AI સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમ ભારતને વિશ્વનું હબ બનાવશે
- AI ક્ષેત્રે ભારતને એડવાન્ટેજ પોઇન્ટ
- પ્રસંગપટ
- સ્ટાર્ટઅપ ક્ષેત્રના વિકાસમાં ભારત અન્ય દેશો કરતાં એક વ્હેંત આગળ હોવાનું પૂરવાર થઇ રહ્યું છે
સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમ ઊભી કરવામાં ભારત પાવરફુલ સાબિત થતાં તેનો સીધો એડવાન્ટેજ એ થયો છે કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત વિશ્વનું હબ બની રહ્યું છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રના વિકાસમાં ભારત અન્ય દેશો કરતાં એક વ્હેંત આગળ હોવાનું પુરવાર થઇ રહ્યું છે.
એક અહેવાલ અનુસાર, અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીએ ભારતના એક સ્ટાર્ટઅપ સાથે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત સોલ્યુશન માટે જોડાણ કરવાની ઓફર આપી છે. મોર્ગેન સ્ટેનલીના વેલ્થ મેનેજમેન્ટના સિનિયરે કહ્યું છે કે ભારતમાં સીટીઓ (ચીફ ટેકનોલોજી ઓફિસર) સમિટ યોજાઇ ત્યારથી કંપનીની નજર ભારતીય સ્ટાર્ટઅપ્સના નવતર આઇડિયાઝ પર છે. જે રીતે ભારતના સ્ટાર્ટઅપ AIનાં સંશોધનોને સમાવીને આગળ વધી રહ્યાં છે તે જોતાં એમ કહી શકાય કે ભારત સ્ટાર્ટઅપનું હબ બની ગયું છે. માત્ર AI આધારિત સ્ટાર્ટઅપ જ નહીં, AI આધારિત સોલ્યુશનમાં પણ ભારત માસ્ટરી મેળવી રહ્યું છે.
આ સીટીઓે સમિટ ગયા વર્ર્ષેે બેંગલુરૂ ખાતે ભરાઇ હતી, જેમાં અમેરિકા સહિતના વિશ્વભરના ટેકનોલોજી નિષ્ણાતો હાજર રહ્યા હતા. આ વાર્ષિક સીટીઓ સમિટનું આયોજન મોર્ગન સ્ટેનલીએ કર્યું હતું. સમિટનો મુખ્ય આશય લોકોપયોગી બની શકે એવાં સ્ટાર્ટઅપ્સને વધુ શાર્પ બનાવીને માર્કેટમાં મૂકવામાં સહાય કરવાનો હતો. નવી પેઢીની ટેલેન્ટ પારખીને તેની લીડરશીપ કરવાની મોર્ગન સ્ટેનલીની નીતિની પ્રશંસા થઇ રહી છે.
ભારતનાં બંેગલુરૂ સિવાયનાં શહેરો અને એશિયામાં થઈ રહેલાં ઇનોવેશન પર મોર્ગન સ્ટેનલીની નજર છે. એ જ રીતે હંગેરી, મોન્ટ્રીયલ અને ગ્લાસગોમાં થઈ રહેલાં ઇનેવોશેન પર પણ કંપનીની ચાંપતી નજર છે. અહીં ઉલ્લેખનીય છે કે મોર્ગન સ્ટેન્લીની મેઇન ઓફિસ અમેરિકામાં છે, જેની સાથે ૨૪,૦૦૦ ટેકનોલોજિસ્ટ્સ સંકળાયેલા છે.
તે પૈકીના ૮,૦૦૦ તો એકલા ભારતમાં છે. આનો અર્થ એ થયો કે કંપનીના એક તૃતીયાંશ ટેકનોલોજિસ્ટ્સ ભારતીય છે. ભારતીય ટેકનોલોજિસ્ટ્સ મુંબઇ અને બેંગલુરૂના બે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સાથે (GCC) જોડાયેલા છે. મુંબઇ ખાતેનું સેન્ટર ૨૦૨૩માં અને બેંગલુરૂનું સેન્ટર ૨૦૧૪માં ઊભું કરાયું છે.
આ સેન્ટર માને છે કે AI ટેકનોલોજીમાં ભારત પર ભરોસો રાખવો પડે એમ છે, કેમ કે અહીં નવતર આઇડિયા અને ઇનોવેશન જોવા મળે છે. આ કંપની અનેક ક્ષેત્રો જેવાં કે ટેકનોલોજી, AI બિઝનેસ, ફાયનાન્સ, ફંડ સર્વિસ, પ્રાઇમ બ્રોકેજ,ઇન્ટરનલ ઓડિટ વગેરેમાં કામ કરીને તેમાં AIનો ઉપયોગ કેવી રીતે થઇ શકે તે ચકાસવાનું કામ કરી રહી છે.
મોર્ગન સ્ટેનલીનો અભિગમ એવો છે કે વિશ્વમાં આવતી સંશોેધન આધારિત નવી ટેકનોલોજી સૌથી પહેલી પોતાની કંપનીમાં કાર્યરત થઈ જવી જોઈએ. વિશ્વમાં એ મુદ્દે ચર્ચા ચાલે છે કે AI રોજીંદા વપરાશમાં આવશે ત્યારે અનેક લોકો નોકરી ગુમાવશે અને બેકારી ઊભી થશે, પરંતુ આ અમેરિકી કંપની માને છે કે આવી વાતોથી ડરવા જેવું જરાય નથી. કંપની ટેકનોલોજી જાણતા લોકોને તો જોબ આપશે જ, પણ જે લોકો ટેકનોલોજી નહીં જાણતા હોય તેમને AI પ્રિલિમિનરી કોર્સ કરાવીને સક્ષમ બનાવવામાં આવશે. હકીકત એ છે કે લોકો ભલે એમ કહેતા હોય કે નોકરી કપાશે, પરંતુ વધારે મોટી સંભાવના એવી છે કે AIને કારણે નોકરીની વધારે તકો મોટા પાયે ખુલશે. જેની પાસે ટેલેન્ટ છે અને જે નવાં સંશોધનોથી અપડેટ રહેવા માગે છે તેમની ડિમાન્ડ ઊભી થશે.
મોર્ગન સ્ટેનલીએ તૈયાર કરેલાં બે સોફ્ટવેર જનરેટીવ AI સાથે સંકળાયેલા છે. તેમાં આસિસ્ટન્ટ અને ડીબ્રીફનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં આ બંનેને ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આસિસ્ટન્ટ અતિ ઉપયોગી AI ટૂલ બની શકે તેમ છે.
અહીં મહત્ત્વની વાત એ છે કે ભારતની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ પર ભરોસો મુકવામાં આવ્યો છે અને તેની પ્રશંસા કરાઇ છે. હાલમાં તો મોર્ગન સ્ટેનલી તેનો ઉપયોગ પોતાની બેંક માટે જ કરી રહ્યું છે, પરંતુ તેનું લક્ષ્ય આ ટેકનોલોજીને વધુમાં વધુ લોકો સુધી લઈ જવાનો છે.