For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટેસ્લાના રોકાણ માટે ત્રણ રાજ્યો વચ્ચે સ્પર્ધાઃ તમિળનાડુને ચાન્સ

Updated: Apr 13th, 2024

ટેસ્લાના રોકાણ માટે ત્રણ રાજ્યો વચ્ચે સ્પર્ધાઃ તમિળનાડુને ચાન્સ

- પ્રસંગપટ

- મસ્ક અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાશે

- નિસાન મોટર્સ, રેનોલ્ટ, હૂંડાઇ મોટર્સ અને બીએમડબલ્યુ જેવી કંપનીઓ ઓલરેડી તમિળનાડુમાં છે

ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરર ટેસ્લાને પોતાના રાજ્યમાં ખેંચી લાવવા ત્રણ રાજ્યો તનતોડ પ્રયાસો કરી રહ્યાં છે. આ ત્રણ રાજ્યો એટલે ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિળનાડુ. જ્યારથી ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક ભારતના વડાપ્રધાનને મળ્યા છે ત્યારથી ટેસ્લાને પોતાને ત્યાં ખેંચી લાવવા ઉપરોક્ત ત્રણ રાજ્યો લોબીઈંગ કરી રહ્યા ંછે. આ ત્રણેય રાજ્યો પૈકી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે સાથે કેન્દ્રની મોદી સરકાર જોડાયેલી છે. ઇલોન મસ્કની કંપની પોતાના રાજ્યમાં આવે એવું દરેક મુખ્યપ્રધાન ઇચ્છતો હોય છે, કેમ કે તે જંગી રોકાણ સાથે આવશે અને તેના પગલે અન્ય વિદેશી કંપનીઓ તે રાજ્યમાં ખેંચાઇને આવી શકે છે. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે, ગુજરાત ઓટો હબ બનવાની દિશામાં છે, જ્યારે તમિળનાડુમાં અનેક ઓેટો કંપનીઓ ઉત્પાદન કરી રહી છે. ત્રણેય રાજ્યોના દાવામાં દમ છે.

કોઇને એમ થાય કે તમિળનાડુનું રાજ્ય લોકસભાના ચૂંટણી જંગમાં એનડીએ સરકારના વિરોધી એવા ઇન્ડિયા ગઠબંધનમાં હોવાથી મોદી સરકાર તેની ઉપેક્ષા કરશે અને વિદેશનું રોકાણ લઇને આવતી ટેસ્લા કંપનીને હોમ સ્ટેટ ગુજરાતમાં લઇ જઇ જશે. આ માન્યતા ભૂલભરેલી છે. ભારતમાં આવતી દરેક કંપનીને પોતે ક્યા રાજ્યમાં ઉદ્યોગ એકમ નાખવા માગે છે તે નક્કી કરવાની છૂટ હોય છે.

વિદેશની કંપનીઓ પોતાની એજન્સીઓ પાસે દરેક રાજ્યની સારી નરસી બાજુની યાદી તૈયાર કરાવતી હોય છે. વિદેશમાં પણ ભારતનાં રાજ્યોની કાયદો વ્યવસ્થા બાબતે એક પ્રકારની પોઝિટીવ-નેગેટીવ હવા હોય છે.

પોતાના રાજ્યમાં ઉદ્યોગોને ખેંચી લાવવા વિવિધ પ્રલોભનો આપવા પડે છે અને તેમાટે મજબૂત લોબીઈંગ કરવું પડતું હોય છે. ઉદ્યોગો ઊભા થાયતો રાજ્યના યુવાનોને રોજગારી મળી શકે  છે અને તેના પગલે રાજ્યનું ઓવરઓલ આર્થિક ચિત્ર બદલાય છે. મોટા ઉદ્યોગો રાજ્યમાં આવે તો રાજ્યની પ્રતિષ્ઠા વધે છે અને અન્ય ઉદ્યોગો પણ રોકાણ કરવા તૈયાર થાય છે. પશ્ચિમ બંગાળમાં રોકાણ કરવા કોઇ મોટી કંપની તૈયાર હોતી નથી. 

ટેસ્લાના અબજોપતિ માલિક ઇલોન મસ્કે જ્યારે ભારત આવવા તૈયારી બતાવી ત્યારે કાર પરની એક્સાઇઝ ડયુટીના મામલે ભારતે બહુ મચક નહોતી આપી, પણ ઇલોન મસ્કે ભારતના કાયદાનું પાલન કરવાની તૈયારી બતાવી તે પછી તેના માટે ભારતના દરવાજા ખૂલ્યા હતા.

હાલમાં નિસાન મોટર્સ,રેનોલ્ટ એસએ,હૂંડાઇ મોટર્સ અને બીએમડબલ્યુ એજી જેવી કંપનીઓ તમિળનાડુમાં છે.  જેમ તમિળનાડુુ પોતાને દેશનું એાટો કેપિટલ હોવાનો દાવો કરે છે, એમ ગુજરાત પણ ઓટોહબ હોવાનો દાવો કરે છે. ગુજરાતમાં ટાટા મોટર્સ, હીરો મોટર્સ, અશોક લેલેન્ડ, કિયા મોટર્સ વગેરેના પ્લાન્ટ ધમધમે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવા માટે તૈયાર થતી કંપનીઓને દરેક રાજ્ય આવકારે છે, કેમ કે તેમાં વ્હીકલનું વેચાણ વધવાની પૂરી શક્યતાઓ છે. તમિળનાડુ છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગોના આકર્ષવા વિવિધ પગલાં ભરી રહ્યું છે. ગયા જાન્યુઆરીમાં  ટાઇટન્સ ઓફ તમિળનાડુ નામનો ભવ્ય કાર્યક્રમ કરીને તમિળનાડુએ પોતાના રાજ્યના ઉદ્યોગપતિઓનું સન્માન કર્યું હતું.

ટેસ્લા તેની ઇવી કારનું ઉત્પાદન ભારતમાં કરવા માગે છે. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ત્રીજા નંબરે આવતું ભારત ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન માટેનું પ્લાનિંગ કરી રહ્યું છે. ભારતમાં ઇ-વ્હીકલમાટેની ડિમાન્ડ ઊભી થઇ છે. ઇવીના ઉત્પાદન માટે સરકારે મૂકેલી સ્કીમ અનુસાર વિદેશની કંપનીઓને ટેક્સમાં કેટલીક રાહત મળશે અને તેની સામે કંપનીઓએ ઓછામાં ઓછું ૫૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવું પડશે. વળી, ઉત્પાદન ત્રણ વર્ષમાં શરૂ કરવું પડશે. 

ગયા ડિસેમ્બરમાં ટેસ્લાએ વર્ષે ૧૦,૦૦૦ બેટરીનું ઇત્પાદન કરી શકે તેવી શાંગહાઇ બેટરી હસ્તગત કરી હતી અને અમેરિકામાં તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 

મોટી અને નામાંકિત કંપનીઓના પ્લાન્ટ્સ રોજગારી વધારે છે અને રાજ્યની ઓવરઓલ ઇમેજ પણ સુધારે છે. ક્યા રાજ્યની મહેનત ફળે છે તે જોવા માટે થોડો સમય રાહ જોવી પડશે.

Gujarat