For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સામે ધિક્કારનો માહોલ

Updated: Apr 11th, 2024

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સામે ધિક્કારનો માહોલ

- પ્રસંગપટ

- ૧૦૦ દિવસમાં ૧૧ ભારતીય વિદ્યાર્થીઓનાં ભેદી મોત

- શિક્ષણ લેવા આવતા  વિદેશના વિદ્યાર્થીઓની સલામતી માટેની જવાબદારી અમેરિકન સરકારની છે

૧૭ વર્ષની ભારતીય મૂળની ઇશિકા ઠાકોર ગઇ આઠમી એપ્રિલે અમેરિકાના ટેક્સાસમાંથી ગુમ થયા પછી એમ માની લેવાયું હતું કે તેને મારી નાખવામાં આવી હશે. અમેરિકાનો ભારતીય સમાજ ટેન્શનમાં હતો એમ અમેરિકાની પોલીસની પણ ઊંઘ હરામ થઇ ગઇ હતી, પરંતુ બે દિવસ બાદ, પરમ દિવસે એ મળી આવતાં સૌને હાશકારો અનુભવ્યો હતો. 

અમેરિકામાં ભારતના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવીને મોતને ઘાટ ઉતારવાનો સિલસિલો ચિંતાજનક છે. અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓનું ટેન્શન વધ્યું છે. ખૂબ આશા સાથે જે વાલીઓએ પોતાના તેજસ્વી સંતાનને વધુ સારૂં ભણતર મેળવવા અમેરિકા મોકલ્યા છે તેઓ હવે વિદ્યાર્થીની સલામતી ચેક કરવા રોજ ફોન કરીને સલાહ-સૂચનોનો મારો ચલાવી રહ્યા છે.

આ એક નવા પ્રકારની મુસીબત છે. જે અમેરિકાના  કાયદા-કાનૂનના અમલીકરણની પ્રશંસા થતી આવી છે તે દેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી ઉત્તરોત્તર ઘટી રહી છે.  છેલ્લા સો દિવસમાં જ બે-ચાર નહીં, પણ અગિયાર વિદ્યાર્થીઓના મોત થઈ જવાથી શંકાનું વાતાવરણ ઊભું થયું છે. કોઈ નાના દેશમાં ભારતના વિદ્યાર્થીઓને નિશાન બનાવાય તો ત્યાંના નબળા વ્યવસ્થાતંત્ર સામે આંગળી ચીંધી શકાય, પરંતુ અમેરિકાનું આધુનિક અને સુસજ્જ પોલીસ તંત્ર તો ગુનેગારોને શોધવામાં નિષ્ણાત છે. છતાં ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. 

ભારતીય વિદ્યાર્થીઓ પર થતા છૂટાછવાયા હુમલાઓ પર બહુ ધ્યાન નહોતું અપાતું, પરંતુ ૨૦૨૪ની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૧ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થવાં આઘાતજનક છે. છેલ્લો કેસ ૨૫ વર્ષના મોહમ્મદ અબ્દુલનો હતો. એ મૂળ હૈદરાબાદનો હતો. એ ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એમટેક કરી રહ્યો હતો. એ અચાનક ગુમ થઈ ગયો હતો. લગભગ મહિના પછી તેની ડેડ બોડી મળી આવી હતી. ખળભળાટ મચી જવો સ્વાભાવિક હતો.  

ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે સૌથી પહેલી પસંદ અમેરિકા પર ઉતારે છે, પરંતુ હવે લાગે છે કે એમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે સલામત નથી. ભારતની વિદ્યાર્થીઓ મોટા ભાગે અમેરિકનોના ધિક્કારનો ભોગ બનતા આવ્યા છે. ક્યારેક તેમને ગોળી મરાય છેે તો ક્યારેક અપહરણ કરીને મોતને ઘાટ ઉતારાય છે.  

જે વિદ્યાર્થીઓ અમેરિકામાં નફરત કે ધિક્કરનો શિકાર બન્યા છે તેની પાછળ કોઇ સંગઠનનો હાથ છે કે કેમ તે હજુ શોધી શકાયું નથી. સામાન્યપણે ભારતના વિદ્યાર્થીઓ સરેરાશ અમેરિકન વિદ્યાર્થી કરતાં વધુ હોશિયાર છે. અમેરિકામાં ભારતીયો કંપની ઊભી કરે છે, અથવા  કેટલીય કંપનીના વડા તરીકે ભારતીય હોય છે. 

તેમના હાથ નીચે નોકરી કરવી પડે તે ઘણા અમેરિકનોને ગમતું નથી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા જ્યારે સત્તા પર હતા ત્યારે જાહેરમાં અમેરિકન વિદ્યાર્થીઓને કહેતા હતા કે તમે ભણો, નહીંતર ભારતના વિદ્યાર્થીઓ તમારા કરતાં આગળ નીકળી જશે અને તમારે તેમની કંપનીમાં નોકરી કરવી પડશે. આ નિરીક્ષણમાં ખાસ અતિશયોક્તિ જેવું નથી. સિલિકોન વેલીમાં ટોપ બોસ ભારતીય હોય અને એમનો  ૯૦ ટકા સ્ટાફ અમેરિકન હોય એવી ઘણી કંપનીઓ છે. 

અમેરિકામાં ભણતા વિદેશના કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારતના ૨૫ ટકા છે. હાલ અમેરિકામાં પોણા ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સૌ કોઈને ઉત્તમ કરીઅર બનાવવી છે. તેઓ પાર્ટટાઇમ જોબ પણ કરતા હોય છે. 

 મોડે મોડે હવે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને એફબીઆઇએ ભારતીય મૂળના વિદ્યાર્થીઓનાં શંકાસ્પદ મોત બાબતની તપાસ કરવા ટાસ્ક ફોર્સની રચના કરી છે. હકીકતમાં ભારતની વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ધિક્કારનું વાતાવરણ ઊભું કરતાં પરિબળોેને ઓળખી લેવાની જરૂર છે.

શિક્ષણ લેવા આવતા  વિદેશના વિદ્યાર્થીઓની સલામતી માટેની જવાબદારી અમેરિકન સરકારની છે. ધિક્કાર ફેલાવતા લોકાને અમેરિકાના વહિવટીતંત્રે શોેધીને તેમની સામે કડક પગલાં લેવાની જરૂર છે. 

Gujarat