પીએમ મોદીના સંબોધનમાં ઇનોવેશન,ઓલમ્પિક,ઓબીસીના મુદ્દા સમાવશે
- 15 ઓગસ્ટ સંબોધન માટેના લાખો સજેશનો
- પ્રસંગપટ
- દરેક ઇચ્છે છે કે વડાપ્રધાન દેશને તૂટતો જોવાની ઇચ્છા રાખનારાઓને સીધેસીધા જ હડફેટે લે
૧૫ ઓગસ્ટ માટેનું વડાપ્રધાનનું ભાષણ આજે રાત્રે એટલેકે શુક્રવારે રાત્રે તૈયાર થશે. ભાષણમાં ક્યા મુદ્દા આવરી લેવા તે માટે પ્રજા પાસે મંગાવેલા ઓપિનીયન-સજેશનના વિષય પ્રમાણેની એક શીટ બનાવાશે અને તે મુદ્દા ધ્યાનમાં લેવાશે. કેટલાક મુદ્દા કોમન હશે પરંતુ કેટલાક મુદ્દા ઇનોવેટીવ હશે. આવા મુદ્દા પરથી ભાષણના મુદ્દા તૈયાર થશે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં પ્રધાન મંડળનું વિસ્તરણ કર્યું ત્યારે સમાજના પછાત વર્ગને પ્રભુત્વ આપ્યું હતું. વડાપ્રધાનના કોઇ પણ પગલાંને ચૂંટણી લક્ષી હોવાના ચશ્મા પહેરીને ફરતા વિરોધીઓ માટે આશ્ચર્યની વાત એ છે કે ભાષણના મુદ્દા માટે લોકોના ઓપિનીયન મંગાવાયા છે. ૨૩ વર્ષના નીરજે ભારતમાં નવી લહેરખી ઉભી કરી છે.
એક ગોલ્ડ મેળવીને આખું ભારત ઝુમી ઉઠયું છે તો અમેરિકા (૩૯) અને ચીન (૩૮) જેટલા ગોલ્ડ મેડલો મળે તો શું થાય? ઓલિમ્પક મેડલ મેળવવાની ભારતની ક્ષમતા છે પરંતુ તે માટેની તૈયારીની ઉણપ છે જેવા અનેક મુદ્દા ચર્ચાઇ રહ્યા છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા મંગાવેલા સજેશનો લાખોની સંખ્યામાં છે. દરેક મુદ્દાનું પહેલાં સ્ક્રીનીંગ કરાતું હોય છે. તેનાથી લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણવા મળે છે. દરેક કંઇક કહેવા માંગે છે. દરેકના પોતાના આઇડયા હોય છે. સ્કુલમાં નિબંઘ પૂછાતોે હતો કે હું વડાપ્રધાન હોઉં તો..વિધ્યાર્થીઓ માટે આવા નિબંધો આસાન ગણાતા હતા. કમકે તેમાં દેશ સુધારણાની વાતોથી માંડીને રોજીંદી સમસ્યા સમાવાતી હતી.
જેમ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસરને ચીની વારિસ કે વુહાન વાઇરસ કહીને ચીનની ટીકા કરતા હતા એમ ભારતના નેતાઓ હવે તેમના ભાષણમાં કે વારે તહેવારે ભાષણ આપવાનો પ્રસંંગ આવે ત્યારે પાડોશી દેશ કહેવાના બદલે પાકિસ્તાન કહે છે. ગૃહપ્રધાન અમિત શાહ એવા નેતા છે કે જે મુસ્લિમ શબ્દનો ઉપયોગ જાહેરમાં કરે છે. મોદી સરકારના કેટલાક રત્નો જાહેરમાં રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા ક્યારેય ખચકાતા નથી.
