોગ્રેસને અલવિદા કરતાં સોમવારનો દિવસ વિપક્ષી ગઠબંધન માટે પુન: ફેરવિચારનો દિવસ બની ગયો હતો.