બટેંગે તો ડૂબેંગેઃ દિલ્હીના ચૂંટણી કુંભમાં કેજરીવાલની હારની ડૂબકી
- એન્ટિ-ઇન્કમબન્સી ફેકટર સામે કોંગ્રેસનો સેફટી બેલ્ટ નહોતો
- પ્રસંગપટ
- કોંગ્રેસ વિપક્ષી સંગઠનના નાના પક્ષોને મર્યાદામાં રહેવાનો સંકેત આપવા માંગતુંં હતું
જે લોકો રાજકારણમાં નવા નિશાળીયા છે તેમણે દિલ્હીની ચૂંટણીની દરેક બેઠકની હારજીતનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાની જરૂર છે. અરવિંદ કેજરીવાલ સામે એન્ટિ-ઇન્કમ્બન્સી ફેકટર બહુ જોર કરતું હતું. એ જાણતા હતા કે એન્ટિ-ઇન્કમ્બ ન્સીથી નુક્સાન થવાનું છે છતાં તે કોંગ્રેસ સાથે સંબંધો બગાડી બેઠા હતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સફાયાની ચર્ચા લાંબો સમય ચાલશે એમ લાગી રહ્યું છે. મને દિલ્હીમાં હરાવવા નરેન્દ્ર મોદીએ બીજો જન્મ લેવો પડશે એવી શેખી મારનાર અરવિંદ કેજરીવાલે પોતાના અભિમાનને પંપાળવામાં સમગ્ર વિપક્ષને ફટકો માર્યો છે.
કેજરીવાલ કેમ હાર્યા તેની સમીક્ષા કરનારાનો રાફડો ફાટયો છે. શેરીએ શ ેરીએ રાજકીય સમીક્ષકો ફૂટી નીકળ્યા છે. સૌની પાસે કેજરીવાલના પતનનાં કારણો છે. કેજરીવાલની ભૂંડી હારના ટોપ-ટેન કારણો લોકો હોંશે હોંશે ગણાવી રહ્યા છે. મહારાષ્ટ્ર કરતાં પણ વધુ વ્યૂહાત્મક રીતે ભાજપે દિલ્હીનો જંગ રમ્યો છે.
દિલ્હીના ચૂંટણી જંગને કારણે વિપક્ષી એકતામાં પડેલી તિરાડોે વધુ પહોળી થઇ છે. વિપક્ષના ગઠબંધનમાં કોંગ્રસને નેતૃત્વ આપવા સિવાય વિપક્ષોને છૂટકો નથી. એમ પણ કહી શકાય કે ભાજપે દિલ્હી આંચકી લઇને એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા છે. કેજરીવાલ જે મતો પર કૂદતા હતા તેનેજ ભાજપે ટાર્ગેટ કર્યા હતા. કેજરીવાલને હરાવનાર ભાજપ નહીં, પણ ખરેખર તો શૂન્ય બેઠક જીતનાર કોંગ્રેસ છે તે સત્ય હવે લોકો સ્વીકારી રહ્યા છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતાઓની જેલ લોકોને યાદ કરાવવામાં ભાજપને સફળતા મળી હતી. કોંગ્રેસ પાસે પક્ષ ચલાવવાનો અનુભવ છે અને તેના નેતાઓ ભાજપની વ્યૂહરચનાને તોડી શકે છે. ચૂંટણી લડવી આસાન નથી તે કોંગ્રેસે અન્ય સાથી પક્ષોને સમજાવી દીધું છે.
હવે પછીનો જંગ બિહારમાં ખેલાવાનો છે. કોંગ્રેસ સિવાયના વિપક્ષીનું જોડાણ થવું એટલે સતત હાર મેળવવાનો પ્લાન તૈયાર કરવો. કહે છે કે જો દિલ્હીમાં કોંગ્રેસ અને કેજરીવાલ હાથમાં હાથ મિલાવીને લડયા હોત તો આ વખતે ભાજપ ફરી એકવાર દિલ્હીમાં હાર્યો હોત. દિલ્હીમાં કેજરીવાલની હાર બાદ વિપક્ષો સતત વિચારી રહ્યા છે કે હવે શું? રાજકારણમાં કંઇક નવું કરવા માંગતા કેજરીવાલ હવે ફેંકાઇ ગયા છે અને પોતાની હાર વિશે મનોમંથન કરી રહ્યા છે. જે વિપક્ષો કોંગ્રેસને દૂર રાખીને વિપક્ષી ગઠબંધન કરવા માંગતા હતા તેઓ હવે ગભરાયેલા છે.
જો બિહારમાં પણ વિપક્ષો એક થઇને નહીં લડે તો ભાજપ અને નિતીશકુમાર ફરી ફાવી જવાના છે.
વિપક્ષોમાં સિનિયર કહી શકાય એવા શરદ પવાર હજુ મહારાષ્ટ્રની હાર પચાવી શક્યા નથી. દિલ્હીમાં તેઓ કેજરીવાલને એકલા હાથે નહીં લડવા સમજાવી શક્યા નહોતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારી એટલે જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમાર અબ્દુલ્લાએ ટૂંકમાં કહ્યું હતું કે, લડો હજુ લડો. તમે અંદરોઅંદર લડશો તો ભાજપને તો ફાવતું મળી જવાનું છે એમ તેમનું કહેવું હતું.
વિપક્ષી નેતાઓએ તો ફરી પત્તાં ચીપવા પડે તેવી સ્થિતિ છે. વિપક્ષના બધા નતાઓ કેજરીવાલ જેવા નથી . તેઓ જાણે છેકે એક પછી એક રાજ્ય જીતી રહેલા મોદીનો વિજયરથ રોકવાની તાકાતનો પરચો દિલ્હીમાં બતાવવાની તક ઊભી થઇ હતી. દિલ્હી હાર પછી લગભગ સૌને ભાન થયું છે કે કોંગ્રેસના સાથ સિવાય છૂટકો નથી.
દિલ્હીનાં વર્તુળો જણાવે છેકે માત્ર આમ આદમી પાર્ટીને હરાવવા જ કોંગ્રેસે દિલ્હીના જંગમાં ઝૂકાવ્યું હતું. કોંગ્રેસ વિપક્ષી સંગઠનના નાના પક્ષોને મર્યાદામાં રહેવાનો સંકેત આપવા માગતું હતું. આ સંકેત હાર્યા બાદ જ વિપક્ષને મળી શકે એમ હતો. કેજરીવાલ ગમે તેટલી રોક્કળ કરે, પરંતુ તેમની 'એકલો જાને રે'વાળી નીતિ દિલ્હીમાં નિષ્ફળ ગઇ છે.
ફરી વિપક્ષો એક થવા તૈયાર થયા છે. દરેક પાસે સમાધાનની ફોર્મ્યુલા છે. અલબત્ત, ફરી પાછા બધા એક થશે અને કેજરીવાલ ફરી હાથ જોડીને કોંગ્રસના માફી માંગે તો પણ કોંગ્રેસ તેને બહુ ભાવ નહીં આપે તે નક્કી છે. દિલ્હીનાં ચૂંટણી પરિણામોએ દર્શાવ્યું છે કે વિપક્ષોનું ગઠબંધન ખૂબ મહત્ત્વનું છે. કેજરીવાલે પોતાના ઘમંડના પોટલાને યમુના નદીમાં પધરાવીને કોંગ્રેસના શરણે જવાની જરૂર છે.