સંસદમાં ભારતના નેતાઓ વટથી કહે છેે કે પીઓકે ભારતનું છે અને તેની સાથે જોડાયેલી અફધાનિસ્તાનની સરહદના કારણે અફધાનિસ્તાન ભારતનો પાડોશી દેશ છે. ભારતના પાડોશી દેશો ખાસ કરીને ચીન હવે ફૂંફાડા મારતું બંધ થયું છે. પાકિસ્તાનને ભારતે વૌશ્વિક તખ્તા પર એટલું બદનામ કર્યું છે કે તેના પર ત્રાસવાદ ફેેલાવતા દેશ તરીકેનું લેબલ વાગી ગયું છે. પાકિસ્તાન વારંવાર કહે છે કે કેટલાક દેશો અમારૂં અપમાન કરે છે તેની પાછળ ભારતના શાસકો રહેલા છે. ઓબીસીને અનામતનો મુદ્દો પણ સમાવાશે એમ લાગે છે.
મોદી સરકાર સામે વિરોધ પક્ષો એક થવા મથી રહ્યા છે પરંતુ તેમનામાં ધીરજનો અભાવ જોવા મળે છે. આ વખતે વડાપ્રધાન સૌથી વધુ મુદ્દા ઓલમ્પિક રમીને આવેલા અને મેડલ લઇને આવેલા યુવાનોને અર્પણ કરશે. ભારત આગામી ઓલમ્પિક માટે અત્યારથીજ તૈયારી કરે તે માટેનું આયોજન કરવા પણ તે જણાવશે. રંમત ગમતના ક્ષેત્રે ભારત કેવી રીતે આગળ આવી શકે તેનો પ્લાન પણ મુકાશે.ઓલમ્પિકમાં ભાગ લેવા ગયેલા તમામને પરેડમાં આમંત્રણ અપાયું છે.
આ ખેલાડીઓને જોવાને લ્હાવો અને તેમની પ્રશંસા થતી પણ જોવા મળશે. વડા પ્રધાન મોદીના ભાષણમાં એવા મુદ્દા અપનાવાશે કે જે દરેકના મનની વાત કહેતા હોય. કેટલાક મુદ્દે ખાસ કરીને પાકિસ્તાનની અવળચંડાઇ, પાકિસ્તાનમાંના લઘુમતી હિન્દુઓને હેરાનગતિ, મંદિરો પર હુમલો વગેરે બહુ સંવેદનશીલ વાતો બાબતે લોકો વડાપ્રધાનનો ઓપિનિયન ઇચ્છતા હોય એમ લાગે છે.
લોકોના સજેશન આધારીત સંબોધન હોય તે સાંભળવાનું લોકોને ગમેતે સ્વભાવિક છે. ભારત સામે અનેક સળગતી સમસ્યાઓ છે. લોકોને વડાપ્રધાન પાસેથી કેટલાક મુદ્દે આકરાં સંબોધનની અપેક્ષા છે. વડાપ્રધાન દરેકને સાથે રાખીને ચાલવા માંગતા હોઇ બહુ બોલ્ડ નહીં બને પરંતુ પાકિસ્તાનની ઝાટકણી કાઢીને અફધાનિસ્તામાં ચાલતા હિંસાચારનો ઉલ્લેખ કરશે. ભારતની સહન શક્તિ વિષે પણ તે બોલશે.
વડાપ્રધાન ૧૫ ઓગસ્ટના સંબોધનમાં ભાગ્યેજ દેશની ઘટનાઓનો ઉલ્લેખ કરશે પરંતુ સંસદનું છેલ્લું સત્ર વિરોધ પક્ષોના સતત વિરોધના કારણે ફ્લોપ ગયું છે તે શરમજનક કહી શકાય. એમ લાગે છે કે સંસદના અપમાનનો આ કિસ્સો પણ વડાપ્રધાન તેમના સંબોધનમાં સમાવશે. લોકોને સ્પર્શતા અનેક વિષયો છે. દરેક ઇચ્છે છે કે વડાપ્રધાન દેશને તૂટતો જોવાની ઇચ્છા રાખનારાઓને સીધે સીધાજ હડફેટે લે અને દેશની પ્રગતિની આડે ના આવે એવો સંકેત આપે.